નેતાઓ દર 5 વર્ષે જનતા પાસે જાય છે, ચૂંટણી થાય છે, બિહારમાં પણ આવું થાય છે, ક્યારેક ભાજપ હારે છે તો ક્યારેક આરજેડી-કોંગ્રેસ હારે છે. આ બધા વચ્ચે નીતિશ કુમાર દર વખતે હાર્યા પછી પણ જીતે છે! ભારતીય રાજનીતિમાં આવું ઉદાહરણ જોવા નહીં મળે! નીતિશ કુમારનો ભૂતકાળ એવું કહે છે જ્યાં તેને મંત્રીપદ કે ખુરશી મળે તેની સાથે એ સરકારમાં જાય છે! રસપ્રદ વાત એ છે કે નીતિશની પાર્ટી ભલે ત્રીજા નંબરની પાર્ટી હોય છતાં સીએમ નીતિશ જ બને છે! કેન્દ્રમાં નીતીશને જ મંત્રી પદ મળે છે. આ વખતે એકજુટ થઈ રહેલો વિપક્ષ નીતીશ અને મમતાના વડપણમાં જેપીના આંદોલનની માફક બિહારથી બ્યુગલ ફૂંકીને 2024માં ભાજપને ઝીરો કરવાના સપના જોવા લાગ્યા છે, પણ ભૂતકાળ તપાસવામાં આવે તો મમતા અને ‘પલટુરામ’ના ભરોસે વિપક્ષનો સંઘ કાશી પહોંચશે કે કેમ એ કહેવું મુશ્કેલ છે.
—————————————————————
બિહારના મુખ્ય પ્રધાન નીતિશ કુમાર 24 એપ્રિલ, સોમવારે કોલકાતા પહોંચ્યા હતા. 2024ની લોકસભા ચૂંટણીમાં સત્તાધારી પક્ષ ભાજપ વિરુદ્ધ વિપક્ષી પક્ષોને એક કરવામાં તેઓ વ્યસ્ત હતા. અહીં તેઓ બંગાળના સીએમ મમતા બેનર્જીને મળ્યા હતા. આ દરમિયાન આરજેડી નેતા અને બિહારના ડેપ્યુટી સીએમ તેજસ્વી યાદવ પણ હાજર હતા. બેઠક બાદ મમતા બેનર્જીએ કહ્યું કે તમામ સમાન વિચારધારાવાળા પક્ષોએ એકજૂથ થઈને ભાજપ સામે લડવું પડશે.
મમતા બેનર્જીએ કહ્યું કે, આવનારી ચૂંટણીમાં તમામ વિપક્ષી પાર્ટીઓ સાથે મળીને ભાજપ સામે લડશે. અમારો કોઈ વ્યક્તિગત અહંકાર નથી, અમે સામૂહિક રીતે કામ કરવા માગીએ છીએ. મેં નીતિશ કુમારને વિનંતી કરી છે કે જે રીતે જયપ્રકાશ જીનું આંદોલન બિહારનું હતું, તો આપણે બિહારમાં સર્વપક્ષીય બેઠક યોજવી જોઈએ. આપણે સંદેશ આપવો પડશે કે આપણે બધા સાથે છીએ. હું ઈચ્છું છું કે ભાજપ ઝીરો થઈ જાય. મીડિયાના સમર્થન અને જુઠ્ઠાણાથી તેઓ (ભાજપ) મોટા હીરો બની ગયા છે.
વિપક્ષ જેપી આંદોલનની માફક 2024માં ભાજપને પછાડવાની રણનીતિ ગાડી રહ્યો છે ત્યારે પહેલા એ સમજીએ કે જેપી આંદોલન શું હતું અને તેમાં નીતિશ કુમારની ભૂમિકા શું હતી? જેપી આંદોલન દરમિયાન બિહારમાં યુવા આંદોલનકારીઓની મોટી ખેપ તૈયાર કરવામાં આવી હતી. આ ખેપમાં નીતિશ કુમાર હતા, લાલુ પણ હતા, પાસવાન પણ હતા, શરદ કુમાર પણ હતા. જનતા પાર્ટી 1988માં જનતા દળ બની અને પછી જનતા દળ પણ અલગ થઈ ગયું, છેલ્લા ત્રણ દાયકાથી બિહારની રાજનીતિ લાલુ યાદવ અને નીતીશ કુમારની આસપાસ ઘૂમી રહી છે. બંનેએ એકસાથે રાજકારણમાં ઝંપલાવ્યું હતું. બંને લાંબા સમય સુધી સાથે હતા. બંને વચ્ચે લાંબા અંતરનો ઈતિહાસ પણ છે. તે ઇતિહાસ શું છે?
કોંગ્રેસના એકછત્ર શાસનનો અંત લાવી 90ના દાયકાની શરૂઆત સુધી બંને જનતા દળના ચક્ર હેઠળ રાજકારણ કરતા હતા. એ વખતે ચક્ર જનતા દળનું ચૂંટણી પ્રતીક હતું. એ સમયગાળો લાલુ યાદવના જલજલાનો હતો. તેઓ બિહારના સીએમ હતા અને નીતિશ કુમારનું કદ સામાન્ય નેતા જેવું હતું.
31 ઓક્ટોબર, 1994ના રોજ પટણાના ગાંધી મેદાનમાં એક મોટી રેલી યોજાઈ અને જનતા દળ(જ)નું નામ બદલીને સમતા પાર્ટી રાખવામાં આવ્યું હતું. ચૂંટણી ચિહન તરીકે મળ્યું સળગતી મશાલ. લાલુ અને નીતિશના રસ્તા તે વખતે પહેલીવાર અલગ થયા હતા.
એ પછી વર્ષ 2000ની આસપાસ બિહારમાં ભાજપ સાથે નીતિશ કુમારની રાજનીતિ વધી રહી હતી. નીતિશે 1998માં વાજપેયી સરકારમાં રેલવે મંત્રીનું પદ પણ સંભાળ્યું હતું. વર્ષ 2000 એ વર્ષ હતું, જ્યારે નીતિશ કુમાર પ્રથમ વખત બિહારના મુખ્યમંત્રી બન્યા હતા, માત્ર 7 દિવસ માટે. બહુમતી ન હતી, સરકાર ટકી ન શકી.
ચૂંટણીઓ થઈ ત્યારે 2001માં આરજેડી ફરી જીતી, રાબડી દેવી સીએમ બન્યા. નીતિશે પાછળથી કેન્દ્રની રાજનીતિ શરૂ કરી. ફરી એકવાર વાજપેયી સરકારમાં રેલવે મંત્રી બની ગયાં હતાં. બિહારમાં વિપક્ષમાં રહ્યા અને ભાજપ સાથે રાજનીતિ કરતા રહ્યા. 2005ની વિધાનસભા ચૂંટણીમાં જેડીયુ અને ભાજપના ગઠબંધનને બમ્પર જીત મળી, નીતિશ કુમાર બીજી વખત અને આ વખતે પૂરી તાકાતથી બિહારના મુખ્યમંત્રી બન્યા હતા. જનતાને નીતિશનું કામ ગમી ગયું અને ગાડી દોડવા લાગી હતી. 2010માં ફરી જીત્યા હતા.
1996થી ચાલી રહેલા નીતિશ-ભાજપના પ્રેમપ્રકરણમાં પ્રથમ અણબનાવ વર્ષ 2013માં આવ્યો હતો. 17 વર્ષનું ગઠબંધન પહેલીવાર નરેન્દ્ર મોદીના નામે તૂટ્યું હતું! ત્યારે ભાજપે નરેન્દ્ર મોદીને વડાપ્રધાન પદના ઉમેદવાર જાહેર કર્યા હતા. આનાથી નારાજ નીતિશ કુમાર ભાજપથી અલગ થઈ ગયા હતા. ત્યારે નીતિશની જેડીયુ પાસે 116 ધારાસભ્યો હતા. બિહારમાં બહુમતનો આંકડો 122 છે. કોઈ સપોર્ટની જરૂર નહોતી, અહીંત્યાંથી મેનેજ કરી લીધું હતું.
ખરખર નીતિશ કુમારનો મોદી સાથે નારાજગીના સંબંધોનો એક ઈતિહાસ છે. હકીકતમાં ગુજરાતના 2002ના રમખાણો પછી નીતિશ કુમારે ગુજરાતના તત્કાલિન સીએમ નરેન્દ્ર મોદીથી પોતાને દૂર કરી લીધા હતા. નીતિશને મુસ્લિમ મતો વેરવિખેર થવાની ભીતિ હતી. વર્ષ 2009માં બંનેના અંતરને દૂર કરતી એક તસવીર સામે આવી હતી.
પંજાબના લુધિયાણામાં એનડીએની રેલી દરમિયાન મોદી, નીતિશ કુમાર હાથમાં હાથ નાખી ઊંચા કરતા જોવા મળ્યા હતા. બંનેના ચહેરા પર સ્મિત હતું. એવું લાગતું હતું કે હવે આ અંતર સમાપ્ત થઈ ગયું છે, પરંતુ એવું ન હતું. 2010ની વિધાનસભા ચૂંટણીમાં ભાજપ ઇચ્છતો હતો કે નરેન્દ્ર મોદી સ્ટાર પ્રચારક તરીકે બિહારમાં પ્રચાર કરે, પરંતુ નીતિશે ત્યારે આવું થવા દીધું ન હતું. કારણ ફરી એ જ હતું કે, મોદી પ્રચાર કરશે તો મુસ્લિમ મતો વેરવિખેર થવાનો ડર હતો.
આ વિશેનો એક દિલચસ્પ કિસ્સો છે. વર્ષ 2008માં બિહારમાં પૂર આવ્યું હતું. ગુજરાતની નરેન્દ્ર મોદી સરકારે બિહારને 5 કરોડ રૂપિયાની મદદ કરી હતી. આ વાત અંદર જ હતી, બહાર આવી નોહતી. 10 મે, 2010ના રોજ ચૂંટણી પહેલા બિહારમાં રાષ્ટ્રીય કાર્યકારિણીની બેઠક યોજાવાની હતી. એ જ સભાની સવારે નરેન્દ્ર મોદી અને નીતિશ કુમારનો એક જ ફોટો અખબારોમાં છપાયો અને ગુજરાતે બિહારને પૂરમાં આપેલી મદદનો પ્રચાર કરવામાં આવ્યો હતો.
મજાની વાત તો એ છે કે, આ જાહેરાત કોણે છાપી તે આજ સુધી જાણી શકાયું નથી, પરંતુ કહેવાય છે કે નીતિશ કુમાર આનાથી નારાજ થઈ ગયા હતા. તેણે આ જાહેરાતને તેમનાં પર અહેસાન કરાયું હોવાનું માની લીધું હતું. તે જ દિવસે નીતિશે ડિનર પાર્ટીનું આયોજન કર્યું હતું, જે રદ કરવામાં આવ્યું હતું. નીતિશ કુમારે ગુજરાતને 5 કરોડનો ચેક પણ પરત કર્યો હતો. ત્યાંથી બંને વચ્ચેનો વિવાદ વકર્યો હતો. જેને 2013માં બંને વચ્ચેની તિરાડના રૂપમાં જોવામાં આવ્યો હતો..
ભાજપ અને જેડીયુએ 2014ની ચૂંટણી પણ અલગ લડી હતી. પીએમ પદના ઉમેદવાર નરેન્દ્ર મોદીની રેલી 27 ઓક્ટોબર, 2013ના રોજ પટણાના ગાંધી મેદાનમાં યોજાઈ હતી. ત્યાં મોદીએ બધો રોષ ઠાલવ્યો હતો, કહ્યું – જે જેપીને છોડી શકે, તે ભાજપને કેમ ન છોડી શકે. આ ઉપરાંત મોદીએ ઘણું બધું કહ્યું હતું. નીતિશ કુમારે પણ ભાજપ પર પ્રહાર કરવાની એક પણ તક જતી કરી ન હતી. નીતિશ કુમારે નારાજગી સાથે કહ્યું, તેઓ માટીમાં મળી જશે પણ ભાજપ સાથે નહીં જાય. નીતિશ કુમારે ભાજપ નેતા નંદકિશોરના નિવેદનના જવાબમાં આ નિવેદન આપ્યું હતું. ત્યારે એવી રીતે બોલ્યાં હતા કે લાગતું હતું નીતિશનું આ નિવેદન પથ્થરની લકીર બની જશે, પણ એવું ન થયું.
આરજેડીએ 2015ની વિધાનસભા ચૂંટણી કોંગ્રેસ સાથે મળીને લડી હતી. આ દરમિયાન નીતિશના ડીએનએ પર પણ પીએમ મોદીએ સવાલો ઉઠાવ્યા હતા. નીતિશે પણ ઘણું ખરુંખોટું સંભળાવ્યું હતું. 2017 સુધીમાં પરિસ્થિતિ ફરી બદલાઈ ગઈ! અંતરાત્માનો અવાજ નીતિશબાબુને અંદરથી પરેશાન કરવા લાગ્યો, સત્ય ફરી મુશ્કેલીમાં આવવા લાગ્યું. હારી ના જવાય એ માટે ફરી પક્ષ બદલવાનો સમય આવી ગયો હતો. તમને યાદ હશે, એ દરમિયાન આઈઆરસીટીસી કેસમાં લાલુ પરિવાર પર દરોડા પાડવામાં આવ્યા હતા, જમીન કૌભાંડમાં તેજસ્વી યાદવનું નામ સામે આવ્યું હતું. અને પછી નીતિશ કુમારે ફરી ભ્રષ્ટાચારના મુદ્દાને ટાંકીને લાલુનો પક્ષ છોડી દીધો હતો. નીતિશ જે એવું કહેતા હતા કે તેઓ માટીમાં મળી જશે, પણ ભાજપ સાથે નહીં આવે, તેઓએ યુ-ટર્ન લઈને ફરી ભાજપમાં જોડાઈ ગયા હતા!
એ વખતે નીતિશ કુમારનું એક નિવેદન ખૂબ પ્રખ્યાત થયું – અંતરાત્માનો અવાજ. ચાર વર્ષના રિસામણાં પછી નીતિશ ભાજપ સાથે ગયા ત્યારે ભાજપે પણ ખુલ્લા દિલે સ્વાગત કર્યું હતું. ત્યાર પછી આરજેડી કેમ્પે નીતિશનું નામ ‘પલટુરામ’ રાખ્યું હતું. લાલુએ નીતિશને કાંચળી બદલતાં સાપની ઉપમા આપી હતી! આરજેડી સમર્થકોએ કહ્યું કે – જનાદેશનું અપમાન થયું છે.
હવે ફરી એકવાર સમયે કાંટો બદલ્યો છે અને નીતિશ કુમારે પક્ષ! ડાયલોગ સેઇમ છે, પાત્રો બદલાઈ ગયા છે. 2017માં આરજેડી કહેતી હતી કે જનાદેશનું અપમાન થયું છે, હવે ભાજપ કહે છે કે જનાદેશનું અપમાન થયું છે. ત્યારે આરજેડી ‘પલટુરામ’ કહેતી હતી, હવે ભાજપ નીતિશને ‘પલટુરામ’ કહી રહી છે. સંજોગો સાથે લાગણીઓ બદલાઈ છે. હવે નીતિશ વિરોધપક્ષને એક કરવા નીકળ્યા છે! મળતી માહિતી મુજબ કોલકાતા બાદ નીતિશ કુમાર પણ મોડી સાંજ સુધી લખનઉ જશે, જ્યાં તેઓ સમાજવાદી પાર્ટીના અધ્યક્ષ અખિલેશ યાદવને મળશે. અગાઉ નીતીશ કુમાર મહિનાની શરૂઆતમાં કોંગ્રેસ અધ્યક્ષ મલ્લિકાર્જુન ખડગેના દિલ્હીમાં નિવાસસ્થાને ગયા હતા અને રાહુલ ગાંધી સહિત કોંગ્રેસના વરિષ્ઠ નેતાઓને મળ્યા હતા. આ પછી તેઓ દિલ્હીના સીએમ અને આપના કન્વીનર અરવિંદ કેજરીવાલને પણ મળ્યા હતા.
બીજી તરફ ગયા મહિને કોલકાતામાં સમાજવાદી પાર્ટીની રાષ્ટ્રીય કાર્યકારિણીની બેઠક દરમિયાન અખિલેશ અને મમતા બેનર્જી પણ મળ્યા હતા. જોકે, બેઠક બાદ મમતાએ કહ્યું હતું કે – ટીએમસી 2024ની ચૂંટણી એકલા હાથે લડશે, પરંતુ આ પછી મમતા થોડા દિવસો પહેલા ઓડિશાના સીએમ નવીન પટનાયક અને કર્ણાટકના પૂર્વ સીએમ એચડી કુમારસ્વામીને પણ મળ્યા હતા, જ્યારે આરજેડી નેતા તેજસ્વી યાદવ પણ વિપક્ષી પાર્ટીઓને એક કરવાની કવાયતમાં થોડા મહિના પહેલા તેલંગાણાના સીએમ કેસીઆરને મળ્યા હતા.
વિપક્ષ અને એમાં પણ નીતીશ અને મમતા જેપીના આંદોલનની માફક બિહારથી બ્યુગલ ફૂંકીને 2024માં ભાજપને ઝીરો કરવાના સપના જોવા લાગ્યા છે, પણ ભૂતકાળ તપાસવામાં આવે તો મમતા અને ‘પલટુરામ’ના ભરોસે વિપક્ષનો સંઘ દ્વારકા પહોંચશે કે કેમ એ કહેવું મુશ્કેલ છે.