ટાઇગર રિઝર્વના બફર ઝોનમાં રોમાંચક પ્રવૃત્તિઓ વધશે, અનુભવ આધારિત પ્રવાસન પર રહેશે ભાર.

• મધ્યપ્રદેશ પ્રવાસન બોર્ડ દ્વારા વન વિભાગના સહયોગથી સોફ્ટ એડવેન્ચર પ્રવૃત્તિઓ હાથ ધરવામાં આવશે.

• ‘ટાઇગર સ્ટેટ’માં 785 વાઘ હાજર છે

ગુજરાત, 29 જુલાઈ, 2024 – ‘ટાઈગર સ્ટેટ’ તરીકે ઓળખાતું મધ્ય પ્રદેશ તેની વાઘની વસ્તી અને સંરક્ષણ માટે જાણીતું છે. 2022ની વસ્તી ગણતરી મુજબ, મધ્યપ્રદેશમાં 785 વાઘ છે, જે દેશમાં સૌથી વધુ છે. તેમાંથી 563 વાઘ ટાઈગર રિઝર્વ(વાઘ અનામત)માં છે અને 222 વાઘ અભયારણ્ય અને ટાઈગર રિઝર્વ (સંરક્ષિત વિસ્તાર)ની બહાર છે.

જુલાઈથી સપ્ટેમ્બર સુધી ટાઈગર સફારી બંધ થવાને કારણે, ટાઈગર રિઝર્વમાં પ્રવાસન પ્રવૃત્તિઓમાં ઘટાડો થાય છે, જે સ્થાનિક સમુદાય, હોટેલ સંચાલકો અને પ્રવાસન સંબંધિત લાભાર્થીઓને અસર કરે છે. આ હકીકતને ધ્યાનમાં રાખીને, મધ્યપ્રદેશ પ્રવાસન બોર્ડ દ્વારા વન વિભાગ અને સ્થાનિક જિલ્લા વહીવટીતંત્રના સહયોગથી પ્રવાસીઓનો અનુભવ વધારવા માટે બફર ઝોનમાં જંગલ સફારી, નેચર વોક, ટ્રી-હાઉસ સ્ટે, ગ્રામ્ય પ્રવાસ અને સ્ટારગેઝિંગ સહિતની શ્રેણીબદ્ધ પ્રવૃત્તિઓની શરૂઆત કરી છે. તમામ પક્ષોને એક મંચ પર લાવવા માટે ટાઈગર રિઝર્વમાં વર્કશોપ યોજવામાં આવશે, જેની શરૂઆત પેંચ નેશનલ પાર્કથી કરવામાં આવી છે.

પ્રવાસન અને સંસ્કૃતિ વિભાગના અગ્ર સચિવ અને મધ્યપ્રદેશ પ્રવાસન બોર્ડના મેનેજિંગ ડિરેક્ટર શ્રી શિવ શેખર શુક્લાએ જણાવ્યું હતું કે મધ્યપ્રદેશ પ્રવાસન બોર્ડ જવાબદાર પ્રવાસન માટે પ્રતિબદ્ધ છે અને પર્યાવરણીય અસરને ઘટાડવા અને સ્થાનિક સમુદાયોની ભાગીદારી સુનિશ્ચિત કરવા પર ધ્યાન કેન્દ્રિત કરી રહ્યું છે. વન વિભાગ, સ્થાનિક વહીવટીતંત્ર અને પ્રવાસન હિતધારકો સાથે સહકાર વધારીને જુલાઈથી સપ્ટેમ્બર દરમિયાન પણ પ્રવાસન પ્રવૃત્તિઓ જાળવી રાખવા અને સ્થાનિક રહેવાસીઓ માટે રોજગારીની તકો ઊભી કરવાનો હેતુ છે.

મધ્ય પ્રદેશના તમામ 7 વાઘ અનામત-

બાંધવગઢ રાષ્ટ્રીય ઉદ્યાન: 165 વાઘની સમૃદ્ધ વસ્તી

બાંધવગઢ ટાઈગર રિઝર્વ ઉમરિયા અને કટની જિલ્લામાં ફેલાયેલું છે. 1,536.93 ચોરસ કિલોમીટરના વિસ્તારમાં ફેલાયેલા આ અનામતમાં 165 વાઘની સમૃદ્ધ વાઘની વસ્તી છે. બાંધવગઢ એ સૌથી નાનું પરંતુ વન્યપ્રાણી સમૃદ્ધ ઉદ્યાન પૈકીનું એક છે અને ભારતમાં વાઘની સૌથી વધુ ગીચતા ધરાવે છે. એવો અંદાજ છે કે દર 14 કિલોમીટરે એક વાઘ છે.

કાન્હા નેશનલ પાર્ક: સંરક્ષણ પહેલમાં અગ્રેસર

કાન્હા ટાઈગર રિઝર્વ મંડલા અને બાલાઘાટ જિલ્લામાં ફેલાયેલું છે અને તે દેશના મુખ્ય વાઘ અનામતોમાંનું એક છે અને રાજ્યનું સૌથી મોટું રાષ્ટ્રીય ઉદ્યાન છે અને વાઘની વસ્તી 129 છે. કાન્હાના લીલાછમ જંગલો “ધ જંગલ બુક” માટે પ્રેરણારૂપ માનવામાં આવે છે.

પેન્ચ ટાઈગર રિઝર્વ: વન્યજીવ અભયારણ્ય કરતાં વધુ

પેન્ચ નેશનલ પાર્ક સિવની અને છિંદવાડા જિલ્લામાં ફેલાયેલો છે. પેન્ચ નેશનલ પાર્ક 1179.63 ચોરસ કિલોમીટરના વિસ્તારમાં 123 વાઘની સમૃદ્ધ વસ્તી માટે પ્રખ્યાત છે, જે દર 19 કિલોમીટરે વાઘને ટ્રેક કરવાની સંભાવના આપે છે. પેન્ચ ટાઇગર રિઝર્વ એ રૂડયાર્ડ કિપલિંગની આઇકોનિક વાર્તા, “ધ જંગલ બુક”નો જીવંત પ્રકરણ છે.

વીરાંગના દુર્ગાવતી ટાઇગર રિઝર્વ: અતુલ્ય ભારતના હૃદયમાં સૌથી નવું અનામત

સાગર, દમોહ, નરસિંહપુરમાં ફેલાયેલું વીરાંગના દુર્ગાવતી ટાઈગર રિઝર્વ મધ્યપ્રદેશનું સૌથી નવું વાઘ અનામત છે. 2339 ચોરસ કિલોમીટરમાં ફેલાયેલા આ ટાઈગર રિઝર્વમાં 15 વાઘ છે.

સતપુરા ટાઇગર રિઝર્વઃ યુનેસ્કોની વર્લ્ડ હેરિટેજ સાઇટ્સની સંભવિત યાદીમાં સમાવિષ્ઠ

સતપુરા ટાઇગર રિઝર્વ તેના ઉત્કૃષ્ટ કુદરતી સૌંદર્યથી પ્રવાસીઓને આકર્ષે છે. તે સતપુરા પર્વતમાળામાંથી ઉતરી આવેલ “સેવન ફોલ્ડ્સ” તરીકે ઓળખાય છે. એક અંદાજ મુજબ અનામતમાં 62 વાઘ છે. સતપુરા રિઝર્વમાં 10,000 વર્ષ પહેલાંના પ્રાચીન રોક ચિત્રો પણ છે, જે તેને યાદગાર અનુભવ બનાવે છે. યુનેસ્કોની નેચરલ કેટેગરીમાં વર્લ્ડ હેરિટેજ સાઇટ્સની સંભવિત યાદીમાં તેનો સમાવેશ કરવામાં આવ્યો છે.

પન્ના ટાઈગર રિઝર્વઃ કેન નદીની ભૂમિ

પન્ના ટાઇગર રિઝર્વ પન્ના અને છતરપુર જિલ્લામાં 1,598.10 ચોરસ કિલોમીટરમાં ફેલાયેલું છે. અહીં 64 વાઘ છે. સફારી દરમિયાન કેન નદીનો નજારો યાદોમાં વસી જાય છે.

સંજય-ડુબરી નેશનલ પાર્ક અને ટાઈગર રિઝર્વઃ વન્યજીવો માટે સ્વર્ગ

સદાબહાર સાલ, વાંસ અને મિશ્ર જંગલોથી બનેલું, સંજય-ડુબરી ટાઇગર રિઝર્વ સીધી અને શાહડોલ જિલ્લામાં 1,674.5 ચોરસ કિલોમીટરમાં ફેલાયેલું છે, જે વન્યજીવન માટે સ્વર્ગ છે. આ અનામત વાઘ સંરક્ષણમાં મહત્વની ભૂમિકા ભજવે છે અને લગભગ 20 વાઘ, પક્ષીઓની 152 પ્રજાતિઓ, સસ્તન પ્રાણીઓની 32 પ્રજાતિઓ, સરિસૃપની 11 પ્રજાતિઓ, તાજા પાણીની માછલીઓની 34 પ્રજાતિઓનું ઘર છે.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *