કરમસદથી પ્રારંભ થયેલી ‘સરદાર@150′ રાષ્ટ્રીય એકતા પદયાત્રાની ૧૧ દિવસના પરિભ્રમણ બાદ એકતાનગરમાં સમાપન
એક અને અખંડ ભારતના નિર્માણમાં સરદાર સાહેબનું યોગદાન પેઢીઓ સુધી અમર રહેશે: ઉપરાષ્ટ્રપતિ સી. પી. રાધાકૃષ્ણન
બારડોલી સત્યાગ્રહે સરદાર સાહેબને દેશભરમાં મજબૂત અને કદાવર જનનેતાના રૂપમાં પ્રસ્થાપિત કર્યા: રાજ્યપાલ આચાર્ય દેવવ્રત
દેશને એક અને અખંડિત કરવાના સંકલ્પને વડાપ્રધાનશ્રીએ જમ્મુ અને કાશ્મીરમાં કલમ ૩૭૦ નાબૂદ કરીને સાકાર કર્યો છે: મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલ
સરદાર@150’ રાષ્ટ્રીય એકતા પદયાત્રા સાચા અર્થમાં ‘વિચારની યાત્રા’ બની રહી: કેન્દ્રીય રમતગમત અને યુવા પ્રવૃત્તિઓ મંત્રી ડો. મનસુખભાઈ માંડવીયા
રાજપીપલા,તા6

લોખંડી પુરૂષ, દેશના પ્રથમ ગૃહમંત્રી, ભારતરત્ન સરદાર વલ્લભભાઈ પટેલનેની ૧૫૦મી જન્મ જયંતી નિમિત્તે તેમને સ્મરણાંજલિ આપવા માટે કરમસદથી નીકળેલી ‘સરદાર@150’ રાષ્ટ્રીય એકતા પદયાત્રા ૧૧ દિવસના પરિભ્રમણ બાદ એકતાનગર સ્થિત સરદાર પટેલની વિશ્વની સૌથી ઊંચી પ્રતિમા ‘સ્ટેચ્યુ ઓફ યુનિટી’ પરિસરમાં પૂર્ણ થઈ હતી. એકતા પદયાત્રાના સમાપન સમારોહમાં ઉપસ્થિત ઉપરાષ્ટ્રપતિ સી. પી. રાધાકૃષ્ણને આ પદયાત્રાને ભારતના અમર આત્માના ઉત્સવ તરીકે ગણાવી હતી. એકતા પદયાત્રા દેશના જન અને મનને જોડવાનું માધ્યમ બની છે, જેમાં એકતા, કર્તવ્ય અને રાષ્ટ્ર નિર્માણની ભાવનાનો સમન્વય જોવા મળ્યો હોવાનું ગર્વભેર જણાવ્યું હતું. .
ઉપરાષ્ટ્રપતિએ વધુમાં કહ્યું કે, સરદાર પટેલ આપણા શ્રેષ્ઠ રાષ્ટ્રીય નાયક હતા, જેમણે કુશળ નેતૃત્વ પૂરૂ પાડીને ૫૬૦થી વધુ રજવાડાઓને એકીકૃત કર્યા. એક અને અખંડ ભારતના નિર્માણમાં સરદાર સાહેબનું યોગદાન પેઢીઓ સુધી અમર રહેશે.
આ પ્રસંગે રાજ્યપાલ આચાર્ય દેવવ્રતજીએ કહ્યું કે, બારડોલી સત્યાગ્રહે સરદાર સાહેબને દેશભરમાં મજબૂત અને કદાવર જનનેતાના રૂપમાં પ્રસ્થાપિત કર્યા હતા. અંગ્રેજોના અત્યાચારી કર વધારા સામે વલ્લભભાઈ પટેલે આગળ આવીને નેતૃત્વ લીધું હતું. તે સમયે તેઓ એક સફળ વકીલ હતા અને આરામદાયક જીવન જીવી શકતા હતા, પરંતુ તેમણે દેશ સેવા માટે પોતાની વકીલાત છોડી દીધી હતી.

