પરમપાવન અલખનંદાના તટ ઉપર જીલાસૂ ગામ કર્ણપ્રયાગથી પ્રવાહિત રામકથાના બીજા દિવસે બાપુએ કહ્યું કે રામચરિત માનસમાં લગભગ ૫૫-૫૭ વખત શ્રવણ શબ્દ છે.શ્રવણ એટલે સાંભળવું;શ્રવણ એટલે કાન.શ્રવણ માત્ર વિધા નથી. ગઈ કાલે કહેલું કે વિજ્ઞાન છે.ભક્તિની નવ પ્રકારની વિધા-ભાગવતજીમાં પહેલી વિધા શ્રવણ છે.હું વર્ષોથી ગ્રંથોને, ગુરુજનોને, અસ્તિત્વને, ઝાડવાને, થળચર જળચરને સાંભળી રહ્યો છું.શાસ્ત્રમાં તો ભરપૂર વર્ણન છે પણ એક શ્રોતાના નાતે શ્રવણની વિધા શું છે?આ માત્ર વિધા નથી વિદ્યા પણ છે. શ્રવણ માત્ર વિધા નહીં એક વિદ્યા છે.શરીર શાસ્ત્રમાં પ્રત્યેક ઇન્દ્રિયનું વર્ણન છે.કાન શ્રવણેન્દ્રીય છે.ક્યાં શબ્દ ટકરાય છે,અવાજ કયા પડદા ઉપર અથડાય છે એનું આખું વિજ્ઞાન છે એ પણ આપણે સમજશું.પણ કોઈ પણ વક્તા ખુદ પોતાને પણ સાંભળે છે.ગંગાજી પણ સાંભળી રહી છે,પહાડની ચોટી સાંભળે છે.કબીર પણ કહે છે:સુનો ભાઈ સાધો! એ સાધુ શ્રોતાને ખોજે છે. ભવભૂતિ સાધુ શ્રોતાનું વર્ણન કરે છે.અષ્ટાવક્રને જનક મળે છે,રામકૃષ્ણ પરમહંસને વિવેકાનંદ મળે છે.સાધુને તો શું સંભળાવવું!પણ મારી દ્રષ્ટિમાં લાગે છે કે અસાધુને ન સંભળાવવું જોઈએ. સંસ્કૃતના માલતીમાધવમાં કહેવાયું છે:મારી કોઈ અવજ્ઞા કરે,સાંભળ્યું ન સાંભળ્યું કરે,સ્પર્ધા કરે તો પણ બોલું છું.ભરતજીને પાદુકા મળી એ પ્રારબ્ધ કે પુરુષાર્થથી નહીં માત્ર અધ્યાત્મિક ઉપલબ્ધિ છે.જોઈએ કેવળ અને કેવળ કૃપા,બસ કેવળ કૃપા.તળ ગુજરાતીમાં કહું તો એનું વચન ફગે જ નહીં.કોનું વચન ક્યારેય ફગે નહિ?:
૧-સત્ય બોલે છે એ નહીં,ત્યાં ક્યારેક અહંકાર આવશે.પણ જેનામાં સત્ય પ્રગટ્યું છે,જે સત્યપુરુષ છે એની વાણી ક્યારે અન્યથા નહીં થાય.
૨-જેની વાણી પ્રમાણપત્ર,પ્રશંસા,પદાર્થ,પ્રતિષ્ઠા માટે નહીં;માત્ર અને માત્ર પરોપકાર માટે જ નીકળી છે, વિશ્વમંગળ માટે નીકળી છે તેની વાણી ક્યારેય અન્યથા નહીં થાય.
૩-બુધ્ધિનાં ત્રણેય મેલ જેની બુદ્ધિમાં નથી એની વાણી અન્યથા નથી થતી.
૪-જેની વાણી કોઈ સ્પર્ધા માટે નહીં માત્ર ગુણાતિત શ્રદ્ધા માટે બોલાય છે.જેનો અણુ-અણુ પ્રેમ બની ગયો છે.પ્રેમકર્તા બનેલો નહીં,ખુદ પ્રેમ સ્વરૂપ થઈ ગયો છે એની વાણી અન્યથા થતી નથી.પ્રેમથી પ્રભુ પ્રગટ થાય છે.પ્રેમ કઈ રીતે પ્રગટ થાય એ ભક્તિરસામૃતસિંધુમાં નવ પ્રકારના લક્ષણો દ્વારા કહેવાયું છે.
૫-જે સહજ છે,કોઈ પૂર્વ તૈયારી વગર,કોઈ મુદ્દો કે કોઈ વિષય નક્કી ન હોય એ રીતે સાહજિક બોલે એની વાણી ક્યારેય અફળ થતી નથી,ફગતી નથી,અન્યથા નથી થતી.
૬-જે અનુભૂતિ કરીને બોલે છે એની વાણી ક્યારેય ફગતી નથી,અન્યથા થતી નથી.
કોરો કાગળ લઈ અને કથામાં આવો અહીં પ્રારબ્ધ લખાશે.અપ્રિય પ્રારબ્ધ ભૂંસીને નવું લખાશે એ જ આ ગ્રંથની તાકાત છે.ત્રણ ચાર દિવસ પહેલા તલગાજરડામાં જૈનાચાર્ય આવેલા.ખૂબ જ સરસ વાતો કહેલી એણે કહ્યું કે ઉઠતાંવેત જ-સવારમાં પાંચ-સાત નામ,જે પણ તમારા ઇષ્ટ છે,તેના લ્યો. સવારમાં નામ લેવાથી સ્મૃતિ આવશે(કે આપણને વધુ એક નવો દિવસ મળ્યો છે),બપોરે જમતી વખતે પ્રભુનું નામ લઈને ભોજન કરવાથી શક્તિ આવે છે, સાંજે સુતા પહેલા હરિનામ લેવાથી શાંતિ આવે છે. માત્ર સત્ય સાંભળવું એટલું જ નહીં,બોલવું એટલું જ નહીં,આચરણમાં હોય એટલું જ નહીં ખુદ સત્યપુરુષ થઈ જાય એની વાણી ખૂબ જ તેજદાર હોય છે. સત્ય ધારદાર નહીં,કોઈનું લોહી કાઢી નાંખે એવું નહીં.સત્ય તેજદાર હોવું જોઈએ.એ તેજ પણ શાંત તેજ હોવું જોઈએ,ઉગ્ર નહીં.
બાપુએ કહ્યું કે મને સનરાઈઝ કે સનસેટ નહીં મધ્યાહ્ન ગમે છે.કારણ કે મધ્યાહ્નમાં અભિજીત નક્ષત્ર પરાત્પર બ્રહ્મને પણ ખૂબ જ પ્રિય છે. મધ્યાન વખતે કાયમ અભિજીત નક્ષત્ર હોય છે અને અભિજીતમા થયેલું કોઈ પણ કાર્ય ક્યારેય કોઈને નુકસાન કરતું નથી,કોઈનું ખરાબ કરતું નથી.
સાકાર સગુણ બ્રહ્મ એ ધનુર્ધારી,નામ-રૂપ-ધામમાં બિરાજે એ,નિર્ગુણ નિરાકાર એટલે આકાશ જેવો બ્રહ્મ.સગુણ આરાધના માટે,નિર્ગુણ ચિંતન માટે પણ જેનામાં અનંત આકાશો સમાયા છે એ પરાત્પર બ્રહ્મ,જે આ બધાથી પર એ રામ પરાત્પર બ્રહ્મ પણ છે.
કથા પ્રવાહમાં નામ મહિમાનું ગાન થયું.
અમૃતકણિકાઓ:
અહીં ગંગા,પર્વતો,પશુ,પંખી-બધા જ સાંભળી રહ્યા છે,આપણને ખબર નથી!
વાણી સ્વાતંત્ર્ય વરદાન છે કે શ્રાપ!
પાદુકા માત્ર પ્રસાદથી મળે છે.
જે વક્તા સત્યસ્વરૂપ છે એના વચન ક્યારેય અન્યથા નથી થતા.
બુદ્ધિમાં ત્રણ પ્રકારનો મેલ હોય છે:ભેદબુદ્ધિ, વ્યભિચારિણી બુદ્ધિ,અહંકારની ખટાશ વાળી બુધ્ધિ.
બુદ્ધિને ત્રણ વસ્તુ શુદ્ધ કરે છે:યજ્ઞ દાન અને તપ.
આપણે કેટલા અસહજ થઈ ગયા છીએ!
કટુ સત્ય,સત્યની માત્રા ઓછી કરી નાંખે છે.
જાણ્યા છતાં ચૂપ છે એણે જગત કલ્યાણ માટે બોલવું જોઈએ,જે ખૂબ જ બોલે છે એણે ચુપ રહેવું જોઈએ.