અમદાવાદ, 27 ફેબ્રુઆરી 2024, લોકસભાની ચૂંટણી પહેલાં ભાજપમાં ભરતી મેળો જામ્યો છે. કોંગ્રેસ અને આમ આદમી પાર્ટીના નેતાઓ કેસરીયો ખેસ ધારણ કરી રહ્યાં છે. ત્યારે આજે કોંગ્રેસના દિગ્ગજ નેતા અને અહેમદ પટેલના ખાસ ગણાતા નારણ રાઠવા કોંગ્રેસમાં લાંબી સફર ખેડીને આજે પુત્ર સંગ્રામ રાઠવા સાથે ભાજપમાં જોડાઈ ગયાં છે. એપ્રીલ 2024માં તેઓની રાજ્યસભાની મુદત પૂરી થઈ રહી છે. તેમની જગ્યાએ નવા સાંસદોની ચૂંટણી પણ થઈ ગઈ છે અને ગુજરાતની ચારેય રાજ્યસભાની સીટ ભાજપ બિનહરીફ જીતી છે. ત્યારે કોંગ્રેસના રાજ્યસભાના સાંસદ તરીકે ટર્મ પૂર્ણ થયાના ગણતરીના દિવસોમાં ભાજપમાં જોડાઈ ગયા છે. હવે છોટાઉદેપુર લોકસભાનાં સમીકરણો જ બદલાઈ ગયાં છે. લોકસભા ભાજપના ઉમેદવાર તરીકે નારણ રાઠવા પણ પ્રબળ દાવેદાર તરીકે ઊભરી આવ્યા છે.
કોણ છે નારણ રાઠવા?
આદિવાસી સમાજમાંથી આવતા કોંગ્રેસના કદાવર નેતા અને પૂર્વ કેન્દ્રીય મંત્રી નારણ રાઠવાએ પુત્ર સંગ્રામસિંહ સાથે કેસરિયા કર્યા છે. નારણ રાઠવા છોટાઉદેપુરથી પાંચ વખત લોકસભાના સાંસદ રહ્યા અને આદિવાસી સમાજનો મોટો ચહેરો છે. તેમણે કોંગ્રેસમાંથી રાજકારણની શરૂઆત કરી અને વર્ષ 1989માં લોકસભા જીતીને પહેલીવાર સંસદમાં પહોંચ્યા. વર્ષ 1991, 1996, 1998 અને 2004માં સાંસદ બન્યા. 2004થી 2009 સુધી UPA-1માં રેલવે રાજ્યમંત્રી રહ્યા. વર્ષ 2009ની લોકસભા ચૂંટણીમાં ભાજપના રામસિંહ રાઠવા સામે હાર્યા. વર્ષ 2008માં કોંગ્રેસ તરફથી રાજ્યસભાના સાંસદ રહ્યા. વર્ષ 2022ની ગુજરાત વિધાનસભાની ચૂંટણીમાં મોહનસિંહ રાઠવા અને નારણ રાઠવા વચ્ચે પુત્રની ટિકિટને લઈને ડખો થયો હતો. બંને આદિવાસી નેતાઓ પોતાના પુત્રને વિધાનસભા ચૂંટણી લડાવવા માંગતા હતા. તે સમયે નારણ રાઠવાની જીદના કારણે મોહનસિંહ રાઠવાએ કોંગ્રેસને રામ રામ કર્યા હતા. હવે નારણ રાઠવા તેમના પુત્ર સાથે કોંગ્રેસને રામ રામ કર્યા છે.
ભારત જોડો ન્યાય યાત્રા ગુજરાતમાં પ્રવેશે એ પહેલાં મોટો ઝટકો
આગામી 7 માર્ચથી રાહુલ ગાંધીની ભારત જોડો ન્યાય યાત્રા ગુજરાતમાં પ્રવેશી રહી છે. મધ્યપ્રદેશથી નીકળી દાહોદના ઝાલોદમાં પ્રવેશ કરશે. જ્યાં આદિવાસી સમાજની મોટી વોટબેંક છે. આ ન્યાયયાત્રા દરમિયાન આદિવાસી વોટબેંકને પોતાની તરફ કરવા માટે જ દાહોદથી શરૂ થઈ રહી છે. 7, 8 અને 9 માર્ચના રોજ આ ન્યાયયાત્રા ગુજરાતમાં વિવિધ જિલ્લાઓમાંથી પસાર થશે. જેમાં સૌપ્રથમ ઝાલોદ, ત્યારબાદ 8 માર્ચે દાહોદ જિલ્લો અને 9 માર્ચે ગોધરા અને પંચમહાલમાં પસાર થવાની છે. ગુજરાતના જે વિસ્તારોને ન્યાયયાત્રા માટે પસંદગી કરાઈ છે તે તમામ આદિવાસી વોટબેંક ધરાવતા જિલ્લા છે અને આદિવાસી વોટબેંકને પોતાની તરફ ખેંચવા માટેનો પ્રયાસ આ દરમિયાન કરવામાં આવશે. જો કે નારણ રાઠવાના ભાજપમાં જોડાવાથી ગુજરાત કોંગ્રેસને મોટો ફટકો પડશે.
આ પણ વાંચોઃમુખ્યમંત્રી ભુપેન્દ્રભાઈ પટેલે તેલંગાણામાં સભા સંબોધી ભાજપ માટે મત માંગ્યા