વલ્લભ ભટ્ટની લાજ રાખનાર માતાજી: 22 નવેમ્બરે નવાપુરા મંદિરમાં રસ-રોટલીની દિવ્ય નાત, જાણો લોકવાયકા!

નવાપુરાનાં બહુચર માતાના મંદિરમાં 22મીએ રસ-રોટલીની નાત જમાડાશે
વર્ષમાં માત્ર એક જ વાર માગશર સુદ બીજે અન્નકૂટ ધરાવાય છે

નવાપુરા સ્થિત બહુચર માતાજીના મંદિરમાં માગશર સુદ બીજ એટલે કે 22 નવેમ્બરે રસ-રોટલીની નાત થશે. આ દિવસે માતાજીની મૂર્તિ ગર્ભગૃહમાંથી બહાર કાઢી જમીન પર મૂકવામાં આવશે. દર વર્ષે આ રીતે મૂર્તિને જમીન પર બિરાજમાન કરાય છે. મંદિરના સભ્ય હર્ષ ત્રિવેદીએ જણાવ્યું કે ગયા વર્ષે 2300 કિલો જેટલો રસ મગાવાયો હતો, આ વર્ષે 2500 કિલો મગાવાશે. વર્ષમાં એક જ વાર મંદિરમાં અન્નકૂટ અર્પણ કરાય છે. શહેરનાં તમામ મંદિરમાં બેસતાં વર્ષે, દેવદિવાળીના દિવસે અન્નફૂટ અર્પણ કરાય છે પરંતુ નવાપુરાના બહુચરાજી મંદિરમાં માગશર સુદ બીજે અન્નકૂટ ધરાવાય છે. મંદિરમાં 50 હજારથી વધુ લોકો દર્શન તથા રસ-રોટલીની નાતની પ્રસાદી લેવા આવશે.
વર્ષમાં એક જ વાર અન્નકૂટ ધરાવાય છે

બહુચર માતાજીનું મંદિર
એક માત્ર મંદિર છે જ્યાં 2 વાર સ્નાન કરાવાય છે. પૂજારીએ જણાવ્યું કે આ મંદિર ગુજરાતમાં એક મંદિર એવું છે કે જ્યાં 365 દિવસ માતાજીને દિવસમાં 2 વાર સ્નાન અને પ્રક્ષાલન કરાવાય છે. બાકી તમામ માતાજીનાં મંદિરોમાં એક જ વાર સ્નાન, પ્રક્ષાલન થાય છે.
શું છે રસ રોટલીની લોકવાયકા?

સંવત 1732માં માગશર સુદ બીજે બહુચર માતાના પરમ ભક્ત વલ્લભ ભટ્ટે નાત જમાડવાની હતી. આથી જ્ઞાતિજનોએ રસ-રોટલીની માગ કરી હતી પરંતુમાગશરમાં કેરી ક્યાંથી લાવવી તે વિચારીને તેઓ ચિંતામાં મુકાયા, પરંતુ માતાજીએ સાક્ષાત્ રસ-રોટલીનું જમણ કરાવીને વલ્લભ ભટ્ટની લાજ રાખી. ત્યારથી જ દર માગશર સુદ બીજે રસ રોટલીનો પ્રસાદ ધરાવવામાં આવે છે.