સમાજને આઈનો બતાવતા ચિત્રોનું યોગેશ ભાવસારનું અદભુત સર્જન.
વાસ્તવિક કલામાં વર્તમાન જીવનને ધ્યાનમાં રાખી થયેલા ચિત્રસર્જન દ્વારા ચિત્રકાર આજના સમાજને કંઈક હૃદય પૂર્વક કહેવા માગતો હોય છે. અંદરથી પ્રાર્થના કરતો હોય છે. જીવનનું સત્ય, જીવન જીવવાની સાચી પદ્ધતિ, જીવનના મૂલ્યો તેમજ જીવનનું સાચું મહત્વ સમજાવતા પોતાના ચિત્ર સર્જન દ્વારા પ્રયત્નશીલ હોય છે. છેલ્લા થોડા જ વર્ષોમાં આપણે જોઈએ તો જીવન જીવવાની પદ્ધતિ, વિચારધારા, સંસ્કાર તથા જીવનના મૂલ્યોમાં અતિશય ફેરફારો જોવા મળે છે. જેના કારણે સમાજ પતન તથા દુખ તરફ જઈ રહ્યો છે.
ધ આર્ટ ગેલેરી અમદાવાદની ગુફા ખાતે ચિત્રકાર યોગેશ ભાવસારે પોતાની વાસ્તવિક કલામાં મિક્સ મીડિયા દ્વારા નાની સાઈઝમાં પણ મોટા ગજાના ચિત્ર સર્જન કરેલા કુલ 25 ચિત્રો પ્રદર્શિત કરવામાં આવ્યા. જે પૈકી પ્રત્યેક ચિત્ર ઊંડાણપૂર્વક સમાજને કંઈક સંદેશ આપી રહ્યો છે. એક ચિત્ર કરતા ત્રણ મહિના જેટલો સમય લાગતો હોય આ 25 ચિત્રો તૈયાર કરતાં લગભગ ત્રણ વર્ષ જેટલો સમય ચિત્ર સર્જનમાં લાગ્યો છે. યોગેશભાઈ ભાવસાર નો આ પ્રથમ શોલો શો યોજવામાં આવ્યો છે. આ પ્રદર્શન થોટ ફુલ આર્ટ ટાઇટલ હેઠળ યોજવામાં આવ્યું છે. દરેક ચિત્રને પોતાની સ્ટોરી છે અને દરેક ચિત્ર બદલાતા સમાજને તેનો જ ચહેરો આઈનામાં બતાવી રહ્યો છે.