*500 કેડેટ્સની ઉપસ્થિતિ સાથે એનસીસીના સંયુક્ત વાર્ષિક તાલીમ કેમ્પનું આયોજન કરવામાં આવ્યું*
અમદાવાદ, NCC ગ્રૂપ હેડક્વાર્ટર, વી.વી. નગર અંતર્ગત થમણા ગામ ખાતે 19 થી 28 સપ્ટેમ્બર 2023 દરમિયાન 4 ગુજરાત બટાલિયન NCCના સંયુક્ત વાર્ષિક તાલીમ કેમ્પ- XIIIનું આયોજન કરવામાં આવ્યું છે, જેમાં આર્મી સિનિયર ડિવિઝન અને જુનિયર ડિવિઝન બંનેના 500 NCC કેડેટ્સ ભાગ લઇ રહ્યા છે.
આ કેમ્પના આયોજનનો ઉદ્દેશ્ય કેડેટ્સને ‘રેજિમેન્ટેડ વે ઓફ લાઇફ’ (શિસ્તપૂર્ણ જીવનની રીત)નો પરિચય કરાવવાનો છે, જે તેમને મિત્રતા, ટીમ વર્ક, નેતૃત્વના ગુણો, આત્મવિશ્વાસ, આત્મનિર્ભરતા અને શ્રમનું ગૌરવ વિકસાવવામાં મદદ કરે છે.
આ કેમ્પ દરમિયાન NCC કેડેટ્સને રેન્જ ડ્રીલ, ફાયરિંગ અને વિશિષ્ટ તાલીમમાં મહત્તમ પ્રમાણમાં સામેલ કરવા સહિત સામુદાયિક જીવન, શિસ્ત, ચારિત્ર્ય અને આત્મવિશ્વાસ નિર્માણ પર ભાર મૂકીને પ્રાથમિક સારવારની તાલીમ આપવામાં આવી રહી છે.
કેડેટ્સ કેમ્પના જીવનના ઉત્સાહથી પરિચિત થાય છે જ્યાં તેઓ સંસ્થાકીય તાલીમ દરમિયાન મેળવેલા સૈદ્ધાંતિક જ્ઞાનનો અમલ કરે છે.