ગુજરાત સરકારના મહિલા અને બાળ કલ્યાણ મંત્રી ભાનુબેન બાબરિયાની નર્મદા જિલ્લાની મુલાકાત
આંગણવાડી કેન્દ્રના રસોઈ ઘરમાં તૈયાર થઈ રહેલા ભોજન, સ્ટોર રૂમના અનાજના જથ્થા અને અનાજની સ્વચ્છતાની ચકાસણી કરી
ગરૂડેશ્વર અને નાંદોદ તાલુકાના ગામોની આંગણવાડીનું નિરિક્ષણ કરી સરકારની યોજનાઓની થઈ રહેલી અમલવારીનું કર્યું નિરીક્ષણ
રાજપીપલા,તા 1
નર્મદા જિલ્લાની બે દિવસીય મુલાકાતે પધારેલા ગુજરાત સરકારના સામાજિક ન્યાય અને અધિકારિતા, મહિલા અને બાળ કલ્યાણ વિભાગના મંત્રી ભાનુબેન બાબરિયા પ્રથમ દિવસે સવારે ગરૂડેશ્વર તાલુકાની સમારિયા અને નાંદોદ તાલુકાની તરોપા ગામની આંગણવાડીની મુલાકાતે પહોંચ્યા હતા.
એકતાનગર વીવીઆઈપી સર્કિટ હાઉસથી મંત્રી ભાનુબેન બાબરિયા ગરૂડેશ્વરના સમારિયા ગામે આંગણવાડીમાં પહોંચી બાળકો સાથે હળવાશથી તેમની રોજિંદી પ્રવૃતિઓ તેમજ આંગણવાડી કેન્દ્રમાં આપવામાં આવતા નાસ્તા-શિક્ષણ અંગે પૃચ્છા કરી હતી. ત્યારબાદ કિશોરીઓ, સગર્ભા અને ધાત્રી માતાઓ સાથે ચર્ચા કરી તેમને આંગણવાડીમાંથી આપવામાં આવતા એક સમયના ભોજનની ગુણવત્તા, નિયમિતતા અને કિશોરીઓને અપાતું ટેક હોમ રાશન(THR) નિયમિત મળે છે કે કેમ, આંગણવાડી કાર્યકર બહેનો દ્વારા તેમની લેવાતી કાળજી, ટી.એચ.આર.થી તેમના જીવનમાં આવેલા બદલાવ અંગે જાણકારી મેળવી હતી. આંગણવાડી કેન્દ્રના રસોઈ ઘરમાં તૈયાર થઈ રહેલા ભોજન, સ્ટોર રૂમમાં મૂકેલા અનાજના જથ્થા અને અનાજની સ્વચ્છતાની ચકાસણી કરી હતી.
મંત્રી ભાનુબેન બાદમાં નાંદોદ તાલુકાના તરોપા ગામની આંગણવાડી ખાતે મુલાકાત અર્થે પહોંચ્યા હતા. આ દરમિયાન આંગણવાડીની સ્વચ્છતા, બાળકોને આપવામાં આવતો નાસ્તો, ગામની લાભાર્થી મહિલાઓને આપવામાં આવતું બપોરનું ભોજન ચકાસી જાતે પણ આ ભોજનની ગુણવત્તા તપાસી હતી. આંગણવાડીમાં બાળકોની બેઠક વ્યવસ્થા તેમજ ક્રિડાંગણ નિહાળીને મંત્રીએ અત્યંત ખુશી વ્યક્ત કરી આંગણવાડીના બાળકો સાથે સમય વિતાવ્યો હતો. સરકારની યોજનાઓની સૂપેરે થઈ રહેલી અમલવારી નજરે નિહાળી મંત્રીએ ખૂશીની લાગણી વ્યક્ત કરી હતી.
તસવીર :દીપક જગતાપ, રાજપીપલા