એકતાનગર ખાતે દ્રિદિવસીય “સરદાર સમીપે સાહિત્યગોષ્ઠી” કાર્યક્મનું આયોજન
નર્મદા સહીત ગુજરાતના 40થી વધુ મૂરધન્ય કવિ, સાહિત્યકારોની ઉપસ્થિતિ
રાષ્ટ્રીય એકતા અને સાહિત્ય અને સરદાર વલ્લભભાઇનો અક્ષરદેહ અને સાહિત્યમાં સરદારનો પ્રભાવ સહિતના વિષયો પર વ્યાખ્યાન યોજાયા
સાહિત્ય અકાદમીએ 200દિવસમાં 200 કાર્યક્રમો અને 100જેટલાં પ્રકાશનો કર્યા
પ્રકૃતિસભર માહોલમાં
સરદારની વિરાટ પ્રતિમા, જંગલ સફારી, નર્મદાની મુલાકાત થી સાહિત્યકારો અભિભૂત
કવિ સંમેલનમાં કવિઓ એ સુંદર કાવ્યો રજૂ કરી મહેફિલ જમાવી
રાજપીપલા, તા 9
સ્ટેચ્યુ ઓફ યુનિટી વિસ્તાર વિકાસ અને પ્રવાસન નિયમન સત્તામંડળ તથા ગુજરાત સાહિત્ય અકાદમીના સંયુકત ઉપક્રમે એકતાનગરટેન્ટ સીટી -2 ખાતે તા.5અને 6 જુલાઈ દરમ્યાન દ્રિદિવસીય “સરદાર સમીપે સાહિત્યગોષ્ઠી”નું આયોજન કરવામાં આવ્યુ હતુ. “સરદાર સમીપે સાહિત્યગોષ્ઠી”નો પ્રારંભ ગુજરાત સાહિત્ય અકાદમીના અધ્યક્ષ ભાગ્યેશ ઝા અને સ્ટેચ્યુ ઓફ યુનિટીના મુખ્ય કારોબારી અધિકારી ઉદિત અગ્રવાલ અને મહામાત્ર ડૉ.જયેન્દ્રસિંહ જાદવ,જાણીતા કવિ અને વક્તા મણીલાલ. હ. પટેલની ઉપસ્થિતિમાં દીપ પ્રાગટ્ય કરી સાહિત્ય ગોષ્ઠીને ખુલ્લી મુકાઈ હતી.
આ પ્રસંગે પ્રાસંગિક ઉદબોધનમાં ઉદિત અગ્રવાલે જણાવ્યું હતું કે ભારતના પ્રધાનમંત્રી નરેન્દ્રભાઈ મોદીની પરિકલ્પનાથી લોખંડી પુરુષ સરદાર વલ્લભભાઈ પટેલની વિશ્વની સૌથી ઉંચી પ્રતિમા એકતાનગર ખાતે સ્થાપી છે, ત્યારે પ્રવાસીઓની પહેલી પસંદ સ્ટેચ્યુ ઓફ યુનિટી બન્યું છે ત્યારે હવે કલાના વિદ્યાર્થીઓ અને સાહિત્યપ્રેમીઓ માટે પણ સ્ટેચ્યુ ઓફ યુનિટી વિસ્તાર વિકાસ અને પ્રવાસન નિયમન સત્તામંડળ ના ચેરમેન મુકેશ પુરીના માર્ગદર્શનમાં આ સ્તુત્ય પ્રયાસ હાથ ધરાયો છે અને આ થકી હવે કલાપ્રેમીઓ અને સાહિત્યપ્રેમીઓ માટે પણ સ્ટેચ્યુ ઓફ યુનિટી પ્રથમ પસંદગીનું સ્થળ બની રહેશે તેવો આશાવાદ વ્યકત કર્યો હતો.
વધુમાં અગ્રવાલે જણાવ્યુ હતુ કે, એકતાનગર ખાતે આયોજીત “સરદાર સમીપે સાહિત્યગોષ્ઠી કાર્યક્રમમાં સાહિત્યકારોની રચના પ્રગટ થનાર છે તેને અત્રે આવનાર પ્રવાસીઓ સુધી પહોંચાડવાનો પ્રયત્ન કરીશુ જેનાથી અત્રે આવનાર પ્રવાસીઓને પ્રેરણા મળશે.
ગુજરાત સાહિત્ય અકાદમીના અધ્યક્ષ ભાગ્યેશ જહાએ જણાવ્યું હતું કે, દ્રિદિવસીય આ “સરદાર સમીપે સાહિત્યગોષ્ઠી” કાર્યક્રમમાં ગુજરાતભરના ૪૦ જેટલા સાહિત્યકારોએ ભાગ લીધો હતો, સરદાર વલ્લભભાઇનો અક્ષરદેહ અને સાહિત્યમાં સરદારનો પ્રભાવ સહિત ગુજરાતી સાહિત્યના પ્રવાહો જેવા વિષયો પર ચર્ચા યોજાઇ હતી, સૌપ્રથમવાર સ્ટેચ્યુ ઓફ યુનિટી ખાતે આ પ્રકારનો કાર્યક્રમ યોજાયો છે જેની અમને ખુશી છે. સાહિત્યિક પ્રવૃત્તિ એ સમગ્ર લોક-ચેતના (જનજાગૃતિ)ની અભિવ્યક્તિ છે. તે સમગ્ર સમુદાય, તેની સંસ્કૃતિ, તેના લોકજીવન અને સામાજિક જીવનને પ્રતિબિંબિત કરે છે, ત્યારે આગામી ભવિષ્યમાં પણ સ્ટેચ્યુ ઓફ યુનિટી વહીવટીતંત્ર સાથે મળીને રચનાત્મક કાર્યો કરવા અમે કટીબદ્ધ છીએ.
સાહિત્ય અકાદમીએ 200દિવસમાં 200 કાર્યક્રમો અને 100જેટલાં પ્રકાશનો કર્યા હોવાની ઉપલબ્ધી રજૂ કરી હતી આગામી દીવસોમા રાષ્ટ્રીય કક્ષાના યોજાનાર સાહિત્ય સંમેલનમાં 22 ભાષા ના 250થી વધુ સાહિત્યકારો ને જોડવાનો પ્રયાસ કરાઈ રહ્યો હોવાનું પણ જણાવ્યું હતું.આગામી દિવસોમાં રાષ્ટ્રીય કક્ષાનું સંમેલનપણ સાહિત્ય અકાદમી યોજવા જઈ રહ્યું હોવાનું જણાવ્યું હતું.
આ પ્રસંગે જાણીતા કવિ અને વક્તા મણિલાલ હ પટેલે રાષ્ટ્રીય એકતા અને સાહિત્ય વિષય ઉપર મનનીય પ્રવચન આપી ગુજરાતી કવિતા અને કવિના મિજાજ અંગે સુંદર છણાવટ કરી હતી..અને જણાવ્યું હતું કે શબ્દ પોતે ઓગળીને ભાવ સુધી પહોંચે ત્યારે કવિની કવિતા સાર્થક થાય છે.
બીજા સેશનમાં જાણીતા કવિ વિનોદ જોશીએ કવિની આત્માની કલા વિષય ઉપર રસપ્રદ પ્રવચન કરીને સાહિત્યકારોને મંત્રમુગ્ધ કરી દીધાં હતાં. તેમણે કહ્યું હતું કે ભાષા છેતરી શકે પણ ભાવને છેતરી શકાતો નથી. ભાષાની અભિવ્યક્તિ ભાવ સાથે જોડાય ત્યારે આત્માની અનુભૂતિ થવી જોઈએ. તેમણે કવિતાને આત્માની કળા હોવાનું જણાવી સરસ્વતોને ભાવ સાથે જોડી દેતા વિનોદ જોશીના મનનીય પ્રવચન સાંભળીને અભિભૂત થયેલા સૌ ઉપસ્થિત સરસ્વતોએ જગ્યા પર ઉભા થઈને સ્ટેન્ડિંગ ઓવેશન આપ્યું હતું.તો હસીત મહેતાએ સરદાર વલ્લભભાઈનો અક્ષરદેહ અને પૂર્વ મહામાત્ર અજયસિંહ ચૌહાણે સાહિત્યમાં સરદારનો પ્રભાવ ઉપર આપેલા વ્યાખ્યાનથી માહોલ સરદારમય બની ગયો હતો.
સમાપન સમારંભમાં કવિ હિતેન આનંદપરાના સુંદર સફળ સંચાલન સાથે યોજાયેલાં કવિ સંમેલનમાં સર્વ કવિશ્રી અને
ગુજરાતનાં મૂર્ધન્ય સાહિત્યકારોની ઉપસ્થિતિ માં આ. કવિ સર્વશ્રી વિનોદ જોશી, મણિલાલ હ પટેલ,ભાગ્યેશ જહા ,તુષાર શુક્લ, હિતેન આનંદપરા, અજયસિંહ પરમાર, આશા ગોહિલ, ધ્વનિલ પારેખ, પ્રજ્ઞા વશી, સંજુભાઈ, સૌમિલ મુન્શી, આરતી મુન્શી, રક્ષાબેન, કૃષ્ણ દવે, શ્યામલ મુન્શી વસંત જોશી,ડૉ. કે ભટ્ટ,હરદ્વાર ગોસ્વામી,નિસર્ગ આહીર,શૈલેષ પંચાલ,
દીપક જગતાપ,પારુલ બારોટ વગેરે કવિઓએ કાવ્ય મંચપરથી સુંદર કાવ્યો રજૂ કરી સૌને મંત્રમુગ્ધ કર્યા હતાં.
આ પ્રસંગે પ્રકૃતિસભર માહોલમાં
સરદારની વિરાટ પ્રતિમાના દર્શન અને ભાવવંદના કરી , જંગલ સફારી, નર્મદા બંધની મુલાકાત લઈ સાહિત્યકારો અભિભૂત થયાં હતાં
આ પ્રસંગે સ્ટેચ્યુ ઓફ યુનિટી વિસ્તાર વિકાસ અને પ્રવાસન નિયમન સત્તામંડળના અધિક કલેકટર હિમાંશુ પરીખ, નાયબ કલેકટર શિવમ બારીયા ઉપસ્થિત રહ્યા હતા
તસવીર અને અહેવાલ :દીપક જગતાપ, રાજપીપલા