નર્મદા જિલ્લા પ્રાથમિક શિક્ષક સંઘની ચૂંટણીમાં સહકાર પેનલના તમામ ઉમેદવારોનો ભવ્ય વિજય…
પરિવર્તન પેનલના સૂપડા સાફ….
રાજપીપલા, તા 29
નર્મદા જિલ્લા પ્રાથમિક શિક્ષક સંઘની ચૂંટણીમાં મતદાન થયું હતું. મત ગણતરી અને પરિણામ જાહેર થતા જેમાં સહકાર પેનલના ઉમેદવારોનો ભવ્ય વિજય થયો હતો. જેમાં પ્રમુખ તરીકે સુરેશભાઈ જયંતિલાલ ભગત 273 મતે, મહામંત્રી તરીકે સુરેશભાઈ કુંવરજીભાઇ વસાવા 360 મતે , ખજાનચી તરીકે દિનેશભાઈ છગનભાઇ બારિયા 353 મતની ભવ્ય લીડ સાથે જીત્યા હતા. કુલ 1951 શિક્ષક મતદારોમાંથી 1840 શિક્ષકોએ મતદાન કર્યું હતું જેમાં સહકાર પેનલની જ્વલંત જીત થઈ હતી તો સામે પક્ષે પરિવર્તન પેનલની કારમી હાર થતા જિલ્લામાં સૂપડા સાફ થયા હતા. વિજેતા બનેલા પ્રમુખ સુરેશભાઈ ભગતે જિલ્લાના તમામ શિક્ષકોનો, ચૂંટણી કમિટીના અધ્યક્ષ ભરતભાઈ પરમાર , મંત્રી યોગેન્દ્રસિંહ ગોહિલ અને પ્રા શાળા વડીયાના આચાર્ય અને સમગ્ર સ્ટાફના ખૂબ ખૂબ આભાર વ્યક્ત કર્યો હતો. સાથે તમામ શિક્ષકોને સાથે લઈ શિક્ષકોની પડખે રહી શિક્ષકોના પ્રશ્નોને વાચા આપવા સાથે તેમનો વિશ્વાસને ડગવા નહીં દેવા જણાવ્યું હતું.
તસ્વીર :દીપક જગતાપ, રાજપીપલા