ચૈત્ર માસની પંચકોષી ઉત્તરવાહિની: એક અનોખી નર્મદા પરિક્રમા

લેખક :દીપક જગતાપ
…………………………………
ચૈત્ર માસની પંચકોષી ઉત્તરવાહિની: એક અનોખી નર્મદા પરિક્રમા
…………………………………
આ પરિક્રમા 3 વાર કરવાથી 3750 કી.મીટર પગપાળા પરિક્રમા કરવાનુ ફળ મલે છે.
…………………………………
આ પરિક્રમા કરનારને 71 પેઢીનો મોક્ષ મળે છે .
…………………………………
ગુજરાતમા એક માત્ર ઉત્તર વાહિની નર્મદા જીલ્લામા આવેલી છે .
…………………………………
જ્યારે મધ્ય પ્રદેશમા 9 ઉત્તર વાહિની આવેલી છે.

……………………………………..
નર્મદા પુત્ર સાવરીયા મહારાજ દ્વારા અત્યાર સુધીમાં 4 લાખ થી વધુ લોકોને નર્મદા પરિક્રમા કરી કરાવી ચુક્યા છે
……………………………………..
રોજના 29 નર્મદા સ્નાન કરતા અને
સૌથી વધુ નર્મદા સ્નાન કરવાનો રેકોર્ડ પણ તેમના જ નામે છે
……………………………………..

વિશ્વમાં આવેલી અનેક નદીઓમાં નર્મદા જ એક એવી નદી છે જેની પરિક્રમા કરવામાં આવે છે, જે નર્મદા નદીનું ધાર્મિક મહત્વ સાથે અનેક લોકોની આસ્થાની પ્રતીતિ કરાવે છે. નર્મદા એટલે આનંદ આપનારી. પુરાણોમાં આ ઉપરાંત રેવા, સોમોધ્ભવા અને મેકલકન્યકાનાં નામે વર્ણન કરવામાં આવેલું છે. નર્મદા નદીની સૌથી પુણ્યદાયક પૂજા તે નર્મદા નદીની પરિક્રમા છે.

નર્મદા નદીની કુલ લંબાઈ ૧,૩૧૨ કી.મી જેટલી છે.અને કુલ પરિક્રમા રૂટ ૨,૬૨૪ કી.મી જેટલો થાય છે. જે લાંબી પરિક્રમા છે. પણ આટલી લાંબી પરિક્રમા કરવાનું બધા માટે શક્ય નથી. તેથી પુરાણકાળમાં વર્ણાવ્યા પ્રમાણે સૌથી ટૂંકી પંચકોષી ઉત્તર વાહિની નર્મદા પરીક્રમાંનું વિશેષ ધાર્મિક મહત્વ છે.
જે ગુજરાતમા એક માત્ર ઉત્તર વાહિની નર્મદામા વહે છે.આ પરિક્રમા 3 વાર કરવાથી 3750 કી.મીટર પગપાળા પરિક્રમા કરવાનુ ફળ મળે છે .અને 71 પેઢીનો મોક્ષ મળે છે .જેના દર્શન માત્ર થઈ પવિત્ર થવાય તેવી એક માત્ર ઉત્તર વાહિની ગુજરાતમા નર્મદા જીલ્લામા આવેલી છે .

પ્રતિ વર્ષ ફાગણ વદ અમાસથી એક માસ માટે ઉતરવાહિની નર્મદાની પગપાળા પરિક્રમા થાય છે. આ વખતે 29 માર્ચ થી પરિક્રમા શરૂ થશે.આ પરિક્રમા નર્મદાના કીડી મંકોડી ઘાટ, રામપરાથી શરૂ થઇ રણછોડરાય મંદિર રામપુરા- ધનેશ્વર મંદિર માંગરોલ-અવધૂત આશ્રમ-તપોવન આશ્રમ-રામાનંદ આશ્રમ-સીતારામ આશ્રમ થઇ નર્મદા કિનારે હોડીમાં બેસી સામે કિનારે પહોંચી મણી નાગેશ્વર મંદિર-કપીલ મુનિ આશ્રમ- વેંગણ-વાસણ અને પછી ફરીથી હોડીમાં બેસી સામે કિનારે રામપુરા મુકામે પરિક્રમા પુર્ણ થાય છે. જેને પંચકોશી પરિક્રમા કહેવાય છે. આ પરિક્રમાનું અંતર આશરે ૧૫ કીલોમીટર જેટલું થાય છે. જે આશરે પાંચથી છ કલાકમાં પુર્ણ થાય છે.

