યલો એલર્ટમાં લૂથી બચવા આરોગ્ય વિભાગ દ્વારા કામ વિના બહાર ન નીકળવાની સલાહ..

: હવામાન વિભાગે આગામી બે દિવસ કચ્છ સહિતના જિલ્લા માટે યલો એલર્ટ જાહેર કરી તાપમાન 42થી 44 ડિગ્રી વચ્ચે રહેવાની આગાહી કરી છે. તો ભેજયુક્ત ગરમ પવન ફૂંકાતાં લૂનો કોપ જારી રહેવાની સંભાવના દેખાડાઈ છે, ગરમીનાં આકરાં મોજાંની ચેતવણીને લઈ લૂથી બચવા માટેની માર્ગદર્શિકા પણ જાહેર કરી છે ત્યારે કામ વિના બહાર ન નીકળવા જિલ્લાના આરોગ્ય તંત્ર દ્વારા સલાહ અપાઈ છે. હવામાન વિભાગે કચ્છ સહિત ગુજરાતમાં યલો એલર્ટની ચેતવણી જાહેર કરી છે, આવામાં લોકોને ચક્કર આવવા, ઊલ્ટી, ઉબકા, માથાનો દુ:ખાવો જેવા લક્ષણો અનુભવાય તો નજીકના આરોગ્ય કેન્દ્રમાં સારવાર લેવા જિલ્લાના એપેડેમિક અધિકારી ડો. જિતેશ કોરાસિયાએ જણાવ્યું છે. તેમણે કહ્યું કે, અસહ્ય ગરમીમાં સુતરાઉ ખુલતા સફેદ કપડાં પહેરવા, દિવસ દરમ્યાન પાણી, છાસ, લીંબુ સરબત, નાળિયેર પાણી અને ફ્રુટનો ઉપયોગ કરવો, નાના બાળકોને તકલીફ જણાય તો બાળકોના ડોકટરને બતાવવું, કાળઝાળ ગરમીમાં જરૂર ન હોય તો કામ વિના બહાર ન નીકળવું તેમજ ખૂબ જ પાણી પીવું જેથી હાઈડ્રેશન જેવી તકલીફથી બચી શકાય. વધુમાં બહારના ખુલ્લા અને વાસી ખોરાક ન ખાવા, આવા ખોરાક ખાવાથી ઝાડા-ઊલ્ટી, કોલેરા અને કમળો થવાની સંભાવના વધી જતી હોય છે. ઘરમાં પણ ખોરાકને ઢાંકીને રાખવું અને કલોરીનયુક્ત પીવાના પાણીનો ઉપયોગ કરવા જણાવાયું છે.દરમ્યાન હાલ જિલ્લાના વિવિધ આરોગ્ય કેન્દ્રોમાં ઝાડા-ઊલ્ટીના 93 અને તાવ તેમજ માથાના દુ:ખાવાના 1406 જેટલા કેસ છેલ્લા 10 દિવસ દરમ્યાન’ નોંધાઈ ચૂક્યા છે, ત્યારે અસહ્ય ગરમીમાં આ રોગોથી બચવા હવામાન વિભાગ દ્વારા કરાયેલી આગાહીના સમય દરમ્યાન લોકોને સાવચેત રહેવા અનુરોધ કરાયો છે.’ સોર્સ.. ન્યુઝ

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *