કર્ણાટકમાં 10 મેએ મતદાન અગાઉ રવિવારે આખરી ચૂંટણી સભાને સંબોધતા વડા પ્રધાન મોદીએ આક્ષેપ કર્યો હતો કે કૉંગ્રેસ જાહેરમાં કર્ણાટકને દેશથી વિભાજિત કરવા માગે છે. કૉંગ્રેસના પૂર્વ અધ્યક્ષા સોનિયા ગાંધીએ ચૂંટણી સભામાં કર્ણાટકના સાર્વભૌમત્વ શબ્દનો પ્રયોગ કરેલો એની સામે આજે ભાજપે કેન્દ્રિય ચૂંટણી પંચમાં ફરિયાદ કરીને ત્વરિત અને કડક કાર્યવાહીની માગણી કરી છે. દરમ્યાન, ચૂંટણીપંચે કોંગ્રેસ અધ્યક્ષ મલ્લિકાર્જુન ખડગેને નોટિસ જારી કરી સર્વાભૌમત્વ અંગે સ્પષ્ટતા કરવા જણાવતાં મતદાન પહેલાં પક્ષ મુશ્કેલીમાં ફસાતો જણાય છે. ભાજપે ફરિયાદમાં જણાવ્યું હતું કે સોનિયા ગાંધીએ કર્ણાટકની રેલીમાં આપેલું નિવેદન દેશની એકતા, અખંડિતતા અને સંવિધાનના ભંગ સમાન છે, તેથી કૉંગ્રેસનું રજિસ્ટ્રેશન રદ કરવામાં આવે અને ચૂંટણી આચાર સંહિતાના ભંગ બદલ કાર્યવાહી કરવામાં આવે. ચૂંટણીપંચે કર્ણાટક રાજ્યના સંદર્ભમાં `સાર્વભૌમત્વ’ શબ્દનો ઉલ્લેખ કરીને સોશિયલ મીડિયા પોસ્ટને સ્પષ્ટ કરવા તથા સુધારવા ખડગેને નોટિસ જારી કરી હતી. ચૂંટણીપંચે જણાવ્યું કે આ રાજકીય પક્ષો તરફથી કરવામાં આવેલી શપથનું ઉલ્લંઘન છે. આ પહેલાં, કેન્દ્રના પ્રધાન ભૂપેન્દ્ર યાદવના નેતૃત્વમાં પ્રધાન જિતેન્દ્ર સિંહ અને ભાજપના મહામંત્રી તરૂણ ચઘ, પ્રવક્તા અનિલ બલૂની તેમ જ ઓમ પાઠકનું પ્રતિનિધિ મંડળે આજે ચૂંટણી પંચમાં લેખિત ફરિયાદ નોંધાવી હતી. ભૂપેન્દ્ર યાદવે કહ્યું હતું કે કૉંગ્રેસ જૂઠના આધારે પ્રચાર કરી રહી છે. ભારતની એકતા અને અખંડિતતા માટે જે શબ્દોનો ઉપયોગ ન થવો જોઇએ એવા શબ્દોનો પ્રયોગ કરી રહી છે. સોનિયા ગાંધીએ જાણી જોઇને ઇરાદાપૂર્વક સંપ્રભૂતા શબ્દનો ઉપયોગ જાહેર સભામાં કર્યો હતો એ ટૂકડે-ટૂકડે ગેન્ગનોનો એજન્ડા છે, દેશનો કમજોર કરવાનો એજન્ડા છે. યાદવે કહ્યું હતું કે કૉંગ્રેસ દ્વારા જાહેર ખબરોના માધ્યમથી ભાજપ પર જે આક્ષેપો કરાઇ રહ્યા છે એની ફરિયાદ પણ ચૂંટણી પંચમાં કરાઇ છે. ચૂંટણી પંચને દેશની લોકશાહી અને એકતા-અખંડતા માટે જે જવાબદારી અપાયેલી છે એ અંતર્ગત કૉંગ્રેસ દ્વારા જે દેશ વિરોધી કૃત્યો કરાઇ રહ્યા છે એની સામે કડક કાર્યવાહી કરવામાં આવે. કર્ણાટક ભારતનો એક અભિન્ન અને મહત્ત્વપૂર્ણ પ્રદેશ-રાજ્ય છે. દેશના કોઇ પણ રાજ્યની સંપ્રભૂતા, સાર્વભોમત્વની રક્ષા કરવાનું કોઇ પણ આહ્વાન અલગાવવાદને આહ્વાન સમાન છે જેના ખતરનાક અને ઘાતક પરિણામો પણ આવી શકે છે. પત્રકારો સાથેની વાતચીતમાં તરૂણ ચઘે જન પ્રતિનિધિ કાનુનનો હવાલો આપી જણાવ્યું હતું કે કૉંગ્રેસ પાર્ટીની માન્યતા જ રદ કરવી જોઇએ. ચૂંટણી પંચને ભાજપે સોનિયા ગાંધીના નિવેદનની એક કોપી પણ સુપરત કરી છે જે કૉંગ્રેસ દ્વારા ટ્વીટ કરાયું હતું. કૉંગ્રેસ દ્વારા શનિવારે હુબલીમાં ચૂંટણી સભા દરમિયાન સોનિયા ગાંધીના ભાષણની ચર્ચા કરતા એક ટ્વીટમાં કહ્યું હતું કે કૉંગ્રેસના સંસદિય દળની અધ્યક્ષા સોનિયા ગાંધીએ સાડા છ કરોડ કન્નડ લોકોને એક કડક સંદેશો આપ્યો હતો. કૉંગ્રેસે સોનિયા ગાંધીની રેલીના ભાષણની એક તસવીર સાથે ટ્વીટ કર્યું હતું કે કૉંગ્રેસ કોઇ પણને કર્ણાટકની પ્રતિષ્ઠા, સંપ્રભૂતા કે અખંડતા માટે જોખમ ઉભું નહીં કરવા દે.
સોનિયા ગાંધી સામે ફરિયાદ.; ખડગેને નોટિસ.