આ ઉતરવાહિની પરિક્રમા માર્કન્ડૠષિજીએ પુરાણકાળથી શરૂ કરેલ હતી. જે પરિક્રમા કરી આજે પણ હજારો ભાવિકો ધન્યતા અનુભવે છે.

ચાલુ વર્ષે 29/03/25 થી 27/04/2025 સુધી એક મહિનો આ પંચકોષી ઉત્તરવાહિની પરિક્રમા ચાલવાની છે. પરંતુ ગયા વર્ષે વડોદરા ખાતે થયેલ હોડી દુર્ઘટનાને કારણે પ્રશાસને હોડીમાં આવવા-જવાની મંજૂરી બંધ હોવાથી પંચકોશી પગપાળાપરિક્રમા બંધ કરી વૈકલ્પિક 80કિમિ ના નવા રૂટ ઉપર પરિક્રમા કરવા તંત્રએ કવાયત કરી હતી પણ આ વર્ષે 2.60 કરોડનાં ખર્ચ નવા પુલનું નિર્માણ કર્યું છે.

આ પરિક્રમા રામપુરા રાજપીપલા નર્મદા કિનારે થી કીડી મકોડી ઘાટ-દન્ડી સ્વામી યોગાનંદ તિર્થધામ ધનેશ્વર મહાદેવ- મંગલેશ્વર મહાદેવ- કાશી વિશ્વનાથ મહાદેવ, અવધૂત આશ્રમ તપોવન આશ્રમ, ગોપાલેશ્વર મહાદેવ, રામાનંદ આશ્રમ, સીતારામ બાપા આશ્રમથી હોડીમાં બેસી પેલેપાર મણિનાગેશ્વર, કપિલેશ્વર મહાદેવ, વાસન રેગણ ગામ, કામનાથ મહાદેવ મંદિરેથી હોડીમાં બેસી નર્મદાજી પાર કરી કીડી મકોડી ઘાટમાં સ્નાન કરી રણછોડજી મંદિર દર્શન કરી યાત્રાનું સમાપન થાય છે.

આ પરિક્રમા ફાગણ વદ-અમાસથી શરુ થઈ ચૈત્ર વદ અમાસ સુધી આખ્ખા મહિના દરમ્યાન આ પરિક્રમા કરવામાં આવે છે .અંદાજીત 16 કી.મી. આસપાસની આ પરિક્રમા નર્મદા નદીના કિનારે કિનારે કરવાની હોય છે ,જેમાં નદી કાંઠો , કાંઠાના આશ્રમો , ખેતરો , રસ્તાઓ થઈને પસાર થવાનો એક અનોખો અનુભવ થાય છે. જે લોકો નર્મદા મૈયાની આખી પરિક્રમા ના કરી શકે તેમ હોય તેઓ આ ઉત્તરવાહિની પરિક્રમા કરીને સંતોષ માને છે. નદીમાં સ્નાન કરવાથી શરીરનો બધો જ થાક ઉતરી જાય છે. પરિક્રમા દરમ્યાન બે વાર હોડીમાં બેસીને નદી પાર કરવાની હોય છે .ગુજરાત ઉપરાંત મધ્યપ્રદેશ અને મહારાષ્ટ્રમાંથી પણ અનેક ભાવિક ભક્તો આ પરિક્રમા કરવા આવી પહોંચે છે

સૌથી ટૂંકા માર્ગની ટૂંકી પરિક્રમા માત્ર એકજ દિવસમાં પુરી થઈ જાય છે .સવારે 4 વાગે પરિક્રમાનો પ્રારંભ કરવામાં આવે તો બપોરના 2 થી 4 સુધીમાં આરામથી યાત્રા સંપન્ન થઈ જાય છે. નદી કાંઠાના આશ્રમોમાં ચા-નાસ્તો-ભોજન અને ઉતારાની વ્યવસ્થા હોય છે .સ્વયંસેવકો પણ ખડે પગે હોય છે. કશીજ તકલીફ પડતી નથી. એટલે કુદરતના ખોળામાં ફરવાનો જેને શોખ હોય તેઓ માટે આ નાનકડી યાત્રા ખુબ આવકાર્ય બની રહે છે.

નર્મદા કાંઠાના ઝાડ , વનસ્પતિઓ , ખેતરો , મંદિરો , ઘાટ , ઢોળાવ , નદીમાં તરતી હોડીઓ , નિર્મળ વહેતું પાણી , તેની ઠંડક અને રસ્તામાં પદયાત્રિઓ દ્વારા ગુંજતો ‘ નર્મદે હર ‘ નો નાદ આપને એક અનોખી અનુભૂતિ કરાવે છે

પ્રાચીન ઇતિહાસ:-

આ પરિક્રમા વિશેના ઐતિહાસિક તથ્યો જોઇએ તો એવી માન્યતા છેકે માર્કન્ડ ઋષિએ આ પ્રથમ ઉત્તરવાહિની નર્મદા પરિક્રમા કરી હતી. ત્યારથી ભાવિક ભક્તો આ પરિક્રમા કરી પૂણ્ય કમાય છે. બલિરાજાના સમયમાં આ પરિક્રમા યુવક-યુવતીઓ માટે ફરજીયાત કરવાની હતી. આ પરિક્રમા યુવક-યુવતી કરે ત્યાર બાદ લગ્નની સંમતિ આપવામાં આવતી હતી.

કહેવાય છે કે,ભારતીય સંસ્કૃતિ આ નદી કિનારે વિકસી છે. નદી કિનારે રહેતા લોકોની જિંદગી પણ નદી આધારિત જ હોય છે. ઉપરાંત નર્મદા વિશ્વની એક માત્ર એવી નદી છે કે, જેની પરિક્રમા કરવામાં આવે છે. શાસ્ત્રો અને પુરાણોમાં નર્મદાને ખળખળ વહેતી કહેવાઇ છે .
જેણે ‘ રેવા ‘ ગુજરાતી ફિલ્મ ધ્રુવ ભટ્ટની નવલકથા આધારિત જોઇ છે તેઓને નર્મદા નદી અને તેના લોક વિશેની કોઇ વિશેષ જાણકારીની જરુર નહીં પડે.

#સૌથી વધુવાર પરિક્રમા અનેસૌથી વધુ વાર નર્મદા સ્નાન કરવાનો નર્મદા પુત્ર સાંવરિયા મહારાજનો વિક્રમ આજ સુધી કોઈ તોડી શક્યું નથી!?:-

