પરિવર્તન જો પ્રકૃતિનો નિયમ હોય તો મનુષ્ય પોતાની પ્રકૃતિ બદલી કેમ નથી શકતો? – શિલ્પા શાહ, એસો. પ્રોફેસર HKBBA કોલેજ

સામાન્ય માન્યતા એવી છે કે પ્રાણ અને પ્રકૃતિ સાથે જ જાય. એનો અર્થ એ થયો કે મનુષ્યની પ્રકૃતિ અર્થાત પ્રવૃત્તિ, વૃત્તિ, સ્વભાવ, ટેવો, વિચારો, વર્તનમાં પરિવર્તન શક્ય નથી. જો એવું હોય તો તો મનુષ્ય જન્મ જ વ્યર્થ ગયો કહેવાય કેમકે જો કશું કદાપિ બદલાવાનું હોય જ નહિ તો પછી જીવનભર પુરુષાર્થ કરવાનો શેના માટે? જો કોઈ પરિવર્તન શક્ય જ ન હોય તો જીવનમાં પ્રયાન્તો કે મહેતનની કોઈ આવશ્યકતા રહેતી જ નથી અને જો જીવનમાં પ્રયત્ન પુરુષાર્થ કે મહેનત જ નથી અર્થાત જીવનમાં ગતિ કે પ્રવૃત્તિ નથી તો તે જીવન મૃત્યુ સમાન છે કેમકે ગતિહીનતા એ જ મૃત્યુ છે. એ તો સર્વવિદિત છે કે પરિવર્તન પ્રકૃતિનો નિયમ છે. જીવન પળેપળે બદલાય છે, જગત ક્ષણે-ક્ષણે બદલાય છે, સંસાર અને સંબંધો સમયે-સમયે બદલાય છે, તો પછી એ જ જગતનો એક ભાગ એવો મનુષ્ય તેની પ્રકૃતિ કેમ ન બદલી શકે? તેનો સ્વભાવ કેમ ન બદલી શકે, તેની ટેવો કેમ ન બની શકે? જીવન જેવું દેખાય છે તેવું નથી અને જેટલું દેખાય છે તેટલું પણ નથી તેનાથી અનેકગણું વધારે છે. આ સૃષ્ટિ વ્યક્ત અને અવ્યક્તનું મિશ્રણ છે. આપણી ઇન્દ્રિઓની પકડમાં આવે તે વ્યક્ત બને છે અર્થાત આપણે તેને જોઈ શકીએ છીએ, જાણી શકીએ છીએ પરંતુ આપણી ઇન્દ્રિયોની મર્યાદાને કારણે ઇન્દ્રિયોની પકડમાં જે ન આવી શકે એવા અસ્તિત્વના અનેક તત્વો આપણા માટે અવ્યક્ત બને છે. જેને આપણે જાણી શકતા નથી, જોઈ શકતા નથી એટલે સ્વીકારી પણ શકતા નથી.
આધ્યાત્મિક સાહિત્ય અનુસાર પ્રકૃતિમાં વ્યક્ત કરતાં અવ્યક્ત અસ્તિત્વ વિશેષ છે. જે હવે તો આધુનિક વિજ્ઞાને સાબિત કરી દીધું છે કેમ કે વૈજ્ઞાનિક સંશોધનો જણાવે છે કે બ્રહ્માંડની માત્ર 30% એનર્જી જ વ્યક્ત છે અર્થાત એના વિષે વૈજ્ઞાનિકો જાણી શક્યા છે, મતલબ આજે પણ (અર્થાત અતિ વિકસિત ટેકનોલોજીના યુગમાં પણ) બ્રહ્માંડની ૭૦ ટકા એનર્જી વિષે આપણે માહિતગાર નથી જેને વિજ્ઞાન “dark matter” તરીકે ઓળખે છે. જેમ જેમ આપણે વિકાસ તરફ આગળ વધતા જઈએ તેમ તેમ નવું નવું જાણતા જઈએ છીએ અને દરેક જ્ઞાન સાથે આપણા નિર્ણયો પણ બદલાતા રહે છે. દાખલા તરીકે સત્તરમી સદી સુધી આપણો એ નિર્ણય હતો કે સૂર્ય ઊગે છે અને આથમે છે એટલે કે સૂર્ય ફરે છે પરંતુ ગેલેલિયોના સંશોધન પછી અવ્યક્તની માહિતી આપણને મળતા હવે આપણો નિર્ણય એ છે કે સૂર્ય સ્થિર છે અને પૃથ્વી ફરે છે જેથી દિવસ-રાત અનુભવાય છે ટૂંકમાં અવ્યક્ત વ્યક્ત બનતા સામાન્ય રીતે આપણા નિર્ણયો બદલાય છે કેમકે આપણે હર ઘડી જે નિર્ણય કરીએ છીએ તે માત્ર વ્યક્તના સંદર્ભમાં જ કરીએ છીએ. સંસારની કોઈ વ્યક્તિ કે સંબંધો અંગે પણ આપણા નિર્ણય વ્યક્તના સંદર્ભમાં જ હોય છે કેમકે આપણે મનુષ્યને તેની ક્રિયા દ્વારા ઓળખીએ છીએ, એના ઇરાદા દ્વારા ક્યારેય ઓળખતા નથી. ખરાબ ઈરાદાઓ સાથે પણ જો ક્યારેક ક્રિયા આપણને સારી દેખાય તો માત્ર દેખીતી ક્રિયાને આધારે આપણે વ્યક્તિને સારો માની લેતા હોઈએ છીએ. કેમ કે એ સમયે વ્યક્તિનો ઈરાદો આપણી સમક્ષ અવ્યક્ત હોય છે અને જ્યારે તેના બદઈરાદાની જાણ થાય ત્યારે તે વ્યક્તિ આપણી નજરમાંથી ઉતરી જાય છે. અર્થાત તેના વિશેના આપણા નિર્ણય બદલાય છે.
આ રીતે આપણી સમજણ, સંબંધો, નિર્ણય, વિચારો સતત અવિરત બદલાતા રહે છે કેમ કે પરિવર્તન શાશ્વત છે, વિશ્વનો સાર્વભૌમ નિયમ છે પરિવર્તન. તો પછી મનુષ્યનો સ્વભાવ, પ્રકૃતિ કેમ ન બદલી શકાય. જો મનુષ્ય ઇચ્છે, દ્રઢ સંકલ્પ કરે તો તે સર્વ કંઈ બદલી શકે, તેના સમગ્ર અસ્તિત્વને બદલી શકે. સાત્વિક માણસ તામસિક પણ બની શકે અને તામસિક માણસ સાત્વિક પણ બની શકે. આપણી સમક્ષ આવા અનેક ઉદાહરણો પણ પ્રવર્તમાન છે કે આજનો સંત કાલનો માફિયા બન્યો હોય અથવા આજના લુટારા આવતીકાલના સંત થયા હોય. ટૂંકમાં પરિવર્તન શક્ય છે, સહજ છે, સરળ છે પરંતુ તેની પાછળ જવાબદાર કારણ છે પરિસ્થિતિ, અનુભવ, સમજણ, જ્ઞાન અને આપણી સમક્ષ રહેલ અનેક વ્યક્ત અને અવ્યક્ત પર્યાયો. જે બદલાતા સમગ્ર જીવન બદલાય છે. પરિસ્થિતિ, નિર્ણય, સંબંધો, વિચારો, પ્રકૃતિ અને પ્રવૃત્તિ સર્વ બદલાય છે. જે મનુષ્ય પોતાના જીવનની દિશા અન્યની ક્રિયા તેમ જ ઇરાદા બંનેને જાણી સમજી વિચારીને નિર્ણય કરે છે તે ક્યારેય અયોગ્ય રસ્તે જતો નથી કે અયોગ્ય નિર્ણય કરતો નથી. જીવનમાં જે મૂળ અને ફૂલ બન્નેને સાથે જોઈ શકે છે તે જ પ્રકૃતિનો તાગ મેળવી શકે છે, પ્રકૃતિને પામી શકે છે. આપણે જાણીએ છીએ ફુલ હંમેશા વ્યક્ત રહે છે જયારે મૂળ અવ્યક્ત રહે છે. પરંતુ ફૂલના અસ્તિત્વ પાછળ જવાબદાર ઘટક તો મૂળ જ છે. વ્યક્ત અને અવ્યક્ત સામાન્ય રીતે સાથે-સાથે ચાલે છે એક મૂળમાં રહે છે અને એક ફૂલમાં રહે છે પરંતુ ઘણા લોકો ફૂલને સ્વીકારી મૂળનો અસ્વીકાર કરે છે તો ઘણા મૂળને સ્વીકારી ફૂલનો અસ્વીકાર કરે છે. જેના કારણે સમય સાથે પરિવર્તન કઠિન બને છે કેમ કે એકાંકી દ્રષ્ટિકોણ જડતા વધારે છે અને જડ વ્યક્તિ માટે બદલાવ કે પરિવર્તન અસંભવ છે.
જો આપણે માનતા હોઈએ કે પ્રાણ અને પ્રકૃતિ સાથે જ જાય તો એનો સીધો અર્થ એ છે કે આપણે અતિશય જડ છીએ અને બદલાવા માંગતા નથી. જે મનુષ્ય બદલાવા ઈચ્છતો નથી તે ક્યારેય બદલાઈ શકતો નથી. પરિવર્તનના મૂળમાં ઈચ્છા જ કાર્યરત છે. જે બદલવા ઇચ્છે છે તે કોઈ ગુરુની મદદ વગર આપમેળે પણ પરિવર્તન આણી શકે છે. પરંતુ જે બદલાવા ઈચ્છતો જ નથી તેને કોઈ ધર્મ કે ગુરુ અથવા ભગવાન કે અવતાર બદલી શકતા નથી. અને સમાજમાં દ્રષ્ટિગોચર એવા અનેક લોકોના ઉદાહરણો દ્વારા આપણે એ સમજી કે સ્વીકારી લઈએ છીએ કે પ્રાણ અને પ્રકૃતિ સાથે જ જાય. મનુષ્યની પ્રકૃતિ કે સ્વભાવ જીવનપર્યંત તેનો સાથ છોડતો નથી, તેની સાથે મૃત્યુપર્યન્ત રહે છે એવા જૂઠીયા જ્ઞાન અને ખોટા અનુભવના કારણે ઘણા લોકો પોતાનો સ્વભાવ, ટેવો, પ્રકૃતિ બદલવાની કોશિશ પણ કરતા નથી. તેમણે એ સ્વીકારી લીધું છે કે પરિવર્તન શક્ય જ નથી. આપણે જીવનને એક ફૂલ સ્વરૂપે જ જોયું છે જે દેખાય છે પરંતુ મૂળ તરફ આજીવન બેધ્યાન રહ્યા છીએ. મૂળભૂત પ્રશ્ન તો મૂળનો જ છે. જીવનની અનેક વ્યાખ્યાઓ થઈ છે પરંતુ મોટાભાગની વ્યાખ્યાઓ માત્ર ઉપરછલ્લી છે અર્થાત માત્ર ફુલ અંગેની છે, મૂળ સુધી લગભગ કોઈ પહોંચી શક્યું નથી. માત્ર ફુલ સુધી પહોંચનારી વ્યાખ્યાઓને પૂર્ણ માની શકાય નહીં. ફૂલ ખીલે છે અને કરમાઈ જાય છે પછી ખરી પડે છે, આજે ખીલે છે અને કાલે કરમાઈ જાય છે આપણે માત્ર તેને જ જોઈ શકીએ છીએ એ જ રીતે જીવનમાં પણ આપણે માત્ર જન્મ અને મરણ અર્થાત ફૂલનું ખીલવું, કરમાવવું અને ખરી પડવુ એટલું જ જોઈ શકીએ છીએ. મૂળ સુધી એટલે કે આત્મા સુધી પહોંચી શકતા નથી. વાસ્તવમાં મૂળની વ્યાખ્યા કર્યા વગર માત્ર ફૂલની વ્યાખ્યા કરવી અતિ હાનિકારક છે, ખતરનાક છે કેમકે જે દેખાય છે તે જ માત્ર જીવન નથી. જો તત્વજ્ઞાનના મૂળમાં જઈ શકાય તો જ મનુષ્ય યથાર્થ જીવનને જાણી શકે અને પોતાના જીવનમાં જરૂરી બદલાવ લાવી શકે.

