*અમદાવાદ મ્યુનિસિપલ કોર્પોરેશનના વોર્ડ ઈન્સ્પેક્ટરને 9 હજારની લાંચ લેતા ઝડપી પાડતી એસીબી*
>> CARE પ્રોગ્રામની અસર, ફરિયાદી અગાઉ પણ ભ્રષ્ટાચારી સામે લડત આપી ચૂકયા છે
>>ગુજરાત એન્ટી કરપ્શન બ્યૂરોએ અમદાવાદ મ્યુનિસિપલ કોર્પોરેશનના વોર્ડ ઈન્સ્પેક્ટરને 9 હજારની લાંચ લેતા રંગે હાથ ઝડપી પાડ્યા છે. અમદાવાદના આંબાવાડી વિસ્તારમાં ભાડાની ઑફિસની આકારણી ઓછી કરવા પેટે 10 હજારની લાંચ માગી હતી. એસીબીએ સંજયકુમાર જયંતિભાઇ પટેલ (રહે. એ/202, વૃંદાવન હિલ્સ, રાયસણ, ગાંધીનગર મૂળ રહે. વાવ, તા. તલોદ, જિ. સાબરકાંઠા) ની ધરપકડ કરી જરૂરી કાર્યવાહી હાથ ધરી છે.
આ પણ વાંચો: *ચોમાસા દરમિયાન રાજ્યના ૨૦૬માંથી ૧૦૮ જળાશયો સંપૂર્ણ ભરાતા હાઈ એલર્ટ જાહેર*
>અમદાવાદના આંબાવાડી ભુદરપુરા રોડ પર આવેલા અશ્વમેઘ એલીગન્સ પાર્ટ-1માં ઑફિસ ભાડે રાખનારા નાગરિક પાસે એએમસીના વૉર્ડ ઈન્સ્પેક્ટર સંજયકુમાર પટેલ લાંચ માગી હોવાની ફરિયાદ આવી હતી. ભાડે રાખેલી ઑફિસનો વર્ષ 2024-25નો પ્રોપર્ટી ટેક્સ ફરિયાદીએ ભરવાનો બાકી હતો. પ્રોપર્ટી ટેક્સની ભાડુઆત તરીકેની આકારણી નહીં કરવા આક્ષેપિત સંજય પટેલે પ્રથમ 10 હજારની લાંચ માગી હતી. રકઝકના અંતે 9 હજાર રૂપિયા લાંચ લેવા માટે સંજય પટેલ તૈયાર થયા હતા. એસીબી અધિકારીએ આજરોજ લાંચના છટકાનું આયોજન કર્યું હતું. જેમાં સંજય પટેલ રૂપિયા 9 હજાર રૂપિયા સ્વીકારતા ઝડપાઈ જતા લાંચની રકમ કબજે લઈ તેમની ધરપકડ કરવામાં આવી છે.>>લાંચ કેસમાં ઝડપાયેલા સંજય પટેલ વર્ષ 2012માં જુનિયર ક્લાર્ક કમ વૉર્ડ ઈન્સ્પેક્ટર તરીકે અમદાવાદ મ્યુનિસિપલ કોર્પોરેશનમાં નોકરી લાગ્યા હતા. 8 વર્ષ સુધી તેમણે ગીતા મંદિર પાસે આવેલી જન્મ-મરણ અને લગ્ન નોંધણીની કચેરીમાં ફરજ બજાવી હતી. વર્ષ 2021થી સંજય પટેલ પ્રોપર્ટી ટેક્સ વિભાગમાં ફરજ બજાવે છે અને હાલ રૂપિયા 54 હજાર માસિક પગાર મેળવે છે.
>> સંજય પટેલ સામે લાંચ કેસની ફરિયાદ આપનારા જાગૃત્ત નાગરિક અગાઉ પણ એએમસીના એક ભ્રષ્ટાચારી બાબુ સામે અરજી કરી લડત આપી ચૂક્યા છે. લાંચિયા બાબુઓ સામે ફરિયાદ/રજૂઆત કરી ભ્રષ્ટાચાર સામે લડત આપનારા જાગૃત્ત નાગરિકોનું CARE પ્રોગ્રામ હેઠળ તાજેતરમાં 15 ઑગસ્ટ સ્વાતંત્ર્ય દિને એસીબી દ્વારા સન્માન કરાતા ભ્રષ્ટાચાર સામેની લડાઈ વધુ મજબૂત બની છે.
>> અમદાવાદ શહેર એસીબી પોલીસ સ્ટેશનના પીઆઈ સુ.શ્રી ડી. બી. ગોસ્વામી અને સ્ટાફે લાંચના છટકાનું આયોજન કર્યું હતું. જ્યારે એસીબી અમદાવાદ એકમના મદદનીશ નિયામક કે. બી. ચુડાસમા સુપરવિઝન ઑફિસર રહ્યા હતા.