આરોગ્ય સુવિધા પહોંચાડવા માટે જિલ્લા આરોગ્ય વિભાગ સક્રિય બન્યું

નર્મદા જિલ્લાના અંતરીયાળ ગામે આરોગ્ય ટીમની અનોખી સેવા યાત્રા

નાંદોદના જૂનારાજ ગામે નાવડી મારફતે પહોંચી આરોગ્ય ટીમે એડવાન્સ પોલિયો રસિકરણ કાર્ય પૂરું કર્યું

કુદરતી અવરોધો વચ્ચે પણ બાળકોના સુરક્ષિત ભવિષ્ય માટે પોલિયોના ટીપા પહોંચાડી “દરેક બાળક સ્વસ્થ રહે” તે ધ્યેયને સાર્થક કર્યો

રાજપીપળા,તા 11

આજે નાંદોદ તાલુકાના જૂનારાજ ગામમાં એડવાન્સ પોલિયો રસિકરણ અભિયાન અંતર્ગત આરોગ્ય કર્મચારીઓની ટીમે એક અનોખો પ્રયત્ન કર્યો હતો. કરજણ ડેમના કેચમેન્ટ વિસ્તારમાં વસેલા આ ગામ સુધી ટીમ નાવડી મારફતે પહોંચી હતી. નાવડીમાં રસિકરણ કીટ, કોલ્ડ બોક્સ અને હિંમત સાથે ટીમે ગામના દરેક ફળિયા-ખૂણામાં જઈને 0થી 5 વર્ષના બાળકોને પોલિયોનો ડોઝ આપ્યો હતો.

નર્મદા જિલ્લાના અંતરીયાળ વિસ્તારોમાં આરોગ્ય સુવિધા પહોંચાડવા માટે જિલ્લા આરોગ્ય વિભાગ સક્રિય બન્યું છે

દરેક ફળિયામાં જઈને “કોઈ બાળક ચૂકી ન જાય” એ ધ્યેય સાથે ટીમે ઘરદીઠ સર્વે કરીને બાળકોનું રસિકરણ પૂર્ણ કર્યું હતું. નદી પારથી લાવેલા પોલીયોના દરેક ટીપામાં ટીમના સમર્પણ, જવાબદારી અને સેવા ભાવના ઝળકતી હતી. કુદરતી અવરોધો વચ્ચે પણ દરેક બાળક સુધી પોલિયોનો ટીપા પહોંચાડવાનો સંકલ્પ સાકાર કર્યો.

તસવીર:દીપક જગતાપ, રાજપીપલા