સ્વરની લય -તાલ -સૂર ની સાચી ગુંથણી એટલે સંગીત . સંગીત એક એવી જાદુઈ દવા છે જે અસાધ્ય રોગો પણ મટાડી શકે છે .આજના કામના ભારણ હેઠળ જીવતા લોકો માટે સંગીત સાંભળવુંએ આશીર્વાદરૂપ છે .કાનને સાંભળવો ગમે એવો સ્વર દરેકનો નથી હોતો .કેટલાંકને માત્ર સંગીત સાંભળવાનો શોખ હોય છે .
જે વ્યક્તિને પોતાની આસપાસ લહેરાતાં પવનમાં ,વરસાદની ધારામાં કે મંદિરના ઘંટારવમાં સંગીત અનુભવાય છે ,એ વ્યક્તિ હકારાત્મક અભિગમથી જીવન જીવે છે એવું જરૂર કહી શકીયે .
આવી જ સંગીતની સુરયાત્રા માણતા માણતા મને એક ગાયિકાનો સ્વર સાંભળવાનો મોકો મળ્યો .
1 જુલાઈની સાંજે દિનેશ હોલ ‘ખાતે ‘આર .ડી . બર્મન’ જેવા મહાન સંગીતકારને શ્રદ્ધાંજલિ આપતો કાર્યક્રમ યોજાઈ ગયો .
આસમગ્ર કાર્યક્રમનું ખુબ સુંદર રીતે આયોજન કરનાર શ્રી .સંજયભાઈ તન્નાએ કેટલાંક કર્ણપ્રિય ગીતો રજૂ કરીને સાંજને યાદગાર બનાવી દીધી .મહાન ગાયક મુકેશ હોય કે પછી કિશોરકુમારનો તાજગીસભર અવાજ સંજયભાઇએ દરેક ગીતોને પોતાનો અનોખો ટચ આપીને લોકોને તાળીઓથી વધાવી લેવાં મજબુર કરી દીધા એમ કહું તો કાંઈ અતિશયોક્તિ નથી .
આ કાર્યક્રમને એક નવોદિત ગાયિકાએ પોતાનાં સુરીલા કંઠથી તમામ શ્રોતાને મંત્રમુગ્ધ કરી નાખ્યા એનું નામ ‘અનુષ્કા પંડિત ‘ છે .માત્ર બાવીસ વર્ષની ઉંમરમાં સુર સાધના કરીને પોતાનાં અવાજને સુંદર રીતે કેળવ્યો છે .અનુષ્કાના અવાજની મીઠાશે મને આખો કાર્યક્રમ જોવા જકડી રાખી એમ કહું તો ચાલે .
જેને આપણે સંસ્કારની નગરી કહીયે છીએ એવાં વડોદરામાં અનુષ્કાનો જન્મ થયો છે .મહારાષ્ટ્રીયન ફેમિલીમાં જન્મેલી અનુષ્કાની માતાનું નામ શ્રીમતી પ્રાંજલી પંડિત અને પિતાનું નામ શ્રી અજિત પંડિત છે . માતા પ્રાંજલી પોતે સંગીત વિશારદ છે . એટલે જ આ સંગીતનો વારસો એમની પુત્રીમાં આવ્યો છે એવું કહી શકાય .અનુષ્કાના માતા અને પિતા બન્ને એ વડોદરા સ્થિત સયાજીરાવ ગાયકવાડ સંગીત કોલેજ માંથી સંગીતનો ડિપ્લોમા કોર્સ પણ કરેલો છે .અનુષ્કાના નાના અને નાની પણ સંગીતના પ્રખર જાણકાર છે . આવા સંગીતમય કુટુંબ માંથી ગાયિકા કોઈ ના બને તો જ નવાઈ લાગે .
નાનપણથી અનુષ્કાએ નવરાત્રીમાં સ્ટેજ પર ગરબા ગાવાની શરૂઆત કરેલી . ગુજરાતી ભાષાના સ્પષ્ટ ઉચ્ચારણ અને ગરબા ગાવાની સુંદર રીતના લીધે એને વધુને વધુ સ્ટેજ પ્રોગ્રામ મળવા લાગ્યા .ગુરુ શ્રીમતી વત્સલાબહેને અનુષ્કાને ગાયકીનાં તમામ પાસાને કેવીરીતે ઉચિત રીતે ન્યાય આપવો એ સુપેરે સમજાવ્યું છે . તેને પોતાનાં અવાજને સારો રાખવા વધુ પડતા રિયાઝ કરવાની પણ મનાઈ કરેલી છે .વત્સલાબહેને પોતે પણ સંગીતના ક્ષેત્રમાં ખુબ પ્રસિદ્ધિ મેળવી છે .તેઓએ 8000થી વધુ ગીતો રેકોર્ડ કર્યા છે .80 જેટલી ગુજરાતી મુવીમાં પોતાનાં સુમધુર અવાજ ને રેલાવ્યો છે .સાલ 2010માં તેઓએ ગુજરાતી મુવીમાં બેસ્ટ પ્લેબેક સિંગરનો એવોર્ડ મેળવેલો છે .આજના આ યુગમાં આવા ગુરુ અનુષ્કાને મળ્યા એ પણ નસીબની વાત ગણાય .
અનુષ્કા સંગીતની સાથોસાથ ભણવામાં પણ ખુબ તેજસ્વી છે . ધોરણ -10ની બોર્ડની પરીક્ષા 92 ટકા સાથે પાસ કરેલી છે .હાલ તે સયાજીરાવ ગાયકવાડ કોલેજમાં કોમર્સના વિષયોને લઈને પોતાનું માસ્ટરર્સ કરી રહી છે . સંગીતના રિયાઝ ની સાથે સાથે અભ્યાસમાં પણ ધ્યાન આપવું જોઈએ એ સીખ અનુષ્કાનાં માતાપિતાની છે . જે વખાણવા લાયક જરૂર છે .સંગીત વ્યક્તિમાં એકાગ્રતા વધારે છે એ હકીકત સાચી ઠરે છે .
અનુષ્કાએ એમનાં સંગીતગુરુ શ્રીમતી ‘વત્સલાબહેન પાટીલ ‘ પાસેથી ખુબ સુંદર તાલીમ લીધેલી છે . વત્સલાબહેન ‘ગુજરાત ગૌરવ ‘ પુરસ્કાર મેળવી ચૂક્યાં છે . તેઓ શ્રી એ અનુષ્કાને લોકસંગીત , શાસ્ત્રીય સંગીત તેમજ ફિલ્મીસંગીત ખુબ રસ લઈને શીખવ્યું છે .ગુરુ -શિષ્યાનો આ સંગીતમય નાતો મજબુત છે , એની અનુભૂતિ મને પણ થાય છે .
ફિલ્મીગીત ગાતી વખતે ભાવ પણ એટલો જ જરૂરી હોય છે . સ્ક્રીન પર અભિનય કરતાં કલાકારના અવાજ સાથે પોતાનાં અવાજને ઢાળી ગીત ગાવામાં આવે તોજ એ દ્રશ્ય સાથે ઓતપ્રોત થવાય … આ ખૂબી અનુષ્કાના અવાજમાં જોવા મળે છે . આશા પારેખ જેવી ઉત્કૃષ્ટ નાયિકાના નટખટપણાંને તાદ્રશ્ય કરતું ગીત હોય કે પછી રેખા જેવી સંવેદનશીલ નાયિકાની લાગણીસભર રજુઆત હોય ..
અનુષ્કા ખુબ સુંદર રીતે બન્ને ગીતો ગઈ શકે છે . આટલી નાની ઉંમરમાં આ સમજણ બહુ ઓછા ગાયક કલાકારો માં જોઈ છે .
આશા રાખીયે આપણને અનુષ્કા જેવી સુરીલા અવાજની ધની ગાયિકા પાસેથી હજી વધુ સારા ગીતો સાંભળવા મળે …ગુજરાતના લોકગીતો અને ગરબાને પણ એક અલગ સુંદર મુકામ મળે એવી અનુષ્કા પંડિતને ખુબ ખુબ શુભકામના .
બીના પટેલ