પરિવર્તન પણ માત્ર એક પ્રકારનું નથી હોતું, બે પ્રકારના હોય છે ૧) સ્વાભાવિક પરિવર્તન જે સહજતાથી થાય છે, યથાર્થ સમજણ સાથે અથવા પ્રકૃતિના નિયમ અનુસાર થાય છે. ૨) યોગિક પરિવર્તન કે જે નિમિત્તોથી થનારું પરિવર્તન છે, સંયોગો સંજોગો અને સંબંધોથી થનારું પરિવર્તન છે. સ્વાભાવિક પરિવર્તન પર કોઇનો અધિકાર નથી, તે સ્વાભાવિક રૂપથી ઘટિત થાય છે. તેને કોઇ રોકી કે બદલી શકતું નથી. તે પદાર્થનું પોતાનું અસ્તિત્વ છે. જે સ્થિતિઓ સાથે જોડાયેલું પરિવર્તન છે. આ પરિવર્તન એટલા માટે થાય છે કે પદાર્થ તત્વ પોતાનું અસ્તિત્વ ચાલુ રાખી શકે જેમ એક જીવન બાદ મૃત્યુ થતાં તરત પદાર્થ પોતાનું અસ્તિત્વ ટકાવવા અન્ય શરીર ધારણ કરે છે, જે સહજ સ્વાભાવિક પરિવર્તન છે. જેના પર કોઇનો અધિકાર નથી તે ઈશ્વરની ઈચ્છાથી થાય છે. જો જીવાત્મા કે પદાર્થ આવા પરિવર્તનને ન સ્વીકારે તો તેનું સમગ્ર અસ્તિત્વ જ સમાપ્ત થઈ જવાની ભીતિ છે. આ એક સ્વયંસંચાલિત પરિવર્તન છે.
સાચું કહું તો દરેક માણસ આંતરિક રીતે બદલાવની ઇચ્છા ધરાવે જ છે અને ધ્યાન-યોગની સાધના એ વાસ્તવમાં પરિવર્તનની જ સાધના છે. આજકાલ તો મોટી સંખ્યામાં લોકો યોગ-ધ્યાનની શિબિરમાં નામ નોંધાવે છે અને હાજરી આપે છે. એ જ દર્શાવે છે કે લોકો બદલાવ ઈચ્છે છે. પોતાનામાં આંતરિક બદલાવ પણ ઇચ્છે છે. બાકી યોગ-ધ્યાન તરફ વળે જ શું કામ? દરેક વ્યક્તિ ક્યારેક ને ક્યારેક ઈચ્છે છે કે એના જીવનમાંથી ક્રોધ ઓછો થાય, આવેગો ઘટે, ઇચ્છાઓ ઘટે, લોભ-મોહ ઓછા થાય, જીવનમાં શાંતિ આવે, આનંદ આવે, જેના માટે બદલાવ કે પરિવર્તન અનિવાર્ય બને છે. દરેક મનુષ્યમાં બદલાવાની મનોવૃત્તિ હોય જ છે. કોઈ એક સરખું રહેવા માગતું નથી કે એકધાર્યું જીવવા માગતું નથી. વ્યક્તિ બાળકમાંથી યુવાન અને યુવાનમાંથી વૃદ્ધત્વ તરફ પ્રયાણ કરે છે એ પણ પરિવર્તન છે. જે સ્વયં સંચાલિત અને સ્વાભાવિક પરિવર્તન છે, જેના પર આપણું નિયંત્રણ નથી. તે પ્રકૃતિ પ્રેરિત છે જેને અટકાવી પણ શકાતું નથી. ચોક્કસ સમજણ જ્ઞાન અને ધ્યાન દ્વારા ઉમર વધવાની પ્રક્રિયાને ધીમી અવશ્ય પાડી શકાય અને લાંબુ જીવી શકાય. પરંતુ પરિવર્તનને સંપૂર્ણપણે રોકી શકાય નહી. એ સિવાયના અન્ય પરિવર્તન જે આપણા હાથમાં છે તે યોગિક પરિવર્તન છે. જે યોગ-ધ્યાનની શિબિર દ્વારા તેમ જ દ્રઢ મનોબળ દ્વારા બદલી શકાય છે. એવા ઘણા દ્રષ્ટાંતો સમાજમાં છે કે વર્ષોવર્ષ જે માણસ બદલાયો ન હોય તે દસ દિવસની યોગ-ધ્યાનની શિબિરથી બદલાય ગયો હોય. સંપર્કો, સંબંધો, સત્સંગ, વૈચારિક નૈમિતિક અવસ્થાઓ જેવા પરિબળો દ્વારા વ્યક્તિ પોતાનામાં પરિવર્તન લાવી શકે છે. આવા પરિવર્તન પર વ્યક્તિનો અધિકાર છે તેમ જ તે વ્યક્તિના નિયંત્રણમાં પણ છે.
બદલાવાની તીવ્ર ઇચ્છાથી આપણું નાડીતંત્ર બદલાય છે, મન બદલાય છે, આપણી લેશ્યા બદલાય છે, શરીર બદલાય છે, આભામંડળ બદલાય છે, શરીરની રાસાયણિક પ્રક્રિયાઓ અને વિદ્યુત બદલાય છે, શરીરના દરેક અવયવોની ક્રિયા બદલાય છે. માત્ર આપણે હૃદયથી એ સ્વીકારવાની જરૂર છે કે પરિવર્તન શક્ય છે અને આપણે આપણી પ્રકૃતિને ધારીએ ત્યારે બદલી શકીએ છીએ. સ્વભાવ, ટેવો વૃત્તિ, વિચારો તમામને બદલી શકાય છે પરંતુ આપણે અજ્ઞાનવશ ધારી લીધું છે કે સ્વભાવ કે પ્રકૃતિ બદલી શકાતી નથી જેથી આપણને ક્યારેય બદલવાની જીજ્ઞાશા થતી નથી અને પરિવર્તન શક્ય બનતું નથી. કોઈ પણ પ્રકારના મિથ્યાજ્ઞાન કે મિથ્યા માન્યતાને કારણે વ્યક્તિનો પ્રયત્ન કે પુરુષાર્થ જ સમાપ્ત થઈ જાય છે. જેથી પરિવર્તનલક્ષી પરિણામ અસંભવ બને છે. ભય, પ્રમાદ, અજ્ઞાન, અયોગ્ય ધારણા કે માન્યતા વગેરે પરિવર્તનની સાધનાના મુખ્ય વિઘ્નો છે, મૂળભૂત બાધક છે. જીવનમાં જે વિઘ્નરૂપ પરિબળો છે તે તમામને પ્રથમ ઓળખી લેવા જોઈએ ત્યારબાદ તેને બદલવાનો પ્રમાણિક પ્રયન્ત થવો જોઈએ. જ્યાં સુધી આપણે તેને બાધક કે અવરોધક તરીકે ઓળખી શકતા નથી ત્યાં સુધી તેને જુકાવવા કે હરાવવા કેવી રીતે? જ્યાં સુધી શત્રુની ઓળખ જ ન હોય ત્યાં સુધી લડવું કોની જોડે અને હરાવવા કોને? જીવનમાં બદલાવ કે પરિવર્તન શક્ય બનતું નથી કેમ કે પરિવર્તનના વિઘ્નો કે અવરોધો વિષે આપણે અજ્ઞાત છીએ..
ટૂંકમાં માનસિક અવસ્થાને બદલી સંપૂર્ણ પરિવર્તન શક્ય છે. માત્ર એ જાણવું જરૂરી છે કે પરિવર્તન સંભવ છે અને તે બે પ્રકારનું હોય છે સ્વાભાવિક અને નૈમિતિક. બંને પ્રકારના પરિવર્તનના સ્વીકાર માટે પરિપક્વ માનસિક ભૂમિકા પ્રથમ શરત છે એ તો યાદ રાખવું જ રહ્યું. પરિવર્તન પ્રકૃતિનો શાશ્વત નિયમ હોવાને કારણે બદલાવની પ્રક્રિયામાં પ્રકૃતિના તમામ તત્વો મનુષ્યને સહાયક પણ થતા હોય છે. જરૂર છે માત્ર દ્રઢ મનોબળ અને તીવ્ર ઈચ્છાની કે “મારે બદલવું છે” અને જીવનમાંથી ક્રોધ-લોભ-સ્વાર્થ-અહંકાર-ઈર્ષાની બાદબાકી કરવી છે. વ્યક્તિ પોતે બદલાવ ન ઈચ્છતો હોય તો પણ ક્યારેક તેના કુટુંબીજનો બદલાવ ઇચ્છતા હોય છે કારણકે દુનિયામાં કોઈને ક્રોધી લોભી સ્વાર્થી અને અહંકારી વ્યક્તિ પસંદ હોતી નથી. અન્ય કોઈ ઈચ્છે કે તમે બદલો એના કરતા સ્વયં પરિવર્તન અને બદલાવ વધુ ઇચ્છનીય છે કેમ કે તે ઓછું પીડાદાયક છે. યથાર્થ સમજણ અને યોગ્ય સાધના સાથે સ્વયં બદલાવ દ્વારા વિઘ્નો અને અવરોધોને હરાવી પ્રકૃતિ પર વિજય મેળવવા જેવું કઠીન કાર્ય જો તમે આજથી જ શરુ કરશો તો મને લાગશે મારો લખવાનો પ્રયત્ન સફળ થયો.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *