હવે કોંગ્રેસે જ વિચારવાનું કે મારા જેવા કાર્યકરે શું કામ પક્ષ છોડ્યોઃ અર્જુન મોઢવાડિયા.

અમદાવાદ, 4 માર્ચ 2024, આજે કોંગ્રેસને પાંચેક કલાકમાં જ એક સાથે બે ઝટકા લાગ્યા છે. સવારે રાજૂલાના પૂર્વ ધારાસભ્ય અંબરિશ ડેરે રાજીનામું આપી દીધું હતું અને હવે કોંગ્રેસ સાથે 40 વર્ષ સુધી રહેનાર દિગ્ગજ નેતા અર્જુન મોઢવાડિયાએ ધારાસભ્ય અને પક્ષના તમામ હોદ્દાઓ પરથી રાજીનામું આપી દીધું છે. તેમણે રાજીનામું આપવા અંગે કહ્યું હતું કે, હવે કોંગ્રેસના નેતૃત્વએ વિચારવાનું છે કે મારા જેવા કાર્યકરે કેમ રાજીનામું આપી દીધું છે. રાજીનામું આપ્યા બાદ હું ઘણી હળવાશ અનુભવુ છું અને આગામી સમયમાં મારા નવા રાજકીય જીવનની શરૂઆત મારા મિત્રોને પુછીને કરવાનો છું.
રામ મંદિરના આમંત્રણને ઠુકરાવવાનો મેં વિરોધ કર્યો હતો
ધારાસભ્ય પદેથી રાજીનામું આપ્યા બાદ અર્જુન મોઢવાડિયાએ જણાવ્યું કે, કપરા સમયમાં વિપક્ષમાં રહીને જવાબદારી નિભાવી છે. મેં મારા પક્ષ માટે લોહી અને પરસેવો બન્ને આપેલા છે એટલે કોંગ્રેસ છોડવી મુશ્કેલ હતી.ઘણા સમયથી કોંગ્રેસમાં ગૂંગળામણ અનુભવતો હતો. પરંતુ મારા ટેકેદારોની લાગણી હતી કે, જે રીતે કોંગ્રેસ ચાલે છે એમા પરિવર્તન લાવી શકીશ નહીં એટલે મેં તમામ હોદ્દા પરથી અને ધારાસભ્ય પદેથી રાજીનામું આપ્યું છે. મને સહયોગ આપનારા તમામ લોકોનો આભાર માનુ છું. કોંગ્રેસના હાઈકમાન્ડે રામ મંદિરની પ્રાણ પ્રતિષ્ઠાનું આમંત્રણ પણ ઠુકરાવ્યું. પરંતુ એ વખતે પણ જેણે પણ આ નિર્ણય કર્યો તેનો મેં વિરોધ કર્યો હતો.
કોંગ્રેસ લોકોની ભાવનાઓનું મૂલ્યાંકન કરવામાં નિષ્ફળ રહી
કોંગ્રેસના રાષ્ટ્રીય અધ્યક્ષ મલ્લિકાર્જુન ખડગેને લખેલા આ રાજીનામામાં અર્જુન મોઢવાડીયાએ લખ્યું છે કે, જે પાર્ટી સાથે હું છેલ્લા 40 વર્ષથી જોડાયેલો છું અને જેના માટે મેં મારું આખું જીવન આપ્યું છે. જ્યારે કોંગ્રેસ પાર્ટીના નેતૃત્વએ અયોધ્યામાં પ્રાણપ્રતિષ્ઠા મહોત્સવ માટેના આમંત્રણને નકારી કાઢ્યું હતું, ત્યારે મેં મારી અસહમતિ વ્યક્ત કરી હતી. ભગવાન રામ માત્ર હિંદુઓ દ્વારા પૂજનીય જ નહીં પરંતુ તેઓ ભારતની આસ્થા છે. પ્રાણ પ્રતિષ્ઠા મહોત્સવના આમંત્રણને ફગાવીને કોંગ્રેસે એક પક્ષ તરીકે ભારતના લોકોની લાગણીઓને ઠેસ પહોંચાડી છે અને લોકોની ભાવનાઓનું મૂલ્યાંકન કરવામાં નિષ્ફળ રહી છે.
કોંગ્રેસે ભગવાન રામનું અપમાન કર્યું છે
હું એવા ઘણા લોકોને મળ્યો છું જેઓ કોંગ્રેસ પાર્ટીએ અયોધ્યામાં ઉત્સવનો બહિષ્કાર કરીને ભગવાન રામનું અપમાન કર્યું હતું તેનાથી દુઃખી થયા હતા. આ પવિત્ર પ્રસંગને વધુ વિચલિત કરવા અને અપમાન કરવા માટે રાહુલ ગાંધીએ આસામમાં હંગામો મચાવવાનો પ્રયાસ કર્યો. અમારા પક્ષના કાર્યકરો અને ભારતના નાગરિકોને વધુ ગુસ્સે કર્યા હતાં. હું મારા પોરબંદર અને ગુજરાતના લોકો માટે યોગદાન આપવામાં નિઃસહાય અનુભવી રહ્યો છું. તેથી, ભારે હૃદય સાથે, હું કોંગ્રેસ પાર્ટીના તમામ હોદ્દા પરથી રાજીનામું આપી રહ્યો છું.મારા રાજકીય જીવનની નવી શરૂઆત બધા મિત્રોને પૂછીને કરવાનો છું.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *