અમદાવાદ
સંજીવ રાજપૂત
ખેલ મહાકુંભનો પ્રારંભ કરાવતા સીએમ
અમદાવાદ ખાતે ખેલ મહાકુંભ ૨.૦નો શાનદાર પ્રારંભ મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલ દ્વારા કરવામાં આવ્યો હતો. જેમાં રમત ગમત મંત્રી હર્ષ સંઘવી પણ ઉપસ્થિત રહ્યા હતા.
ગુજરાતના મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલે ખેલ મહાકુંભ 2.0નો અમદાવાદ ખાતે શાનદાર પ્રારંભ કરાવ્યો હતો.
મુખ્યમંત્રીએ અમદાવાદના ટ્રાન્સ સ્ટેડિયાના વિશાળ ગ્રાઉન્ડમાં રમતગમત મંત્રી હર્ષ સંઘવી અને અમદાવાદના મેયર શ્રીમતી પ્રતિભા જૈનની ઉપસ્થિતિમાં જોમ-જુસ્સાથી થનગનતા યુવા ખેલાડીઓને પ્રોત્સાહિત કર્યા હતા. મુખ્યમંત્રીએ કહ્યું કે, તત્કાલીન મુખ્યમંત્રી તરીકે નરેન્દ્રભાઈ મોદીએ ગુજરાતમાં રમતગમતના ક્ષેત્રને પ્રોત્સાહન આપવાની પરંપરાને વડાપ્રધાન તરીકે દેશમાં ‘ખેલો ઇન્ડિયા’ શરૂ કરાવીને ગુજરાતના આ મોડલને રાષ્ટ્રીય સ્તરે સ્વીકૃતિ અપાવી છે.
આ ખેલ મહાકુંભ 2.0 આખું વર્ષ ચાલવાનો છે, એટલે ખેલાડીઓ બે રમતોમાં ભાગ લઈ શકશે. યુવાનોને ખેલ મહાકુંભમાં ઈચ્છાપૂર્વક જોડાવા અનુરોધ કરાયો હતો.
આ પ્રસંગે રમત ગમત વિભાગના અગ્રસચિવ અશ્વિનીકુમારે સ્વાગત પ્રવચન કર્યું હતું. આ પ્રસંગે ગુજરાતના મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલ સહિત ઉપસ્થિત મહાનુભાવોના હસ્તે પેરા એશિયન ગેમ્સ 2023, રાષ્ટ્રીય તેમજ આંતરરાષ્ટ્રીય કક્ષાએ વિજેતા થયેલ ખેલાડીઓનું ખેલ પ્રતિભા રોકડ પુરસ્કારથી સન્માન કરવામાં આવ્યું હતું.આ સાથે જ બાળકો અને યુવાનો દ્વારા સાંસ્કૃતિક કાર્યક્રમો રજૂ કરવામાં આવ્યા હતા.આ કાર્યક્રમમાં સાંસદ કિરીટભાઈ સોલંકી, હસમુખભાઈ પટેલ, સ્થાનિક ધારાસભ્યઓ, અમદાવાદ જિલ્લા કલેક્ટર સુશ્રી પ્રવીણા ડી.કે., મ્યુનિસિપલ કમિશનર એમ. થેન્નારસન, અમદાવાદ શહેર પોલીસ કમિશનર જી. એસ. મલિક, સ્વર્ણિમ ગુજરાત સ્પોર્ટ્સ યુનિવર્સિટીના કુલપતિ ડો. અર્જુનસિંહ રાણા, સ્પોર્ટ્સ ઓથોરિટી ઓફ ગુજરાતના સચિવ આર. ડી. ભટ્ટ, સ્પોર્ટ્સ ઓથોરિટી ઓફ ગુજરાતના ડિરેક્ટર જનરલ આર.એસ. નિનામા તેમજ વિવિધ અધિકારીઓ, મહાનુભાવો અને મોટી સંખ્યામાં ખેલાડીઓ ઉપસ્થિત રહ્યા હતા.