જીએસટીમાં ઘટાડો અને સ્વદેશી વસ્તુઓના ઉત્પાદન-વેચાણને મળી રહેલા પ્રોત્સાહનને બિરદાવતાં નર્મદાના ખેડૂતોએ વડાપ્રધાનને પોસ્ટકાર્ડ લખ્યા

જીએસટીમાં ઘટાડો અને સ્વદેશી વસ્તુઓના ઉત્પાદન-વેચાણને મળી રહેલા પ્રોત્સાહનને બિરદાવતાં નર્મદાના ખેડૂતોએ વડાપ્રધાનને પોસ્ટકાર્ડ લખ્યા

જી.એસ.ટી. માં સુધારા, ‘વોકલ ફોર લોકલ’ અને ‘સ્વદેશી’ અભિયાન સહિત સુગર ફેક્ટરીના વિકાસ માટે કેન્દ્ર-રાજ્ય સરકાર તરફથી મળેલી સહકાર માટે પોસ્ટકાર્ડના માધ્યમથી વડાપ્રધાનનો આભાર વ્યક્ત કર્યો

કેન્દ્ર-રાજ્ય સરકારની નીતિઓ અને સહાય-સહકારથી ધારીખેડા સુગર ફેક્ટરીનો વિકાસ શક્ય બન્યો – નર્મદા ખાંડ ઉદ્યોગ સહકારી મંડળીના મેનેજીંગ ડાયરેક્ટર નરેન્દ્રભાઈ પટેલ

રાજપીપલા, તા. 2

નર્મદા જિલ્લાના ધારીખેડા સ્થિત શ્રી નર્મદા ખાંડ ઉદ્યોગ સહકારી મંડળી લિ. ના મેનેજિંગ ડાયરેક્ટર નરેન્દ્રભાઈ પટેલ અને જિલ્લાના અગ્રણી ખેડૂતોએ વડાપ્રધાન નરેન્દ્રભાઈ મોદીના નેતૃત્વ અને માર્ગદર્શન હેઠળ થયેલા જી.એસ.ટી. માં સુધારા, ‘વોકલ ફોર લોકલ’ અને ‘સ્વદેશી’ અભિયાન સહિત સુગર ફેક્ટરીના વિકાસ માટે કેન્દ્ર-રાજ્ય સરકાર તરફથી મળેલી લોન-સહાય-સહકાર માટે ભારતીય પોસ્ટકાર્ડના માધ્યમથી આભાર વ્યક્ત કર્યો હતો.

શ્રી નર્મદા ખાંડ ઉદ્યોગ સહકારી મંડળી લી.ના મેનેજીંગ ડાયરેક્ટરશ્રી નરેન્દ્રભાઈ પટેલે જણાવ્યું કે, વિદેશથી ક્રુડ ઓઈલ મંગાવવા પર થતાં ખર્ચ નિયંત્રણ માટે વડાપ્રધાન નરેન્દ્રભાઈ મોદીના માર્ગદર્શન હેઠળ કેન્દ્ર-રાજ્ય સરકારે પરિણામલક્ષી પ્રયાસો કર્યા છે. સુગર ફેક્ટરી દ્વારા પણ ગતવર્ષે ૬૦ હજાર લીટર ઇથેનોલનું ઉત્પાદન થયું તેમજ બીજા પ્લાન્ટની પણ સ્થાપના કરવામાં આવી છે. કેન્દ્ર-રાજ્ય સરકારની નીતિઓ અને સહાયથી અમે સફળતાની રાહ ચીંધી છે.

વધુમાં નરેન્દ્રભાઈ પટેલે જણાવ્યું કે, ટાંકણીથી લઈને ટેક્નોલોજી સુધીની તમામ ચીજ-વસ્તુઓનું ઉત્પાદન અને વપરાશ દેશમાં જ થાય, તેમજ દેશ આત્મનિર્ભરતા તરફ આગળ વધે તે દિશામાં વડાપ્રધાનશ્રી નરેન્દ્રભાઈ મોદી સ્વદેશી વસ્તુના વપરાશ અંગે પ્રયાસો કરી રહ્યાં છે. જેનો લાભ અમને પણ મળ્યો છે. લોન-વ્યાજના ઓછા દરના કારણે સુગર ફેક્ટરીના વિકાસમાં વિશેષ સફળતા મળી છે. નવિનીકરણ અને નવી તકનીકો પર પણ અમે ધ્યાન આપી રહ્યાં છે.

વડાપ્રધાન નરેન્દ્રભાઈ મોદીના વોકલ ફોર લોકલ તથા સ્વાવલંબી ભારત અભિયાન દરેક ઉદ્યોગકાર અને શ્રમિક માટે પ્રેરણા સ્ત્રોત બની રહી છે. જી.એસ.ટી.માં ઘટાડો કરીને દેશના ખેડૂતો સહિત તમામ નાગરિકો અને ગ્રામ્ય વિકાસ માટે મહત્વપૂર્ણ નિર્ણય કર્યો છે. નાના-મધ્યમવર્ગીય સભાસદ ખેડૂતો, નાગરિકો અને વેપારીઓને આનો લાભ મળશે.

આ તકે ખેડૂતોએ પણ વડાપ્રધાન નરેન્દ્રભાઈ મોદીના નેતૃત્વ અને માર્ગદર્શન હેઠળ કાર્યરત કેન્દ્ર-રાજ્ય સરકાર દ્વારા ખેતીલક્ષી સહાય, લાભો બદલ આભાર વ્યક્ત કર્યો હતો.અને ધારીખેડા સુગર ફેક્ટરી ખાતે શ્રી પટેલ સહિત સૌ ખેડૂતોએ વડાપ્રધાન નરેન્દ્રભાઈ મોદીને કૃતજ્ઞતા વ્યક્ત કરતાં પોસ્ટકાર્ડ પત્રો લખ્યાં હતાં.

નોંધનીય છે કે, શ્રી નર્મદા સુગર ધારીખેડા અને ભરૂચ દૂધધારા ડેરીના ચેરમેનશ્રી ઘનશ્યામભાઇ પટેલ ગ્રામ્ય અર્થતંત્રને મજબૂત બનાવવાની દિશામાં સરાહનીય કામગીરી કરી રહ્યા છે.

તસ્વીર :દીપક જગતાપ, રાજપીપલા