ગુજરાત પ્રવાસન નિગમના સચિવ ડૉ. રાજેન્દ્રકુમારની અધ્યક્ષતામાં એકતાનગર ખાતે બેઠક યોજાઈ
રાજપીપલા, તા 17
એકતા નગર ખાતે આગામી તારીખ 30 અને 31 મી ઓક્ટોબર -2025ના રોજ સરદાર સાહેબની 150મી જન્મ જયંતિના અવસરે વડાપ્રધાન નરેન્દ્રભાઈ મોદીની ઉપસ્થિતિમાં રાષ્ટ્રીય એકતા દિવસની ભવ્ય ઉજવણી થનાર છે. જેની વિવિધ સમિતીઓ દ્વારા પૂર્વ તૈયારી પૂર જોશમાં કરવામાં આવી રહી છે. આ કામગીરીની સમીક્ષા અર્થે ગુજરાત પ્રવાસન નિગમના સચિવ ડૉ. રાજેન્દ્ર કુમારની અધ્યક્ષતામાં આજે ગુરૂવારે વહીવટી સંકુલ-એકતાનગર કોન્ફરન્સ હોલમાં બેઠક યોજાઈ હતી.
આ બેઠક દરમિયાન માર્ગ અને મકાન વિભાગ, વીજ વિભાગ, એકોમોડેશન કમિટી, પાણી પુરવઠા, આરોગ્ય વિભાગ, ટેબ્લોની કામગીરી અને ફાયર વિભાગ દ્વારા કરવાની કામગીરી અંગે વિગતવાર ચર્ચા કરવામાં આવી હતી. કાર્યક્રમમાં ભાગ લેવા માટે ઉપસ્થિત થનારા વીવીઆઈપી, લબાસણાના તાલીમાર્થીઓ તથા નાગરિકોના આગમન, રહેઠાણ અને પરત જવાની વ્યવસ્થા તેમજ ભોજન અને નાસ્તાની સુવિધા અંગે પણ વિગતવાર ચર્ચા કરવામાં આવી હતી. પ્રવાસન વિભાગ તેમજ યુવા સાંસ્કૃતિક પ્રવૃત્તિઓ વિભાગ દ્વારા થનારા સાંસ્કૃતિક કાર્યક્રમો અને તેના કલાકારોને લગતી તમામ સુવિધા, ડેમ વ્યુ પોઈન્ટ ખાતે ઊભા કરવાના થતા ક્રાફ્ટ સ્ટોલ અંગે પાવરપોઈન્ટ પ્રેઝન્ટેશનના માધ્યમથી વિગતવાર ચર્ચા કરવામાં આવી હતી.
આ બેઠક દરમિયાન સચિવ ડૉ. રાજેન્દ્રકુમારે એકતાનગર તથા વિવિધ સ્થળે ઊભા કરવામાં આવનારા ડોમ, પાર્કિંગ સેડ અને રોડ રસ્તા સહિત તમામ વિસ્તારોમાં સ્વચ્છતા જળવાઈ રહે તેના પર ખાસ ભાર મૂક્યો હતો. સાથે સાથે કચરા કલેક્શન માટેની યોગ્ય વ્યવસ્થા જળવાઈ રહે અને અન્ય પ્રાંતમાંથી આવતા વીવીઆઈપી-મહેમાનો એકતાનગરની સારી છાપ લઈને જાય તેવું આયોજન બદ્ધ પ્રોટોકોલ મુજબ કાર્ય કરવા તેમજ ફાયર સેફ્ટી, સ્ટોલ સેફ્ટી અને ફૂડ સેફ્ટી જળવાઈ રહે તે માટે અનુરોધ કર્યો હતો.
વધુમાં સચિવે એકતા દિવસ બાદ એકતાનગરમાં તા.1થી 14 નવેમ્બર દરિયાન થનારી ભારત પર્વની ઉજવણી અંગે પણ કેટલીક બાબતો સ્પષ્ટ કરી હતી. સાથે સાઈક્લોથોન અંગે પણ જાણકારી આપી હતી. જેમાં સહભાગી થનારા સાઈકલિસ્ટો અહીં આવે ત્યારે તેમની ઉષ્માભેર આગતા સ્વાગતા-સત્કાર થાય અને એકતાનગર સાઈકલિસ્ટ માટેનું એક ડેસ્ટિનેશન બની રહે તે દિશામાં કાર્ય કરવા પર ભાર મૂક્યો હતો. અને 15મી નવેમ્બરે ભગવાન બિરસા મુંડાની જન્મજયંતિ ઉજવણીની પણ જાણકારી આપી હતી.
આ બેઠક પૂર્વે સચિવ દ્વારા એકતાનગર ખાતે બની રહેલા વિવિધ ડોમ, શેડ, પાર્કિંગ, સ્ટોલ, ક્રાફ્ટ સ્ટોલ અને કાર્યક્રમ યોજાવાનો છે. તે સ્થળોની મુલાકાત લઈને તેમં ખૂટતી કડીઓ પૂરવા સ્થળ પર જરૂરી માર્ગદર્શન પણ અધિકારીઓને પુરૂં પાડ્યું હતું.
આ બેઠકમાં ગુજરાત પ્રવાસન નિગમના એમડી પ્રભવ જોશી , સ્ટેચ્યુ ઓફ યુનિટીના મુખ્ય કારોબારી અધિકારી અમિત અરોરા, જિલ્લા કલેક્ટર એસ.કે.મોદી, નાયબ વન સંરક્ષક અજ્ઞિશ્વર વ્યાસ, સ્ટેચ્યુ ઓફ યુનિટીના અધિક કલેક્ટર સર્વ ગોપાલ બામણીયા અને નારાયણ માધુ, પ્રોટોકોલના નાયબ કલેક્ટર એન.એફ.વસાવા, રાષ્ટ્રીય એકતા દિવસ ઉજવણીની વિવિધ સમિતીના સભ્યો, TCGL, DGVCL, SOU, જિલ્લા વહીવટી તંત્ર અને ગુજરાત પ્રવાસન નિગમના અધિકારીઓ ઉપસ્થિત રહ્યા હતા.
તસવીર :દીપક જગતાપ, રાજપીપલા