*અંગદાતાઓની સ્મૃતિમાં “અમર કક્ષ” :*
*અમદાવાદ સિવિલ હોસ્પિટલમાં અંગદાતાઓને શ્રધ્ધાંજલિ અર્પણ કરતા નવનિર્મિત “અમર કક્ષ”નું આરોગ્ય મંત્રી શ્રી ઋષિકેશ પટેલના હસ્તે લોકાર્પણ*
………………….
*અંગદાતાઓની સ્મૃતિમાં નવનિર્મિત “અમર કક્ષ” લોકોને અંગદાન માટે પ્રેરશે – આરોગ્ય મંત્રી ઋષિકેશ પટેલ*
……………….
*બ્રેઇનડેડ દર્દીઓના પરિવારજનોને અંગદાન માટે કાઉન્સેલીંગ વખતે આ કક્ષ સકારાત્મક વાતાવરણ ઉભુ કરશે*
………………
*અંગદાન ક્ષેત્રે અંગદાતાઓને શ્રધ્ધાજંલિ અર્પણ કરતું સમગ્ર દેશમાં સંભવિત પ્રથમ મેમોરીયલ*
…………………
આરોગ્યમંત્રી શ્રી ઋષિકેશ પટેલે અમદાવાદ સિવિલ હોસ્પિટલમાં અંગદાતાઓની સ્મૃતિમાં નવનિર્મિત “અમર કક્ષ”નું આજે લોકાર્પણ કર્યું હતુ.
અંગદાતાઓની સ્મૃતિમાં નવનિર્મિત “અમર કક્ષ” ભવિષ્યમાં અનેક લોકોને અંગદાન માટેની પ્રેરણા આપશે તેવો ભાવ મંત્રીશ્રીએ વ્યક્ત કર્યો હતો.
ભવિષ્યમાં બ્રેઇનડેડ થતા દર્દીઓના સ્વજનો, પરિવારજનોને અંગદાનની સમજ આપતી વેળાએ આ કક્ષ એક સકારાત્મક વાતાવરણ ઉભી કરીને માનસપટલ પર સકારાત્મક અસરો ઉભી કરશે તેવું મંત્રીશ્રીએ જણાવ્યું હતુ.
મંત્રીશ્રીએ વધુમાં એમ પણ કહ્યું કે, અમદાવાદ સિવિલ હોસ્પિટલ દ્વારા 2.5 વર્ષમાં અંગદાન ક્ષેત્રે સરાહનીય કામગીરી કરવામાં આવી છે જે ધન્યતાને પાત્ર છે.
સિવિલ હોસ્પિલમાં થયેલ ૧૦૯ અંગદાન દ્વારા ૩૩૦ જેટલા જરૂરિયાતમંદોને નવજીવન મળ્યું હોવાનું જણાવીને સિવિલ હોસ્પિટલનો સેવાયજ્ઞ આજે સમગ્ર રાજ્યમાં મહાયજ્ઞ બન્યો છે તેમ તેમણે ઉમેર્યું હતુ.
અમદાવાદ સિવિલ હોસ્પિટલની પહેલના કારણે આજે સમગ્ર રાજ્યમાં અંગદાન વેગવંતુ બન્યું હોવાનું પણ મંત્રીશ્રીએ કહ્યું હતુ.
તાજેતરમાં જ અંગદાન ક્ષેત્રે SOTTOને પ્રધાનમંત્રીશ્રીના હસ્તે એનાયત થયેલ એવોર્ડ સંદર્ભે મંત્રીશ્રીએ કહ્યું કે, ગુજરાત રાજ્યના અંગદાનના સેવાકીય કાર્યોને વડાપ્રધાનશ્રીએ પણ બિરાદાવ્યું છે. જેના પરિણામે જ તાજેતરમાં જ ઇનોવેશન સ્ટેટ કેટેગરીમાં ગુજરાતના SOTTO એકમને એવોર્ડ પણ એનાયત થયો છે.
સરકાર, સમાજ , સેવાભાવી સંસ્થા અને મીડિયાના સહિયારા પ્રયાસોથી જ આજે રાજ્યભરમાં અંગદાનની જાગૃકતા પ્રવર્તી છે.પરિણામે અંગદાનની સુવાસ આજે ખુણે ખુણા સુધી પહોંચી છે તેમ મંત્રીશ્રીએ જણાવ્યું હતુ.
અંગદાન ક્ષેત્રે અંગદાતાઓને શ્રધ્ધાજંલિ અર્પણ કરતું સમગ્ર દેશમાં સંભવિત પ્રથમ મેમોરીયલ હોવાનું સિવિલ તંત્ર દ્વારા જણાવવામાં આવ્યું હતુ.
*આ અમર કક્ષ માં સિવિલ હોસ્પિટલમાં અત્યારસુધીમાં થયેલ ૧૦૯ અંગદાનના અંગદાતાઓની તસ્વીર અંકિત કરવામાં આવી છે.*
*વધુંમા આ કક્ષ માં એક કાઉન્સેલીગ રુમ પણ બનાવાયો છે. જ્યાં બ્રેઇનડેડ દર્દીઓના સ્વજનોનું અંગદાન માટે કાઉન્સેલીગ કરવામાં આવશે.*
*આ કક્ષ માં અંગદાન માટે પ્રેરતા , સકારાત્મક વાતાવરણ ઉભું કરતા લેખ, સુત્રો, આર્ટિકલ્સ, મીડિયા કવરેજ પણ પ્રતિબીંબત કરાયા છે જેને વાંચીને લોકોમાં અંગદાન પ્રત્યે જાગૃકતા વધશે..*
“અમર કક્ષ”ના લોકાર્પણ પ્રસંગે આરોગ્ય વિભાગના કમિશ્નર શ્રી શાહમીના હુસૈન, અમદાવાદ સિવિલ હોસ્પિટલના સુપ્રીટેન્ડન્ટ ડૉ. રાકેશ જોષી, એડિશનલ સુપ્રીટેન્ડન્ટ ડૉ. રજનીશ પટેલ, વિવિધ વિભાગના વડા, તબીબો, નર્સિંગ સ્ટાફ ઉપસ્થિત રહ્યાં હતા.