સનાતની શતાબ્દી મહોત્સવના પ્રારંભે નીકળી દોઢ કિ.મી. લાંબી શોભાયાત્રા..

વિથોણ (તા. નખત્રાણા), તા. 10 : અ.ભા.ક. કડવા પાટીદાર સનાતની મહોત્સવના પ્રથમ દિવસે લાખથી વધુ પાટીદારો ઊમટયા હતા. 27 જેટલી જુદા જુદા રાજ્યની ઝાંખીઓ વિવિધ વેશભૂષા સાથે નખત્રાણાના બજરંગ ગ્રાઉન્ડથી નીકળી ત્યારે નખત્રાણાનો મુખ્ય માર્ગ નાનો પડયો હતો. ત્રણ કલાક પછી શોભાયાત્રા સભા મંડપે પહોંચી હતી. સભા મંડપે પહોંચ્યા પછી શોભાયાત્રાના વિશેષ રથ ઉપર બિરાજમાન ઇશ્વર આશ્રમના મહંત મોહનદાસજી વલ્લભકૃષ્ણજી, રમા માતાજી (હરિદ્વાર), કેશવાનંદજી મહારાજ, ભારતીદીદી અને અન્ય સંતગણો બિરાજમાન થયા હતા. યાત્રા સમાજ પ્રાંગણમાં પહોંચ્યા પછી સંતોના હસ્તે સરદાર વલ્લભભાઇ પટેલની પ્રતિમાનું અનાવરણ કરાયું હતું. સાંજે’ 2100 શંખનાદ સાથે મહોત્સવનું બ્યૂગલ ફૂંકવામાં આવ્યું હતું. ત્રણ જેટલા સભામંડપો ખીચોખીચ ભરાઇ ગયા હતા અને સનાતની જયઘોષ સાથે પાંચદિવસીય સનાતન જ્ઞાતિના મહોત્સવને ખુલ્લો મૂકવામાં આવ્યો હતો.કચ્છ અને ભારતભરમાં વસતા સનાતની જ્ઞાતિના પરિવારો મોટી સંખ્યામાં નખત્રાણા આવ્યા છે અને નખત્રાણા નગર બની ગયું છે. વિશાળ શોભાયાત્રા સમયે બે પી.આઇ., એક પી.એસ.આઇ. અને પોલીસ ટુકડીઓ ગોઠવવામાં આવી હતી. પાટીદાર જ્ઞાતિના સનાતની શતાબ્દી મહોત્સવને યાદગાર બનાવવા દરેક સનાતની ભાઇ-બહેનો ખભેખભા મિલાવીને પોતાનું યોગદાન આપી રહ્યા છે. 11/5ના કેન્દ્રીય મંત્રી પુરુષોતમ રૂપાલા, સનાતન ધર્મનું ગૌરવ ગણાતા જગદ્ગુરુ શંકરાચાર્ય (શારદાપીઠ દ્વારકા) આવવાના હોવાથી વ્યવસ્થા અને સુરક્ષા કવચ મજબૂત બનાવવામાં આવ્યું છે. સવારના સત્રમાં સનાતની પ્રવેશદ્વારના દાતા’ માવજી રતનશી વાઘડિયા (ખોંભડી) હ. મોહનભાઇ, રમેશભાઇ, શંકરભાઇ અને ઇશ્વર આશ્રમના મહંત મોહનદાસજી, સમાજના પ્રમુખ અબજીભાઇ કાનાણી, મહોત્સવના ચેરમેન ગોપાલભાઇ ભાવાણી, મહામંત્રી પરસોતમ ભગત, નવીનભાઇ ચોપડા, સમાજના હોદ્દેદારો, મહિલા સંઘ અને યુવા સંઘના કર્ણધારો ઉપસ્થિત રહ્યા હતા. સનાતની જયઘોષ અને શ્રીફળ વધેરીને સનાતની પ્રવેશદ્વારને ખુલ્લો મુકાયો હતો. આ સનાતની પર્વની ઉજવણીમાં ભાગ લેવા સખત ગરમીથી બચવા કૂલરપ્રૂફ ડોમ બનાવવામાં આવ્યા છે. ઠંડાં પાણીની વ્યવસ્થા પાણી સમિતિ સંભાળી રહી છે. ભારતભરના લગભગ 25 જેટલાં રાજ્યોમાંથી ઓછી વધુ સંખ્યામાં પાટીદારો આવ્યા હોવાથી નખત્રાણા મિની ભારત જેવું બની ગયું છે. ઉલ્લેખનીય છે કે, સનાતન ધર્મ સ્વધર્મના પંથે પુન: વિચરેલા સનાતની પાટીદાર સમાજના ઇષ્ટદેવ ભગવાન લક્ષ્મીનારાયણને સ્થાપિત કરવા સંત ઓધવરામજી મહારાજની પ્રેરણાથી ગામેગામ લક્ષ્મીનારાયણના મંદિરોના નિર્માણ કરવાના આદેશ અંતર્ગત સૌપ્રથમ ભગવાન લક્ષ્મીનારાયણનું મંદિર મોટી વિરાણી ગામે નિર્માણ થયું છે.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *