રાજપીપલા આર્ટસ સાયન્સ કોલેજમાં કોલેજના વિદ્યાર્થીઓ દ્વારા અનોખો વેલેન્ટાઈન દિવસ ઉજવાયો
ગુલાબના ફૂલો પોતાની પ્રિયતમાને નહીં પણ જ્ઞાન આપનાર કોલેજના પ્રિન્સિપાલ અને પ્રાધ્યાપક ગુરુજનોને ગુલાબના ફૂલ આપી ગુરુવંદના કરી
રાજપીપલા, તા.14
શ્રી એમ. આર. આર્ટ્સ એન્ડ સાયન્સ કૉલેજ રાજપીપલા ખાતે આજે કોલેજના વિદ્યાર્થીઓ દ્વારા અનોખો વેલેન્ટાઈન દિવસ ઉજવાયો હતો.જેમાં ગુલાબના ફૂલો પોતાની પ્રિયતમાને નહીં પણ જ્ઞાન આપનાર કોલેજના પ્રિન્સિપાલ અને પ્રાધ્યાપક ગુરુજનોને ગુલાબના ફૂલ આપી ગુરુવંદના કરી હતી.
આજે 14મી ફેબ્રુઆરી ના રોજ ગુરુવંદના, વસંત પંચમી નિમિત્તે સરસ્વતી વંદના અને પુલવામાં અટેક નાં શહીદોને શ્રદ્ધાંજલિ નો કાર્યક્રમ યોજાયો હતો. સામાન્ય રીતે 14 ફેબ્રુઆરી ને વેલેન્ટાઈન ડે તરીકે આખા વિશ્વમાં ઉજવવામાં આવે છે, ત્યારે વિદ્યાર્થીઓ ભારતીય સંસ્કૃતિ અને ઇતિહાસ ની નજીક આવે તે આશયથી આ ત્રિવેણી સંગમ ઉજવવામાં આવ્યો હતો. કાર્યક્રમ ની શરૂઆત સરસ્વતી વંદનાથી કરવામાં આવી હતી. ત્યાર બાદ એન.સી..સી. ના અને કોલેજ ના તમામ વિદ્યાર્થીઓ એ પુલવામાં હુમલામાં શહીદ થયેલા જવાનોને યાદ કરી બે મિનિટ મૌન પાડયું હતું. જવાનોની શહાદતને યાદ કરતી રંગોળી વિદ્યાર્થીઓ એ કરી હતી. ત્યાર બાદ વિદ્યાર્થીઓ એ સર્વ ગુરુજનો ને પુષ્પ અર્પણ કરી વેલેન્ટાઈન ડે ની ઉજવણી ભારતીય સંસ્કૃતિ ને અનુરૂપ કરી હતી. કોલેજના પ્રાચાર્ય ડૉ શૈલેન્દ્રસિંહ માંગરોલાએ કોલેજના વિદ્યાર્થીઓની પ્રશંશા કરી હતી અને આ પરંપરા આગળ ધપાવવા વિદ્યાર્થીઓને આહવાન કર્યું હતું.
તસ્વીર :દીપક જગતાપ, રાજપીપલા