તા.27 ફેબ્રુઆરીના રોજ ગુજરાતની સૌપ્રથમ 6 માળની અધ્યતન લાઇબ્રેરીનું ગાંધીનગર ખાતે ગૃહ મંત્રીશ્રી અમિત શાહના હસ્તે લોકાર્પણ થશે.
વાર્ષિક માત્ર બે રૂપિયા સભ્યફી અને 65000 પુસ્તકોનો દરિયો એટલે સેક્ટર- 21 સરકારી ગ્રંથાલય*
ગુજરાતના પાટનગર ગાંધીનગરની ઓળખમાં એક વધુ વિશેષતા નો ઉમેરો થવા જઈ રહ્યો છે ગાંધીનગરાઓ માટે અને એમાં પણ વાંચન અને સાહિત્ય જગત સાથે જોડાયેલા લોકો માટે ખુશીની વાત છે કે સમગ્ર ગુજરાતની સૌથી મોટી લાઇબ્રેરી ગ્રાઉન્ડ + 5 એટલે કે કુલ છ માળમાં વિવિધ પુસ્તકો નો સાગર જાણે ઘર આંગણે આવી પહોંચ્યો છે.
આ વિશાળ ગ્રંથાલયની વાત કરવામાં આવે તો છ માળમાં જુદા જુદા વિભાગો મળી કુલ 65000 પુસ્તકો એક જ સ્થળ પર વાંચન માટે ઉપલબ્ધ છે. જેમાં 800 થી વધુ વ્યક્તિઓ એક સાથે બેસી શકે તેવી બેઠક વ્યવસ્થા સાથે નિર્માણ પામેલ આ ગ્રંથાલયમાં મહિલાઓ, પુરુષો, બાળકો, વૃદ્ધો, અંધજનો દરેક માટે અલગ વ્યવસ્થા નું પણ ખાસ ધ્યાન રાખવામાં આવ્યું છે. ઉપરાંત ઈ લાઇબ્રેરી વિભાગમાં વાઇફાઇ સુવિધા ઉભી કરી ગ્રંથાલયના સભ્યો માટે પાસવર્ડ સેટ કરવામાં આવશે. જેનાથી વાચક કોમ્પ્યુટર માં પાસવર્ડ સેટ કરી ઓનલાઈન 4000 જેટલા પુસ્તકોને વાંચી શકે છે સમયાંતરે ઓનલાઇન વાચકો ના રસ ને ધ્યાનમાં રાખી વધુ પુસ્તકો સોફ્ટવેરમાં સમાવિષ્ટ કરવાનું પણ એક આયોજન છે. ગ્રંથાલયમાં ત્રણ ભાષાઓ હિન્દી અંગ્રેજી અને ગુજરાતી ના પુસ્તકો મેળવી શકાશે આટલા મોટા પુસ્તકાલય ના દરિયામાંથી વાચક પોતાના પસંદનું પુસ્તક સરળતાથી શોધી શકે તે માટે વિષય પ્રમાણે ગોઠવણી કરી કોમ્પ્યુટરમાં ઓપેકની સુવિધા ઉભી કરવામાં આવી છે. જેથી વાચક પોતાની જરૂરત મુજબ જાતે પુસ્તક શોધી શકે છે.
ગ્રંથાલયની બીજી એક વિશિષ્ટતા ગ્રંથાલયનો અંધજન વિભાગ છે જેમાં બ્રેઇન લિપિમાં સાહિત્ય મૂકવામાં આવ્યું છે .ઉપરાંત ઈ-લાઈબ્રેરીમાં કોમ્પ્યુટરમાં વિશેષ ઇન્સ્ટ્રુમેન્ટ દ્વારા જોઈ ન શકનારા વ્યક્તિઓ માટે ઓડિયોનો લાભ લઈ શકે જે તે પુસ્તકને સાંભળી શકાય તેવી પણ સુવિધા ઉપલબ્ધ કરાવવામાં આવી છે.
અહીં સ્પર્ધાત્મક પરીક્ષાની તૈયારી કરતા વિદ્યાર્થીઓ માટે અલગ બેઠક વ્યવસ્થા ગોઠવવામાં આવી છે જ્યાં મહિનામાં એકવાર તેમને વિષય તજજ્ઞો દ્વારા લેક્ચરનું પણ આયોજન કરવામાં આવશે. ગ્રંથાલયમાં ત્રણેય ભાષાના સાહિત્ય પુસ્તકો ,સ્પર્ધાત્મક તૈયારી માટેના પુસ્તકો, નવલકથાઓ, જીવન ચરિત્રો ,બાળ વિભાગના પુસ્તકો, મહિલાઓને લગતા પુસ્તકો, ધાર્મિક પુસ્તકો, ઇતિહાસ, ભૂગોળ, પ્રવાસન આધારિત પુસ્તકો, ઉપરાંત વિશ્વકોષ અને ભગવદગોમંડલ જેવા જોડણી કોષ પણ ઉપલબ્ધ છે. આ સિવાય 20 દૈનિક અખબારો તથા 162 સામયિકોનો પણ સમાવેશ થાય છે.
પાટનગરના આ ગ્રંથાલયના નવીનીકરણ પહેલાથીજ 10,240 સભ્યો ગ્રંથાલયમાં નોંધાયેલા છે. ગ્રંથાલયના નવીનીકરણ પછી અપેક્ષિત લાભાર્થીઓની સંખ્યામાં વધારો થઈ 2,50,000 જેટલા લોકો સભ્યપદ મેળવશે તેવો અંદાજ છે. આ સરકારી ગ્રંથાલયની વાર્ષિક ફી માત્ર બે રૂપિયા છે રજીસ્ટ્રેશન કરાવનાર વ્યક્તિ ગેજેટેડ ઓફિસરના સહી સિક્કા કરાવી જામીન પત્રક સાથે સભ્ય બને તો તેણે રુપિયા 40 ડિપોઝિટ અને વાર્ષિક 2 રૂપિયા લેખે પાંચ વર્ષના 10 રૂપિયા સભ્ય ફી ચૂકવવાની રહે છે. જો કોઈ કારણોસર જામીન નથી મળતા તો સો રૂપિયા ડિપોઝિટ અને 10 રૂપિયા સભ્ય ફી ચૂકવવાની પણ વ્યવસ્થા કરવામાં આવી છે.
સેક્ટર 21 નું આગ્રંથાલય સવારે 8:00 થી રાત્રિના 12 કલાક સુધી એટલે કે કુલ 16 કલાક વાંચકો માટે ખુલ્લું રહે છે મહિલા વાચકો માટે નો સમય સવારે 8:00 થી રાત્રિના 8:00 કલાક સુધીનો નક્કી આવેલો છે. સભ્યપદ મેળવ્યા પછી કોઈપણ એક સભ્ય પોતાના નામ ઉપર ચાર પુસ્તકો એક સાથે લઈ શકે છે. સમયસર પુસ્તક જમા ન કરાવી શકતા સભ્યો માટે આર .એફ .એ .ડી સિસ્ટમ દ્વારા પુસ્તક જાતે રીન્યુ કરવાની પણ વ્યવસ્થા કરવામાં આવી છે.
ગ્રંથાલયના મુખ્ય અધિકારીશ્રી જયરામભાઈ દેસાઈ ગ્રંથાલય અંગે જણાવે છે કે, આપણા સૌ માટે આનંદની વાત છે કે ગાંધીનગરમાં ગુજરાતની સૌથી વિશાળ છ મા ની લાઇબ્રેરી નું ઉદ્ઘાટન થવા જઈ રહ્યું છે તારીખ 27 ફેબ્રુઆરીના રોજ ગૃહ મંત્રી શ્રી અમિતભાઈ શાહ આ ગ્રંથાલયનુ લોકાર્પણ કરવાના છે, ત્યારે જિલ્લાના નગરજનોને તેમણે અનુરોધ કર્યો હતો કે સરકારી ગ્રંથાલય સ્વરૂપે સરકારે આપણને જ્ઞાનની ગંગા ઘર આંગણે લાવી આપી છે. ત્યારે આ વ્યવસ્થાનો ભરપૂર લાભ લઇ પુસ્તકોના વાંચન થકી જીવનને ઉત્તમ બનાવવાનો આ મોકો છોડશો નહીં.
*ગુજરાતની એકમાત્ર અધ્યતન લાઇબ્રેરી નિર્માણ અંગે ખાસ*
સેક્ટર 21 લાઇબ્રેરી સ્ટાર્ટઅપ નોલેજ અને ફ્રી લીનકિંગ સેન્ટર પ્રોજેક્ટ હેઠળ રૂપિયા 20 કરોડના ખર્ચે નિર્માણ પામી છે. જેમાં છ માળ ઉપર અલગ અલગ સુવિધા આપવામાં આવી છે. ગ્રાઉન્ડ ફ્લોર પર ગ્રંથપાલ કાર્યાલય, મદદનીશ ગ્રંથપાલ કાર્યાલય, અન્ય કચેરીઓ, સર્વર રૂમ, ઇલેક્ટ્રીક રૂમ, સ્ટોર રૂમ , સિનિયર સિટીઝન રૂમ, ઈ- લાઇબ્રેરી, અંધજન વિભાગ, રિસેપ્શન તથા પ્રતીક્ષા ખંડ નો સમાવેશ થાય છે.
પ્રથમ માળ પર પુસ્તક લેવડદેવડ વિભાગ, બાળકો માટેનો વિભાગ, મહિલા વિભાગ અને કેન્ટીન આવેલા છે. જ્યારે બીજા માળ પર પુસ્તક પ્રોસેસ વિભાગ ,રેફરન્સ વિભાગ, સ્પર્ધાત્મક પરીક્ષા ખંડ અને સંશોધનખંડ આવેલા છે. એ જ રીતે ત્રીજા માળે મહિલા વાંચન ખંડ અને ઓનલાઈન પરીક્ષા ખંડ તથા ચોથા માળે વાંચન વિભાગ આવેલો છે. પાંચમા માળ ઉપર કોન્ફરન્સ હોલ આવેલો છે. જે 200 માણસની ક્ષમતા ધરાવે છે .એક ઓડિટોરિયમ હોલ છે જે 50 વ્યક્તિઓની ક્ષમતા ધરાવે છે. જ્યારે એક નાનો મીટીંગ હોલ છે જેમાં 20 માણસો બેસી શકે તેવી વ્યવસ્થા કરવામાં આવેલ છે.
ગાંધીનગરમાં નિર્માણ પામેલ ગુજરાતના એકમાત્ર છ માળના આ ગ્રંથાલય નો ઉદ્દેશ ગાંધીનગર શહેરના વાંચન પ્રેમીઓને વાંચન માટે શાંત અને તંદુરસ્ત વાતાવરણ મળી રહે તે માટે આયોજન કરવાનો છે. અને આ આયોજન થકી ગાંધીનગર શહેર વાસીઓને વાંચન માટે અવનવી પુસ્તકો તેમજ ટેકનોલોજી ઉત્તમ તેમજ અદ્યતન સુવિધાઓ મળી રહેશે.
જૂની લાઈબ્રેરી બિલ્ડીંગ ની બેઠક ક્ષમતા માત્ર 200 વ્યક્તિઓની હતી જે વધારીને આ નવા બિલ્ડીંગની બેઠક ક્ષમતા 800 જેટલા વ્યક્તિઓની કરવામાં આવી છે ઉપરાંત બેઝમેન્ટ પાર્કિંગ સુવિધા આપવામાં આવી છે જેમાં 20 ફોરવીલ અને 40 ટુ વ્હીલર પાર્ક કરવાની સુવિધા ઉપલબ્ધ છે.