આજથી એકતા પ્રકાશ પર્વની ભવ્ય શરૂઆત કરાશે- પ્રવાસીઓને નિઃશુલ્ક એન્ટ્રિ

સરદાર સાહેબની ૧૫૦મી જન્મજયંતિ નિમિત્તે આજથી એકતા પ્રકાશ પર્વની ભવ્ય શરૂઆત કરાશે- પ્રવાસીઓને નિઃશુલ્ક એન્ટ્રિ

૧૭મી ઓક્ટોબરથી ૧૫ નવેમ્બર – ૨૦૨૫ દરમિયાન સ્ટેચ્યુ ઓફ યુનિટી એકતા નગર ખાતે એકતા પ્રકાશ પર્વની ભવ્ય ઉજવણી થશે

એકતા નગરને ૭.૬ કિમીમાં ગ્લો ટનલ તેમજ અદભૂત કલાત્મક થીમ આધારિત લાઈટિંગથી સજ્જ કરાશે

સમગ્ર ભારતવાસીઓને એકતા પ્રકાશ પર્વ દરમિયાન એકતા નગરની મુલાકાત કરીને કાયમી સંભારણું બનાવવા અપીલ – અમીત અરોરા, મુખ્ય કારોબારી અધિકારી, SoUADTGA

રાજપીપલા, તા17

એકતા નગર ખાતે આગામી તા. ૩૧ ઑક્ટોબર ૨૦૨૫ના રોજ સરદાર સાહેબની ૧૫૦મી જન્મજયંતિના અવસરે રાષ્ટ્રીય એકતા દિવસની ઉજવણી થનાર છે. દરમિયાન તા. ૨૦ ઑક્ટોબરના રોજ દીપોત્સવી પાવન પર્વની પણ ઉજવણી થનાર છે. એકતાનગરમાં પહેલેથી જ નાઈટ ટૂરિઝમને પ્રોત્સાહન આપી આકર્ષવા માટે અનેકવિધ પ્રવાસીય પ્રકલ્પો જેવા કે, લેસર શો, ડેમ લાઈટ એન્ડ સાઉન્ડ શો, નર્મદા મહા આરતી, યુનિટી ગ્લો ગાર્ડન સહિત સમગ્ર એકતા નગરમાં અદભૂત લાઈટિંગથી સજ્જ છે. ત્યારે રાષ્ટ્રીય એકતા દિવસ તેમજ દીપોત્સવી પર્વને ધ્યાને લેતા સંભવતઃ ભારતમાં પ્રથમવાર એકતા પ્રકાશ પર્વની ઝળહળ ઉજવણી કરાશે. જેમાં કુલ ૭.૬ કિમીમાં અદભૂત કલાત્મક થીમ આધારિત લાઈટિંગથી સજ્જ કરાશે.

નોંધનીય છે કે, એકતા નગર ખાતે સરદાર સાહેબની ૧૫૦મી જન્મજયંતિના ભાગરૂપે પૂર્વે આયોજિત રાષ્ટ્રીય એકતા દિવસ તેમજ પ્રકાશના ઉત્સવ દીપોત્સવી પર્વની ઉજવણીના ભાગરૂપે એકતા પ્રકાશ પર્વનું આજે તા. ૧૭મી ઑક્ટોબર ૨૦૨૫થી ૧૫ નવેમ્બર ૨૦૨૫ દરમિયાન ભવ્ય શરૂઆત થઈ રહી છે. એકતા પ્રકાશ પર્વનો મુખ્ય ઉદ્દેશ્ય ભારતવાસીઓમાં એકતા, સંસ્કૃતિ અને દેશભક્તિના ભાવને ઉજાગર કરવો અને રાત્રિ સમય દરમિયાન પ્રવાસીઓ માટે નાઈટ ટુરિઝમને પ્રોત્સાહન આપવા વિવિધ થીમ આધારિત લાઈટિંગ નિહાળવાનો અનેરો મોકો મળશે. આ પ્રકલ્પ હેઠળ ઈલ્યુમિનેશન્સ લાઈટિંગ દ્વારા સમગ્ર એકતા નગરને દુલ્હનની જેમ લાઈટિંગ કરી સજાવી વધુ આકર્ષક બનાવવામાં આવશે.

આ માટે સમગ્ર એકતા નગર ઈલ્યુમિનેશન્સ લાઈટિંગ દ્વારા બે ભાગમાં સજાવટ કરવામાં આવશે. જેમાં પ્રથમ ભાગમાં એકતા દ્વારથી સ્ટેચ્યુ ઓફ યુનિટી સુધી ૭ કિમીના વિસ્તારમાં લાઈટિંગ પોલ તેમજ ગેન્ટ્રી મોટિફ, વિવિધ સરકારી યોજનાઓ અને એકતા નગરના પર્યટન સ્થળોને પ્રદર્શિત કરતા અદભૂત લાઈટિંગ સાથે સાથે મુખ્ય રોડ પર આવેલા તમામ ઈમારતો અને વૃક્ષોને પણ લાઈટિંગ દ્વારા સુશોભિત કરવામાં આવશે, આ ઉપરાંત સરદાર સરોવર નર્મદા ડેમ ખાતે રાત્રિ દરમિયાન ખાસ ડિઝાઈન કરવામાં આવેલ ડાયનેમિક ડેમ લાઈટ એન્ડ સાઉન્ડ શોનું પણ ખાસ આયોજન કરવામાં આવેલ છે. જેને ડેમ વ્યૂ-પોઈન્ટ ૧ ખાતેથી નિહાળી શકાશે. આ શો જોવા માટે લોકોનું આકર્ષણ બની રહેશે. જે લોકો રાત્રિ રોકાણ કરે છે તેઓને દિવસ અને રાતનો નજારો અદભૂત રીતે માણી શકે છે.

ભાગ ૨માં મુખ્ય રસ્તાથી વેલી ઓફ ફ્લાવર જવાના ૫૩૦ મીટર લંબાઈના માર્ગને ૧૩ અલગ-અલગ ભાગમાં થીમ આધારિત સિલીંગ લાઈટ, વિવિધ પ્રકારના લાઈટિંગ આર્ટિકલ્સ અને ઓપરેશન સિંધૂર, ઈસરો જેવા અનેક થીમ આધારિત સેલ્ફી પોઈન્ટ/ફોટો બૂથ લગાવવાનું આયોજન હાથ ધરવામાં આવ્યું છે. આ વિસ્તારમાં પક્ષીઓ-પ્રાણીઓ, વિવિધ ચિત્રકલાઓ, વૃક્ષો અને પુષ્પોની આકૃતિઓ, ધાર્મિક ચક્રો તેમજ યંત્રો, અંતરિક્ષ અને સુર્યમંડળના ગ્રહોની થીમ આધારિત લાઈટિંગ આર્ટિકલ્સ લગાડીને ખાસ ડિઝાઈન કરવામાં આવેલ છે.

આ ઉપરાંત વેલી ઓફ ફ્લાવરથી મુખ્ય માર્ગ સુધી જતા ૧૪૦ મીટર લંબાઈના વૉક-વેને ૭ અલગ-અલગ ભાગમાં થીમ આધારિત ગ્લો ટનલમાં પરિવર્તિત કરવાનું આયોજન કરવામાં આવ્યું છે. જેમાં સ્ટેચ્યુ ઓફ યુનિટી, જંગલ સફારી, કેક્ટસ ગાર્ડન, બટરફ્લાય ગાર્ડન, ઉત્તર વાહિની નર્મદા પરિક્રમા, વિવિધ ધાર્મિક સ્થળો તેમજ અંતરિક્ષ જેવી થીમ હશે.

આ અંગે સ્ટેચ્યુ ઓફ યુનિટી વિસ્તાર વિકાસ અને પ્રવાસન સત્તામંડળના મુખ્ય કારોબારી અધિકારીશ્રી અમીત અરોરાએ જણાવ્યું હતું કે, દેશના લોખંડી પુરુષ સરદાર સાહેબની ૧૫૦મી જન્મજયંતિ તેમજ દીપોત્સવી પર્વ દરમિયાન પ્રવાસીઓને એક અનોખી યાદગીરી એકતા નગરના પ્રવાસ દરમિયાન મળે તે માટે ભારત દેશના પ્રધાનમંત્રીશ્રી નરેન્દ્રભાઈ મોદીજીની પ્રેરણાથી એકતા પ્રકાશ પર્વનું આયોજન કરવામાં આવેલ છે. આ માટે સરદાર સરોવર નર્મદા નિગમના અધ્યક્ષ અને વહીવટી સંચાલક તેમજ ચેરમેન – સ્ટેચ્યુ ઓફ યુનિટી વિસ્તાર વિકાસ અને પ્રવાસન સત્તામંડળના મુકેશ પુરીના માર્ગદર્શનમાં SSNNL અને SoU વહીવટી તંત્રના સંયુક્ત ઉપક્રમે સઘન-સૂચારૂ આયોજન કરવામાં આવેલ છે. સમગ્ર ભારતવાસીઓને આ સમય દરમિયાન એકતા નગરના પ્રવાસનું આયોજન કરી જીવનભરની યાદગીરી મેળવવા માટે પધારવા અપીલ છે. અહીં આવતા પ્રવાસીઓ મોબાઈલ સેલ્ફી, વીડિયો અને સોશિયલ મીડિયા દ્વારા લોકોને સરદાર સાહેબનો સંદેશો તેમજ વૈશ્વિક પ્રવાસન સ્થળ સ્ટેચ્યુ ઓફ યુનિટીને જનજન સુધી પહોંચાડવામાં વધુ એક બળ મળશે.

તસવીર :દીપક જગતાપ, રાજપીપલા