@highlight : એક અછાંદસ – અસ્તિત્વની ખોજ
દીકરી, બહેન, પત્ની, માતા, સાસુ, નણંદ
અહાહા ! કેટકેટલી ઓળખાણો;
ને ખબર નહિ તોય જાણે શું શોધવા નીકળી છે ??
દર્પણની પેલે પાર મથી રહી હતી,
એ પોતાની તલાશમાં,
પણ આ શું ? એણે તો ભાળ્યો,
અસંખ્ય કાચનાં ટુકડાઓમાં વિખરાયેલો અરીસો,
કંઈકેટલાંય ટુકડાઓમાં નિહાળી રહી છે,
એ પોતાનું પ્રતિબિંબ.
આછી-આછી કરચલીઓ,
ને રાતોની રાતોનાં ઉજાગરાઓએ ભેટ આપેલાં,
આંખ નીચેનાં કાળા કુંડાળા,
ચાલીસી વટાવેલી ફરફરતી વાળની લટો વચ્ચે,
ક્યાંક ડોકાચિયું કાઢવા મથતી એ સફેદી,
થોડીક થાકેલી, થોડીક હારેલી,
ને તોય સ્વમાનભેર જીવવા ઝઝૂમતી,
એ આશાભરી આંખોને,
તૂટેલાં આ હજારો કાચનાં ટુકડાઓમાં,
હજીય દેખાય છે એનું મૂલ્ય,
એક-એક તૂટેલાં કાચનાં ટુકડાઓમાં,
ઝીલાતું એનું પ્રતિબિંબ,
એને પ્રતીતિ કરાવી રહ્યું છે કે;
અત્યાર સુધીની સફરમાં,
એણે એનું અસ્તિત્વ ખરેખર ટકાવ્યું છે ખરાં ?
હા ! આજે મનોમન સંકલ્પ કરી રહી છે,
કે દર્પણની પેલે પાર જઈ,
એક સ્ત્રીનાં અસ્તિત્વ પર પડેલાં ઉઝરડાંને,
હવે એ આમ દર્પણમાં વિખરાવા નહિ દે.
એના અસ્તિત્વનાં ટુકડાઓ સમેટી લેવા જેટલી સક્ષમતા,
એટલો આત્મવિશ્વાસ, એ આત્મસન્માન,
દર્પણની પેલે પારથી સાથે લઈને
‘ઝીલ’ આજે પાછી ફરી છે !!
– વૈભવી જોશી ‘ઝીલ’