“મનને આપે વાચા એ માતૃભાષા”
નર્મદા જિલ્લામાં વિશ્વ માતૃભાષા દિવસની ગૌરવભેર ઉજવણી
ભાષારસિકોની દબદબાભેર ઉપસ્થિતિમાં ભાષા વિદ્વાનો દ્વારા માતૃભાષાના ગૌરવગાન કરાયા
રાજપીપલા જિલ્લા શિક્ષણ તાલીમ ભવન ખાતે માતૃભાષા મહોત્સવ કાર્યક્રમ યોજાયો
રાજપીપલા:
ગુજરાતી સાહિત્ય અકાદમી અને નર્મદા સાહિત્ય સંગમના સંયુક્ત ઉપક્રમે તેમજ નર્મદા સાહિત્ય સંગમના પ્રમુખ દીપક જગતાપના પ્રયાસોના પરિણામસ્વરૂપે જિલ્લા શિક્ષણ તાલીમ ભવન રાજપીપલા ખાતે વિશ્વ માતૃભાષા દિવસ નિમિત્તે માતૃભાષા મહોત્સવની ભવ્ય ઉજવણી કરવામાં આવી હતી. જ્યાં જિલ્લા શિક્ષણ તાલીમ ભવનના પ્રાચાર્ય અને નાયબ નિયામક એમ.જી. શેખે વિશેષ ઉપસ્થિતિ નોંધાવી હતી.
આ પ્રસંગે દીપક જગતાપે આ પ્રસંગે ઇઝરાઈલ દેશ અને ફીનલેન્ડ દેશના માતૃભાષા પ્રેમ વિશે રસપ્રદ માહિતી આપીને નર્મદા સાહિત્ય સંગમ વિશે પરિચય આપતા જણાવ્યું કે, માતૃભાષાના મહત્વ અને તેના સંરક્ષણ માટે સાહિત્યિક પ્રવૃત્તિઓ હાથ ધરીને નવયુવાનોમાં જાગૃતતા કેળવવામાં આવે છે. છેલ્લા કેટલાંક વર્ષોથી વાર્તા, કવિતા, નાટક, નિબંધ, વિવેચન, સંશોધન સહિતની સાહિત્યક પ્રવૃત્તિઓ સાથે સંકળાયેલા સાહિત્યપ્રેમીઓ સાથે મળીને નર્મદા સાહિત્ય સંગમને જીવંત કર્યું છે. અંગ્રેજી ભાષાને નકારવી નથી પરંતુ માતૃભાષાને વિશેષ પ્રાધાન્ય આપીને સરકાર પણ માતૃભાષામાં શિક્ષણને પ્રોત્સાહન આપી રહ્યું છે.
આ પ્રસંગે એમ.આર.આર્ટ્સ કોલેજના ગુજરાતી વિભાગના અધ્યક્ષ પ્રા. સુરેશ પટેલે જણાવ્યું કે, મા, માતૃભૂમિ અને માતૃભાષાનું ઘણુ મહત્વ છે. માતૃભાષાનું ગૌરવ સૌને હોવું જોઈએ. આપણે સૌ માતૃભાષામાં જ વાત અને વિચાર કરીએ છીએ તો તેના જતનની જવાબદારી પણ આપણી છે.
સ્ત્રી અધ્યાપન મંદીર રાજપીપલાના આચાર્ય ડો. વિમલ મકવાણાએ પણ ભાષાનું મહત્વ, તેનું સંરક્ષણ અને જાગૃતિ વધારવા અંગે માટે ભાષારસિકોને પ્રેરક માર્ગદર્શન આપ્યું હતું. મકવાણાએ માતૃભાષાને ટકાવી રાખવા માટે ગુજરાતી સાહિત્ય સાથે સંકળાયેલા ચલચિત્રો, કવિતાઓ, સાહિત્યકારોની વાર્તાઓ, નવલકથાઓ સહિતના પુસ્તકોનું વાંચન કરવા કાર્યક્રમમાં ઉપસ્થિતિ ભાષારસિકોને અનુરોધ કર્યો હતો.
આ વેળાએ મુખ્યમંત્રી ભૂપેન્દ્રભાઈ પટેલ અને ગુજરાત સાહિત્ય અકાદમીના અધ્યક્ષ ભાગ્યેશ જહાં દ્વારા માતૃભાષા દિવસ અંગેના રેકોર્ડેડ વીડિયોને કાર્યક્રમમાં ઉપસ્થિત સૌ ભાષારસિકોએ નિહાળ્યો હતો. વધુમાં સૌએ માતૃભાષામાં પોતાના હસ્તાક્ષર કરીને કાર્યક્રમને સફળ બનાવ્યો હતો. વધુમાં કોલેજની વિદ્યાર્થીની બહેનોએ પોતાની સ્થાનિક આદિવાસી માતૃભાષામાં તૈયાર કરેલી કૃતિઓ, નિબંધો, કવિતાઓની પ્રસ્તુતિ કરીને માતૃભાષાનું ગૌરવ વધાર્યું હતું.
માતૃભાષા ના જતન અને માતૃભાષા ના ઇતિહાસથી માંડીને વિવિધ ભાષાઓ ની વચ્ચે ગુજરાતી માતૃભાષાને વધારે કેવી રીતે સજ્જ બનાવી શકાય તેના ઉદાહરણો ટાંકીયુવાપેઢીમાં માતૃભાષાનું મહત્વ, ગૌરવ અંગે જાગૃતતા કેળવવા માટે જરૂરી મહત્વના પાસાઓ ની વિસ્તૃત છણાવટ કરી હતી.
ભારત દેશની સંસ્કૃતિ અને વૈવિધ્યસભર વારસાને જીવંત રાખવા તેમજ જાગૃતતા વધારવા માટે દેશભરમાં વિવિધ કાર્યક્રમોની ઉજવણી થાય છે, ત્યારે ભાષાકીય વૈવિધ્યના વિસ્તાર અને માતૃભાષાનું ગૌરવ વધારવા પર ખાસ ભાર મુકાયો હતો. ઉલ્લેખનીય છે કે, રાજપીપલાની રત્નસિંહજી મહિડા કોમર્સ કોલેજ ખાતે પ્રથમ ચરણમાં યોજાયેલા કાર્યક્રમમાં લાલસિંહ વસાવા, શ્રીમતી રૂચિ ત્રિવેદી અને સંયોજક ડો.હિતેશ ગાંધીએ માતૃભાષાના મહત્વ, સંરક્ષણ અને જાગૃતતા અંગે પ્રેરક પ્રવચન આપ્યું હતું.
આ પ્રસંગે બન્ને કોલેજ માં માતૃભાષા હસ્તાક્ષર ઝુંબેશ હેઠળ માતૃભાષાનું ગૌરવ વધારવા માટે “મારા હસ્તાક્ષર, મારી માતૃભાષા” થીમ અંતર્ગત વિદ્યાર્થીઓ, વક્તાઓ, પ્રાધાયકો, આમન્ત્રિતોએ માતૃભાષા માં હસ્તાક્ષર કરીને માતૃભાષા દિવસ ને સાર્થક બનાવ્યો હતો.
તસવીર :દીપક જગતાપ, રાજપીપલા