સ્વાસ્થ્ય માટે હાનિકારક કોનોકાર્પસનું વૃક્ષઃ શહેરોમાં જે સોસાયટીઓમાં છે તેની સામે પગલાં લેવાશે

અમદાવાદ, 26 ફેબ્રુઆરી 2024, કોનોકાર્પસને કારણે શ્વાસની તકલીફ, અસ્થમા, અલર્જી પણ થઈ શકે છે. કોનોકાર્પસથી થતી એલર્જીનાં લક્ષણો નાક, ગળા તેમજ શ્વાસનળીની આંતરિક ત્વચા પર થતા સોજાને કારણે જોવા મળે છે. એમાં નાકમાંથી પાણી પડવું, છીંકો આવવી, ગળામાં ખંજવાળ તેમજ ઉધરસ, કફ જેવી તકલીફો થવા લાગે છે. પલ્મોનોલોજિસ્ટ ડોક્ટરોનું કહેવું છે કે, અમારે ત્યાં કોનોકાર્પસની અસર થઈ હોય એવા પેશન્ટ આવે છે. આ વૃક્ષથી ચામડીમાં બળતરા, આંખમાં બળતરા થાય છે.વનવિભાગે તો આ વૃક્ષોના વાવતર પર પ્રતિબંધ ફરમાવી દીધો છે પણ શહેરોમાં જે સોસાયટીઓમાં આ પ્રકારના વૃક્ષો હોય અને કાપવામાં ના આવ્યા હોય તો તેની સામે પગલાં ના લેવા જોઈએ? જેનાથી લોકોની તંદુરસ્તી જોખમાતી હોય તે વૃક્ષો વાવનારી સોસાયટીઓએ પણ તેને કાપવાની ફરજ છે.

વન વિભાગે રોપાના વાવેતર પર પ્રતિબંધ મુક્યો
ગત વર્ષની 26 સપ્ટેમ્બરે ગુજરાતના વન વિભાગે પરિપત્ર બહાર પાડ્યો હતો. જેમાં જણાવાયું હતું કે, ગુજરાતમાં વિદેશી પ્રજાતિ કોનોકાર્પસના ઉછેરનો વ્યાપ વધી રહ્યો છે. આ પ્રજાતિની પર્યાવરણ અને માનવજીવન પર નકારાત્મક અસરો ધ્યાનમાં આવી છે.એનાં મૂળ જમીનમાં ઊંડે સુધી જતા હોવાથી નેટવર્ક કેબલ, ડ્રેનેજલાઈન અને પાણીની વ્યવસ્થાને નુકસાન પહોચાડે છે. આ વૃક્ષમાં શિયાળાની ઋતુમાં આવતા ફૂલોની પરાગરજો આસપાસના વિસ્તારમાં ફેલાય છે. જેને કારણે નાગરિકોમાં શરદી, ઉધરસ, અસ્થમા, એલર્જી જેવા રોગો થવાની શક્યતા રહે છે. જેથી ગુજરાતમાં આવેલી તમામ ખાતાકીય અને વન મહોત્સવ નર્સરીઓમાં કોનોકાર્પસના રોપા ઉછેરવા તેમજ વિસ્તારમાં આ પ્રજાતિના રોપાનું વાવેતર કરવા પર પ્રતિબંધ મૂકવામાં આવ્યો છે.

આવનારા સમયમાં ભૂગર્ભજળ માટે પણ મુશ્કેલી સર્જાશે
આ પરિપત્ર બહાર પડ્યા પછી અમદાવાદ મહાનગરપાલિકાનું તંત્ર જોઈએ એટલું જાગ્યું નથી. અમદાવાદમાં કોનોકાર્પસનાં 1707 વૃક્ષ જ કાપવામાં આવ્યા જ્યારે 21,284 હજી કાપવાના બાકી છે.સુરતમાં કોનોકાર્પસનાં બે લાખ વૃક્ષો છે. સુરત શહેરના ડિવાઈડરમાં જ 1,30 લાખ કરતાં વધુ કોનોકાર્પસના છોડ છે. વડોદરામાં કોનોકાર્પસ વૃક્ષોનો આંકડો 24 હજારને પાર છે.કોનોકાર્પસનાં મૂળ 500 મીટર દૂર પણ જમીનમાં પાણીનો સોર્સ હોય તો ત્યાં પહોંચી જાય છે અને પાણી શોષી લે છે.જો કોનોકાર્પસનું નિકંદન કાઢવામાં નહીં આવે તો જમીનની અંદરથી એટલું પાણી શોષી લેશે કે આવનારા સમયમાં ભૂગર્ભજળ માટે પણ મુશ્કેલી સર્જાશે.

ભારત જ નહીં અન્ય દેશોમાં પણ હાહાકાર
કોનોકાર્પસ આરબ દેશોમાં રણમાં તોફાન આવે તો એની રેતીને રોકવા માટે વવાય છે. ચેરનું ઝાડ જેમ દરિયાના પાણીને રોકે છે એમ કોનોકાપર્સ રણની રેતીમાં આવતા તોફાનને રોકે છે. કોનોકાર્પસની સમસ્યા ભારતમાં જ નહીં, પાકિસ્તામાં પણ ગંભીર બની છે. કરાચી અને ઇસ્લામાબાદમાં આ વૃક્ષોનું વાવેતર મોટે પાયે થયું છે. પાકિસ્તાનની કરાચી યુનિવર્સિટીમાં કોનોકાર્પસ વૃક્ષ પર સંશોધન થયું હતું જેમાં જાણવા મળ્યું કે કરાચીમાં અસ્થમાના દર્દીઓ વધારે છે અને એનું કારણ કોનોકાર્પસનાં વૃક્ષો છે.કુવૈત, કતાર અને યુએઈ જેવા દેશોએ એની આયાત પર અંકુશ કર્યો છે.

 

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *