ઘણા વર્ષો પહેલા એટલે કે વર્ષ 1448 માં મહારાષ્ટ્ના “પૈઠણ” ગામે પિતા સુર્યનારાયણ અને માતા રુક્મિણીના આંગણે પુત્રરત્નરૂપે એકનાથજીનો જન્મ થયો હતો. બાળપણથી તેઓ પ્રભુભક્તિ સાથે વણાયેલા હતા. તેમની ખ્યાતિ આખાય વિશ્વમાં ખૂબ પથરાયેલી હતી. ઘણા વર્ષો પહેલા કે જે જમાનામાં વાહનોની સુવિધા નહોતી ત્યારે લોકો પગપાળા ચાલીને ગંગાજીમાંથી કાવડામાં શુધ્ધ જળ ભરીને દક્ષિણ ભારતમાં આવેલા રામેશ્વર જ્યોતિર્લિંગ ઉપર ચડાવવાથી મોટું પુણ્ય કમાતા.
સંત એકનાથજી પણ ગંગાજીની યાત્રાએથી પાણીનો કાવડો ભરીને રામેશ્વર જ્યોતિર્લિંગ તરફ જતા હતા. રસ્તામાં તેમણે જોયું કે ભર ઉનાળે ધોમધખતા તડકાની વચ્ચે એક ગધેડો ગરમીથી ત્રાહિમામ થઈને લગભગ બેભાન થવાની અણી ઉપર પાણી માટે તડફડીયા મારતો હતો. સંત એકનાથજીએ એક પણ ક્ષણનો વિચાર કર્યા વિના પોતાનો કાવડો ખભેથી ઉતારીને તેની અંદર રહેલું તમામ ગંગાજળ જે અતિ દૂરથી પોતે અનેક કષ્ટ વેઠીને લાવ્યા હતા તે ખુશી ખુશીથી પીવડાવી દીધું. ગધેડાને શાંતિ વળતા તે ચાલવા લાગ્યો અને એ સમયે સંત એકનાથજીએ પોતાનો ખાલી કાવડો લઈને ગંગાજી તરફ પ્રયાણ કર્યું.
(ક્યાંક લખી રાખવા જેવું : ઈશ્વરસેવા કરતા જીવસેવાને અગ્રતા ક્રમ આપીએ તો તેમ ઈશ્વરનો પણ ભરપૂર રાજીપો હોય છે.)
👇🏻👇🏻👇🏻👇🏻👇🏻👇🏻👇🏻👇🏻👇🏻👇🏻👇🏻👇🏻
પ્રસંગ : ૨
સંત એકનાથજી એક વાર રસ્તામાં ક્યાંક જઈ રહ્યા હતા તેમણે જોયું તો રસ્તામાં લોકો સાપને મારી રહ્યા હતા. ત્યારે લોકોને અટકાવીને કહ્યું કે એ સાપ માત્ર એનો રસ્તો ઓળંગી રહ્યો છે તમને કરડતો નથી. તેનો જન્મ સાપ યોનીમાં થયો છે થયો છે તો શું થયું? તમે તેને નહિ મારો તો એ પણ તમને નહીં મારે અને જો એને પોતાના જીવનું જોખમ લાગશે તો એ ડરશે અને ડંખ મારશે. લોકોને એકનાથજીની વાત ઉપર વિશ્વાસ બેઠો અને એ સાપને છોડી મૂક્યો.
એ ઘટના બન્યાના થોડા દિવસ પછી એકનાથજી એક વખત વહેલી સવારના અંધારામાં નદીએ સ્નાન કરવા માટે જઈ રહ્યા હતા. રસ્તામાં સાપ ફેણ ચડાવીને ઉભો હતો. સંત એકનાથજી એ તેને હટાવવાના ઘણા પ્રયત્નો કર્યા પણ સાપ રસ્તામાંથી ખસ્યો જ નહીં. માટે તેને બીજા ઘાટ ઉપર સ્નાન કરવા માટે જવું પડ્યું.
સ્નાન કરીને તેઓ પરત આવે છે, એ સમયે અજવાળું થઈ ગયું હતું. તેથી તેને ઈચ્છા જાગી કે જ્યાં સાપ હતો ત્યાં છે કે નહીં એ જોવા માટે એ જગ્યાએ જાય છે. તો ત્યાં સાપ નહોતો પણ રસ્તાની આગળ વરસાદના લીધે એક મોટો ખાડો પડ્યો હતો. એકનાથજી ખાડામાં પડી ન જાય એટલા માટે તેને પાછા વાળવા માટે સાપ રસ્તા વચ્ચે ફેણ ચડાવીને ઉભો રહી ગયો હતો. એકનાથજી સમજી જાય છે કે એ દિવસે સાપને લોકોના મારથી બચાવ્યો હતો તેથી તેણે આજે પરોપકારનો બદલો વાળવા માટે પોતાને ખાડામાં પડતા બચાવી લીધા અને એનું રક્ષણ કર્યું.
(ક્યાંક લખી રાખવા જેવું : પરોપકાર કરનારને સ્વઉપકાર કરવાની જરૂર નથી પડતી. )
– ડૉ. અંકિતા મુલાણી “રીચ થિંકર”