એકતાનગર ખાતે સરદાર સાહેબની વિશ્વની સૌથી વિરાટ પ્રતિમાનું નિર્માણ કરાવીને તેમણે દેશની એકતા અને અખંડિતતાનું પ્રતીક બનાવ્યું છે એમ જણાવતા રાજ્યપાલે દેશભરમાં યોજાયેલી પદયાત્રાઓ સરદાર સાહેબના જીવન આદર્શો અને સત્કાર્યોમાંથી નવી ઊર્જા મેળવશે એમ રાજ્યપાલે કહ્યું હતું.
આ પ્રસંગે મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલે જણાવ્યું હતું કે, દેશની એકતા અને અખંડિતતાના શિલ્પી લોહપુરુષ સરદાર વલ્લભભાઈ પટેલની ૧૫૦મી જન્મજયંતિની ઉજવણીનું વર્ષ સમગ્ર દેશમાં રાષ્ટ્રગૌરવને ઉજાગર કરતું એક ઐતિહાસિક વર્ષ બની રહ્યું છે. આ વર્ષ રાષ્ટ્રગાન વંદે માતરમ, ભગવાન બિરસા મુંડાજીની ૧૫૦મી જન્મજયંતિ તથા સરદાર સાહેબના વિચારધારાના વૈશ્વિક પ્રચાર–પ્રસારનું પ્રેરણાસ્રોત બની રહ્યું છે.
કેન્દ્રીય રમતગમત અને યુવા પ્રવૃત્તિઓ મંત્રી ડો. મનસુખભાઈ માંડવીયાએ કહ્યું કે, આ પદયાત્રા સરદાર સાહેબના પૈતૃક ગામ કરમસદથી સ્ટેચ્યુ ઓફ યુનિટી (એકતા નગર) સુધીની ૧૫૦ કિલોમીટરની અંતિમ તબક્કાની પદયાત્રામાં પોતે ચાર દિવસ સુધી ભાગ લીધો હતો. તેમણે ૧૫૦ કાયમી પદયાત્રીઓની સાથે દેશભરમાંથી અસંખ્ય યુવાનો અને મહિલાઓ તેમજ ગુજરાતના ખૂણે ખૂણેથી હજારો યુવાનો પોતાની ક્ષમતા મુજબ એક, બે કે ત્રણ દિવસ માટે યાત્રામાં જોડાયા હતા, જેના કારણે આ પદયાત્રા ખરા અર્થમાં ‘વિચારની યાત્રા’ બની ગઈ છે.
આ વેળાએ ઉપસ્થિત સૌએ સ્વદેશી અપનાવી ‘આત્મનિર્ભર ભારત’ના નિર્માણના શપથ ગ્રહણ કર્યા હતા. નોંધનીય છે કે, સરદાર@૧૫૦ રાષ્ટ્રીય એકતા પદયાત્રા તા.૨૬ નવે.ના રોજ સરદાર સાહેબના જન્મ સ્થાન કરમસદથી આરંભાઇ હતી. ૧૧ દિવસ ચાલેલી આ યાત્રા આણંદ ઉપરાંત વડોદરા, નર્મદા જિલ્લાના ગ્રામ્ય તથા શહેરી વિસ્તારોમાં પરિભ્રમણ કરી તા.૬ ડિસે. ના રોજ નર્મદા જિલ્લાના એકતાનગર સ્થિત સ્ટેચ્યુ ઓફ યુનિટી પહોંચી હતી. રાષ્ટ્રીય યુનિટી માર્ચમાં જોડાયેલા ઉર્જાત્મક યુવા પેઢી, મહાનુભાવો-જનપ્રતિનિધિઓ, સામાજિક સંસ્થા, સ્વયંસેવકો, સ્થાનિક નાગરિકોએ આત્મનિર્ભર અને વિકસિત ભારતના નિર્માણમાં યોગદાન આપવા જનજન સુધી એકતાનો સંદેશો આપ્યો હતો.
તસ્વીર :દીપક જગતાપ, રાજપીપલા,