ધનિક પિતાને તેમનું સંતાન ફ્રી માઇડ માતા-પિતા લેખાવે કારણ કે,અઢળક નાણાંથી સંતાન ખૂબ ખર્ચાળ મોજશોખ પૂરા કરી શકે છે કે જીવન લક્ષ્ય, તથ્ય ભુલાવે છે?
પરંતુ,ગરીબ,મધ્યમ વર્ગના માબાપ જીવનમાં સત્યતાનાં પાઠ શીખવી જીવન બનાવવાનું શીખવે છે.
મારા બાપા શિક્ષક તો ખરા પણ તેઓ આયુર્વેદ,જ્યોતિષ પણ જાણતા. વળી સુથારી કામ,દરજી કામ,ખેતી,પશુપાલન,કરતા.ઘરમાં ચરખો હતો, રેંટિયો અને ચરખો મેં કાંતેલો. મારા શાળા-કોલેજના અભ્યાસકાળ દરમિયાન ઘરે ચારેક દેશી ગાય.ગાયો માટે ઘાંસચારો અને એનું છાણવાસીદું મેં કરેલું.ને ફાયદામાં શેડકઢું દૂધ પણ પીધેલું.ઘરનું ઘી,છાશ,માખણ પણ ઝાપટેલું…
એ બધી વાતો ફરી ક્યારેક, મારે વાત કરવી છે.
મારા બાપા કહેતા કે ‘નાનુ શતાવરીના મૂળિયાં ખોદી લાવ ‘ને હું કોદાળી લઈને નીકળી પડતો.સીમાડે,ગોચર કે જંગલમાં જતો અને ખાસ કરીને નાના ખાખરા કે ખીજડાના થડની ઓથમાં ઉગેલી શતાવરી ખોળીને એના મૂળ ટોપલી ભરીને ખોદી લાવતો.એવી જ રીતે શંખપુષ્પી ઊખાડી લાવતો છાંયડે સૂકવીને,ખાંડીને,ચૂર્ણ બનાવતો.ચોખ્ખા મધ સાથે એક ચમચી ચૂર્ણ હથેળીમાં જ મિશ્રણ કરીને ચાટી જવાનું અમને બાપાએ જ શીખવાડ્યું.આજના બાળકોને મેડીકલ સ્ટોરમાં મળતી શંખપુષ્પી સિરપની બાટલીમાં એવી મજા નથી આવતી…સમય બલવાન છે.
મારે ઘરના ગાર્ડનિંગ માટે વર્ષોથી કોઈ માળી નથી આવતો પણ છોડ લાવવા,રોપવા, ખાતર-પાણી,ગોડવું, કાપવું વળી કલમ કરવી કે નવું ઉછેરવું એ બધું જાતે જ કરું.ને અસલ મજા એમાં આવે,મારું સ્વાસ્થ્ય એટલે જ સારું રહે છે.
બારમા ધોરણ સુધી બુનિયાદી આશ્રમશાળામાં ખેતી-બાગાયતનો અભ્યાસ અને ઘરના ખેતરની ખેતીનો અનુભવ કામ લાગ્યો.એટલે આમ સ્વનિર્ભરતા ખરી.
ત્રણેક વર્ષ અગાઉ એક નકામા મોટા વૉશબેઝિનને ફેંકવા કરતા કૂંડા તરીકે રાખીને શતાવરી વાવેલી. લીલોછમ્મ્ વેલો વધ્યા કરે ને કાપતો રહું પણ વેલને ઝીણાં કાંટા આવે એટલે એને કાઢીને કોઈ ફૂલ વાળો છોડ વાવવાની ઈચ્છાથી ખોદીને કાઢી નાખ્યો. અઢી કિલો જેટલા મૂળ કાઢ્યાં.ધોઈને નાના ટૂકડા કરીશ.સૂકાઈ જાય પછી ચૂર્ણ બનાવી લઈશ.
મારા બાપા કોઈ મૂળ,પાન,કે છાલનું ચૂર્ણ બનાવતા ત્યારે મારે કલાકો સુધી ખાંડણીમાં ખાંડવું પડતું. હવે તો આ ગ્રાઈન્ડરથી કરી લેવાશે.પણ નવાં સાધનો કે નવી ટેકનીકના ગેરફાયદા પણ છે.વધારે પિસાવાથી એનું સત્વ એના ગુણ બળી જાય અને કસ ઓછો થઈ જાય.
મારા ઘેર ઘંટી હતી.મારી મા રોજ દળે,અમારા ગામમાં અનાજ દળવાની ચક્કી ખરી પરંતુ મારા બાપાની ભાખરી,રોટલી એ ચક્કીથી દળાવેલા લોટને બદલે ઘરે ઘંટીથી દળેલા ઘઉંના લોટની થતી.મને દળતાં આવડે મારી માને મદદરૂપ થતો.મને એમાં ઘણા ફાયદા થયા.મારી કસરત થતી,મારી માને ઘરકામમાં મદદ થતી, બાપાને ઘરે દળેલો વધુ પૌષ્ટિક લોટની રોટલી મળતી,ચક્કીએ દળાવાના પૈસા બચે,ને આ બધાંમાં આપણને મઝા આવતી એ નફાની.વિષયાંતર નહીં કરું…
એટલે શતાવરીના ચૂર્ણને વધુ પિસાઈ જવાથી એનું સત્વ ઓછું થાય.
શતાવરીના ઉપયોગ વિશે ફરી ક્યારેક..અત્યારે મને કામ કરી લેવા દો.
પ્રશાંત ભટ્ટ.