નર્મદા પુરાણમાં નર્મદા પરિક્રમાનું વિશેષ ધાર્મિક મહત્વ છે. ગુજરાતમાં માંગરોળ ખાતે નર્મદા તટે એકમાત્ર ઉત્તરવાહિની આવેલી છે. ચૈત્ર માસમાં પંચકોશી ઉત્તરવાહિની નર્મદાની પરિક્રમા વિશેષ ધાર્મિક મહત્વ છે. માંગરોળ ખાતેથી નર્મદા પરિક્રમા શરૂ થાય છે. જેમાં હજારોની સંખ્યામાં ભક્તો પરિક્રમા કરવા ઉમટે છે
જેમાં અત્યાર સુધીમાં સૌથી વધુ એક હજારથી વધુ વાર પગપાળા, મોટરમાર્ગે, અને નાવડી માર્ગે પરિક્રમા કરનાર નર્મદા પુત્ર તરીકે ઓળખાતા સાવરીયા મહારાજે તેમની સાથે અસંખ્ય લોકોને નર્મદા પરિક્રમા કરાવી છે. સાવરીયા મહારાજની વિશેષતા એ છે તેમાં સૌથી વધુ પરિક્રમા કરવાનો અનોખો વિક્રમ એમના નામે બોલે છે.નર્મદા પુત્ર સાવરીયા મહારાજ ની આગેવાની હેઠળ અત્યાર સુધીમાં 4 લાખ થી વધુ લોકોને નર્મદા પરિક્રમા કરી કરાવી ચુક્યા છે. જે પણ એક નવો વિક્રમ છે.પોતે ગામોગામ પત્રિકા વહેંચી ને ભક્તોને પરિક્રમા માટે પ્રોત્સાહિત કરે છે. અત્યાર સુધીમાં 51 લાખ જેટલી પત્રિકાઓ વેચીને લોકોને નર્મદા પરિક્રમા કરવા માટે પ્રોત્સાહિત કરવાનો પણ તેમને એક નવો વિક્રમ સર્જયો છે.તેઓ દરવર્ષે ગુજરાત ઉપરાંત મહારાષ્ટ્ર, મધ્યપ્રદેશ, છત્તીસગઢ આ ચાર રાજ્યોમાં જઇને 80 વર્ષની જૈફ વયે પત્રિકાનું વિતરણ કરે છે.

એ ઉપરાંત સાવરીયા મહારાજ છેલ્લા ૩૦ વર્ષથી નર્મદા પરિક્રમા કરે છે. પણ તેમણે ક્યારેય પગમાં ચંપલ પહેરી નથી. ૪૪ ડિગ્રી ધોમધખતા તાપમાં પણ ઉઘાડા પગે પરિક્રમા કરે છે. આ પરિક્રમા માર્ગ પર કાંટા, પથ્થર હોવા છતાં તેમને કોઈ તકલીફ થતી નથી.એટલું જ નહીં એક સાદી કેસરી પોતડી પહેરીને ખુલ્લા તાપમા પરિક્રમા કરે છે ત્યારે એમને કોઈ ગરમી કે લૂ લાગતી નથી કે બીમાર પડતા .સામાન્ય માણસ આવી ગરમીમાં બેભાન થઈ જાય કે બીમાર પડી જાય પણ વર્ષોથી પરિક્રમા કરતાં સાવરીયા મહારાજને આજ દિન સુધી કોઈ શારીરિક તકલીફ થઈ નથી. નર્મદા મૈયાના આશીર્વાદ હોવાનું તેઓ જણાવે છે.
બીજું સૌથી વધુ નર્મદા સ્નાન કરવાનો રેકોર્ડ પણ તેમના નામે છે.નર્મદા પરિક્રમા દરમિયાન તેઓ રોજના 29 સ્નાન કરે છે આમ 31 દિવસની પરિક્રમા દરમ્યાન 900 થી હજાર વખત નર્મદા સ્નાન કરે છે.અને તેમની સાથે બીજા હજારો લોકોને પણ નર્મદા સ્નાન કરાવે છે
એક માત્ર નર્મદા નદી એવી છે કે જેના દર્શનમાત્રથી પવિત્ર થવાય છે જયારે નર્મદા સ્નાન કરવાથી મોક્ષની પ્રાપ્તિ થતી હોઈ લોકો અચુક નર્મદા સ્નાન કરે છે.

હાલ ચૈતર માસમાં નર્મદા પરિક્રમા અને નર્મદા સ્નાનનું વિશેષ ધાર્મિક મહત્વ છે.નર્મદા પુત્ર સાવરીયા મહારાજના જણાવ્યા અનુસાર તેઓ છેલ્લા 1957થી પરિક્રમા કરતા આવ્યા છે. .ગુજરાતમા એક માત્ર ઉત્તર વાહિની નર્મદા વહે છે.

સાવરીયા મહારાજના જણાવ્યા અનુસાર નર્મદાની પરિક્રમા રાજા બલીરાજાના વખત થી થતી હતી જે આજે પણ પરંપરાગત ચાલે છે.ગુજરાતમા એક માત્ર ઉત્તર વાહિની આવેલી છે જ્યારે મધ્ય પ્રદેશ મા 9 ઉત્તર વાહિની આવેલી છે.નાંદોદ તાલુકાના માંગરોલ ,રામપુરા ,ગુવાર , તિલકવાડા સુધી વિસ્તરેલી 21 કીમીની પરિક્રમા નાવડી માર્ગે તેમજ પગપાળા પરિક્રમા કરે છે.એમ કહેવાય છે કે નર્મદા મા અસ્થિઓ પધરાવવા થી અસ્થિ શિવલિંગ બની જાય છે ,દરેક મનુષ્ય નુ એક વાર નર્મદા પરિક્રમા નુ સ્વપ્ન અવશ્ય હોવાથી હાલ ચૈત્ર માસમા હજારોની સંખ્યા મા ભક્તો નર્મદા ની પરિક્રમા કરી ધન્યતા અનુભવે છે.અહી નર્મદા સ્નાન નુ વિશેષ ધાર્મિક મહત્વ હોવાથી ભક્તો નર્મદા સ્નાન કરી ,દિવડા તારાવી ,નર્મદા પૂજન કરી, નર્મદા અષ્ટકમના પાઠ કરી પરિક્રમા નો પ્રારંભ કરે છે.

#પરિક્રમા માર્ગ પર સ્વૈચ્છિક સેવાનો ધોધ વહેતો રહે છે :-

દર વર્ષે પરિક્રમા કરનારા લોકોની સંખ્યા વધતી જતી હોવાથી તેમના માટે સરકાર તરફથી તેમજ સ્વૈચ્છિક સંસ્થાઓ તરફથી વિવિધ પ્રકારની સુવિધાઓ ઉપલબ્ધ કરવામાં આવે છે. જેમાં સરકારી તંત્ર તરફથી રામપુરા ઘાટ પાસે સીતારામ બાપાના આશ્રમ પાસે તિલકવાડા વચ્ચે નર્મદા કિનારે મણીનાગેશ્વર તેમજ રેંગણ નાવડી કિનારે શૌચાલયની વ્યવસ્થા છે. રામપુરા ગામ થી રાજપૂત લોકો દ્વારા ચા ની વ્યવસ્થા તથા પટેલ સમાજ માંગરોળ તરફથી ચા નાસ્તાની વ્યવસ્થા તેમજ શહેરાવ ગામના મનજીભાઈ રબારી તરફથી 10 પ્રકારના નાસ્તાની વ્યવસ્થા કરાય છે, તથા વાસણમાં સરપંચ ભનુભાઇએ રસ્તો બનાવ્યો હતો તેમ જ કેળા મફત ખવડાવે છે, એ ઉપરાંત સીતારામ બાપા આશ્રમ ન ભક્તો તરફથી ભાવનગરી ગાંઠીયા, તથા બપોર મફત ભોજન કરાવે છે. દર વર્ષે સેવાભાવી લોકો અને સંસ્થાઓ આ સેવાકીય પ્રવૃત્તિઓમાં ક્રમશઃ જોડાતાજાય છે અને સેવાભાવી લોકો દ્વારા વિના મુલ્યે છાસ, લીંબુ શરબત, નાસ્તા, ભોજનની વ્યવસ્થા કરાતી હોઈ છે સેવા ભાવી લોકોની સંખ્યા દર વર્ષે વધતી જાય છે.કારણ અહીં નર્મદા પરિક્રમા ભારે શ્રધ્ધા અને ભક્તિભાવ પૂર્વક કરાય છે

…………………………………

સરનામું :દીપક જગતાપ
નિવાસ : ‘ ‘ ઋષાર્થ ‘ ‘ , મહેતા કોમ્પલેક્ષ પાસે , સંતોષ ચાર રસ્તા,રાજપીપલા -393145
(જિ.નર્મદા )

(મો.9988796527)
(email : deepakjagtap 3@gmail .com )
…………………………………

One thought on “ચૈત્ર માસની પંચકોષી ઉત્તરવાહિની: એક અનોખી નર્મદા પરિક્રમા

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *