ચિંતન શિબિરના તૃતીય દિવસે વિવિધ વિષયો પર રચાયેલા પાંચ જૂથોએ મનોમંથન બાદ પોતાના નિષ્કર્ષ રજૂ કર્યા

એકતા નગર ખાતે યોજાઇ રહેલી દસમી ચિંતન શિબિરના તૃતીય દિવસે

વિવિધ વિષયો પર રચાયેલા પાંચ જૂથોએ મનોમંથન બાદ પોતાના નિષ્કર્ષ રજૂ કર્યા:

મુખ્યમંત્રી સહિત તમામ મંત્રીઓની પ્રેરક ઉપસ્થિત

પ્રેઝન્ટેશનને અંતે મંત્રી – અધિકારીઓએ પોતાના સૂચનો આપી તારણોને વધુ સમૃદ્ધ બનાવ્યા

રાજપીપલા,તા.21

એકતા નગર ખાતે યોજાઇ રહેલી દસમી ચિંતન શિબિરના તૃતીય દિવસે વિવિધ જૂથોએ તેમને સોંપાયેલા વિષયોના પ્રોબ્લેમ સ્ટેટમેન્ટ પર મનોમંથન બાદ આજે વરિષ્ઠ અધિકારીઓએ પોતાના જૂથ વતી નિષ્કર્ષો રજૂ કરતું પ્રેઝન્ટેશન આપ્યું હતું.

આરોગ્ય અને પરિવાર કલ્યાણના અધિક મુખ્ય સચિવ મનોજ અગ્રવાલ અને રાજકોટના કલેક્ટર પ્રભવ જોશીએ આરોગ્ય અને પોષણ વિષયે થયેલ જૂથ ચર્ચાના નિષ્કર્ષનું પ્રેઝન્ટેશન રજૂ કરતાં કહ્યું કે, આરોગ્ય અને પોષણના તમામ સૂચકાંકો એકબીજા સાથે ગહનતાથી જોડાયેલા હોઈ, વિવિધ વિભાગો વચ્ચેના સંકલનને વધુ મજબૂત કરવાની જરૂરિયાત છે.

જુથ દ્વારા કરવામાં આવેલા પ્રેઝન્ટેશનમાં સ્કૂલ/ આંગણવાડીને પોષણ અભિયાનનું નોડલ પોઇન્ટ બનાવવા, પ્રવેશોત્સવ અને ગુણોત્સવ સાથે પોષણોત્સવનું પણ આયોજન કરવું, “એનિમિયા મુક્ત શાળા”/ “વજન વધારવું ” જેવી સ્પર્ધાઓ યોજવી, સબ સેન્ટર/વન સ્ટોપ સખી સેંટર ઉપર લગ્ન પહેલા – પછી કાઉન્સેલિંગની સુવિધા આપવી, જોખમી પ્રેગ્નન્સીના વહેલાસર નિદાનને પ્રાથમિક માપદંડ બનાવવું,
સોનોગ્રાફીનો વ્યાપ વધારવો, જોખમ ધરાવતી સગર્ભા માતાઓ અને કુપોષિત બાળકોના વાલીઓનું કાઉન્સેલિંગ કરવું જેવા સુઝાવો આપવામાં આવ્યા હતા.

આ ઉપરાંત “આપણા દ્વાર સારવાર” ના મંત્રને સાર્થક કરવા બાળ સખા યોજનાને PMJAY ના પરિપેક્ષ્યમાં સુદ્રઢ કરવી, બાળકોના ખોરાક પોષણક્ષમ બને તે માટે સરગવા, ખજૂર તથા ફળોનો આંગણવાડી અને મધ્યાહન ભોજનમાં મહત્તમ ઉપયોગ કરવો, પદાધિકારીઓ અને અધિકારીઓ દ્વારા આંગણવાડીઓ દત્તક લેવી, મમતા દિવસ અને મંગલ દિવસે આયુષની સેવાઓ ઉપલબ્ધ કરાવવી જેવા સૂચનો રજૂ કરવામાં આવ્યા હતા.

રાજ્ય-રાષ્ટ્રના વિકાસમાં શિક્ષણ પાયાની જરૂરિયાત છે જેને ઉત્તરોત્તર સુધારીને ભવિષ્યમાં વધુ શ્રેષ્ઠ શૈક્ષણિક સુવિધાઓ ઉપલબ્ધ થાય તેવા ઉમદા આશય સાથે શિક્ષણક્ષેત્રે ગુણાત્મક સુધારણા અંગે શિક્ષણ વિભાગના સચિવ વિનોદ રાવ અને નવસારીના કલેક્ટર અમિત પ્રકાશ યાદવ દ્વારા તેમના જુથ વતી પ્રેઝન્ટેશન રજૂ કરવામાં આવ્યું હતું. જેમાં ધો.૩ સુધીમાં પાયાના વાંચન, લેખન અને ગણનનાં કૌશલ્યોની પ્રાપ્તિ સુનિશ્ચિત કરવા, ધો.૮ સુધીમાં વિધાર્થીઓ ધોરણ અનુસાર અધ્યયન નિષ્પત્તિઓ પ્રાપ્ત કરતાં થાય તે સુનિશ્ચિત કરવા, ધોરણ 8 થી ધોરણ 12 સુધીના નેટ એનરોલમેન્ટ રેટ (NER)માં સુધારો, તમામ શાળાઓમાં શિક્ષકોની કાર્યદક્ષતા અને જવાબદારીમાં સુધારો કરવા, અધ્યયન અને અધ્યાપનમાં સુધારા માટે શાળાકીય માળખામાં જરૂરી સુધારાઓ જેવા મુદ્દાઓ પર વિશેષ ભાર આપવામાં આવ્યો હતો.

ગ્રામીણ વિસ્તારમાં ઈન્ફ્રાસ્ટ્રક્ચર અને ક્ષમતા નિર્માણ વિષય પર પંચાયત વિભાગના અધિક મુખ્ય સચિવ એમ. કે. દાસ તથા વિકાસ કમિશનર સંદીપ કુમારે પ્રેઝન્ટેશન રજૂ કર્યું હતું. જેમાં પંચાયતમાં સર્વગ્રાહી વિકાસ માટે થયેલ મનોમંથન સહિત ક્ષમતા વૃદ્ધિ, તકનીકી ક્ષમતા વધારવા, પંચાયતોની નાણાકીય ક્ષમતામાં વધારો, પંચાયતની મિલકતનું સંચાલન અને જાળવણી જેવા મહત્વપૂર્ણ મુદ્દાઓ પર સૂચનો રજૂ કરાયા હતા.

શહેરીકરણ અને માળખાકીય વિકાસ વિષયને લગતા મુદ્દા પર શહેરી વિકાસ અને શહેરી ગૃહ નિર્માણ વિભાગના અગ્રસચિવ સુધીર કુમાર, કચ્છ જિલ્લા કલેકટર અમિતકુમાર અરોરા અને ભાવનગર કલેક્ટર આર.કે. મહેતાએ પ્રેઝન્ટેશન રજૂ કર્યું હતું.

સરકારી અને તમામ સ્વાયત્ત સંસ્થાઓના કર્મચારીઓ માટે તાલીમ અને ક્ષમતા નિર્માણ અંગે થયેલી ચર્ચાઓ બાદ તેમાંથી સામે આવેલા વિવિધ મુદ્દાઓ અંગે અધિક મુખ્ય સચિવ કમલ દયાની, વહીવટી સુધારણા અને તાલીમ પ્રભાગના અગ્ર સચિવ મોહંમદ શાહિદ અને ડેવલપમેન્ટ સપોર્ટ એજન્સી ઓફ ગુજરાત-ગાંધીનગર (D-SAG)ના સી.ઈ.ઓ. સુપ્રિત સિંઘ ગુલાટીએ જૂથ વતી પ્રેઝન્ટેશન રજૂ કર્યું હતું. જેમાં તેમણે કર્મયોગીઓના કામની ગુણવત્તા વધારવા જરૂરી તાલીમના એજન્ડા નક્કી કરી તબક્કાવાર તાલીમનું આયોજન કરવા સૂચન કર્યું હતું. તેમણે તાલીમનો સમયગાળો અને તેના માટેના સુચિત માપદંડો પણ દર્શાવ્યા હતા.

આ ઉપરાંત તેમણે સરકારી સેવામાં જોડાતા કર્મયોગીઓને પ્રથમ વર્ષમાં જ તાલીમ આપવા ઉપરાંત પ્રમોશન વખતે પણ તાલીમ આપવાનું સૂચન કર્યું હતું.

તસવીર :દીપક જગતાપ,રાજપીપલાં

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *