*ભારતીય સેનાના ડેઝર્ટ કોરની કાર રેલી અભિયાનને લીલી ઝંડી બતાવી કરાયો પ્રારંભ*
અમદાવાદ: કોણાર્ક “વિજય દિવસ”ની ઉજવણીના ભાગ રૂપે, 07 ડિસેમ્બર 2023ના રોજ જેસલમેરથી કાર રેલી અભિયાનને લીલી ઝંડી બતાવીને તેનો પ્રારંભ કરવામાં આવ્યો હતો. રણ ક્ષેત્રમાં 1971ના યુદ્ધમાં પાકિસ્તાન પર વિજય મેળવ્યાના 52 વર્ષની ઉજવણી માટે યોજવામાં આવેલા શ્રેણીબદ્ધ કાર્યક્રમોના ભાગરૂપે આ રેલીનું આયોજન કરવામાં આવ્યું છે.
આ રેલીની ટીમમાં ભારતીય ભૂમિસેના, ભારતીય વાયુસેના, ભારતીય નૌકાસેના, સીમા સુરક્ષા દળ અને નાગરિક પ્રશાસનની 12 કાર અને કર્મચારીઓ સામેલ થયા છે; આથી 1971ના યુદ્ધમાં ભાગ લેનાર તમામ ગણવેશધારી સેવાઓ અને નાગરિક સેવાઓના કર્મચારીઓનું અનોખું સંયોજન આ રેલીમાં તૈયાર થયું છે. જેસલમેરમાં ભવ્ય ધામધૂમ વચ્ચે આ મહત્વપૂર્ણ કાર રેલીને ઝંડી બતાવીને રવાના કરવામાં આવી હતી, જે આપણા સશસ્ત્ર દળોના શૌર્ય અને આપણા રાષ્ટ્રની એકતાનું સન્માન કરતી ઐતિહાસિક યાત્રાનો સૂર નિર્ધારિત કરે છે.
આ રેલીના બે દિવસમાં, ટીમે “ગોલ્ડન સિટી” ઓફ જેસલમેર, આઇકોનિક મુનાબાઓ ગામના જાલિપાથી પસાર થઇને કુલ 600 કિલોમીટરનું અંતર કાપ્યું હતું અને નડા બેટના ઐતિહાસિક પ્રદેશમાં સમાપન કર્યું હતું. 1971ના યુદ્ધમાં નડા બેટે મુખ્ય ભૂમિકા ભજવી હતી, જ્યાં BSFએ દુશ્મનોને ન માત્ર રોક્યા હતા પરંતુ દુશ્મનની 15 ચોકીઓ પણ કબજે કરી લીધી હતી.
ટીમે પ્રતિષ્ઠિત મુનાબાઓ ગામના પર તેમનો પ્રથમ વિરામ કર્યો હતો. આ સ્થળ આપણા નાયકો દ્વારા રચવામાં આવેલી શૌર્ય અને વિજયની ગાથાનો પડઘો પાડતું સ્થાન છે. ગામના ઉત્સાહી વિદ્યાર્થીઓએ ટીમની યજમાની કરી હતી અને બાડમેર ખાતેની પીજી કોલેજમાં યોજવામાં આવેલા કાર્યક્રમમાં તેમણે કલાત્મકતા સાથે રજૂ કરેલા સાંસ્કૃતિક પ્રદર્શન દ્વારા સૌ કોઇને મંત્રમુગ્ધ કરી દીધા હતા. આ કાર્યક્રમમાં બાડમેરના પોલીસ અધિક્ષક, BSFના DIG અને બાડમેરના ડિસ્ટ્રિક્ટ મેજિસ્ટ્રેટ પણ ઉપસ્થિત રહ્યા હતા.
એક વરિષ્ઠ સૈન્ય અધિકારીએ સ્થાનિક લોકોમાં જાગૃતિ ફેલાવવા માટે 1971ના યુદ્ધમાં ભારતના ઐતિહાસિક વિજય અંગે પોતાનું વક્તવ્ય આપ્યું હતું. એક મહિલા અધિકારીએ ગામડાના યુવાનોને જેમાં ખાસ કરીને છોકરીઓને સશસ્ત્ર દળોમાં જોડાવા માટે અને આ પ્રકારે તેઓ એકીકૃત અને સુરક્ષિત રાષ્ટ્ર માટે પોતાનું યોગદાન આપે તે માટે પ્રેરક સંવાદ કર્યો હતો. દેશના નાયકોના સન્માનમાં પુષ્પાંજલિ અર્પણ સમારોહમાં પણ મોટી સંખ્યામાં લોકો ઉપસ્થિત રહ્યા હતા.
આ કાર્યક્રમને 04 નિવૃત્ત યુદ્ધ જવાનો અને એક વીરનારીએ ઉપસ્થિત રહીને શોભાવ્યો હતો જેમણે આ સાંજને યાદગાર બનાવી હતી. રાષ્ટ્ર પ્રત્યેની તેમની અજોડ સેવા બદલ મુખ્ય અતિથિ દ્વારા તેઓનું સન્માન કરવામાં આવ્યું હતું. આ કાર્યક્રમ દરમિયાન હાજર સ્થાનિક નિવૃત્ત સૈનિકો સાથે યાદગાર સંવાદ સાથે દિવસનું સમાપન થયું હતું અને કાર રેલીની ટીમે આ બહાદુર સૈનિકો પ્રત્યે તેમની કૃતજ્ઞતા વ્યક્ત કરી હતી.
કાર રેલીના અંતિમ દિવસની શરૂઆત જાલિપા ગામ ખાતે NCC કેડેટ્સ દ્વારા સહભાગીઓના અભિવાદન સાથે કરવામાં આવી હતી. કાર રેલીની ટીમે લોકોમાં રાષ્ટ્રીય એકતાનો સંદેશ ફેલાવા માટે કૂચ કરી હતી. આ ટીમે જાલિપાથી નડાબેટના ઐતિહાસિક પ્રદેશ સુધી 274 કિલોમીટરનું અંતર આવરી લીધું હતું જ્યાં બહાદુર સૈનિકોની ગાથા હજુ પણ આપણા સશસ્ત્ર દળો, કેન્દ્રીય સશસ્ત્ર પોલીસ દળો અને નાગરિક પ્રશાસનના શૌર્ય અને વિજયની ગાથાઓ ગુંજી ઉઠે છે અને તેને વર્ણવે છે.
ભાવનાત્મક ફ્લેગ-ઇન સમારંભ સાથે ભવ્ય સમાપન થયું હતું, જેણે લોકોને દેશભક્તિ અને આપણા દેશના નાયકો પ્રત્યે કૃતજ્ઞતાની ઉજવણીમાં જોડ્યા હતા. BSF દ્વારા સીમા દર્શન નડાબેટ ખાતે ફ્લેગ રીટ્રીટ સેરેમની અને 1971ના યુદ્ધમાં ભારતની જીતની ઉજવણી કરવા માટે ત્યાં ઉપસ્થિત રહેલા નિવૃત્ત સૈનિકો સાથે કાર રેલીની ટીમ દ્વારા સંવાદ સાથે આ કાર્યક્રમનું સમાપન થયું હતું. મોટી સંખ્યામાં નાગરિકોએ દેશભક્તિના નારા લગાવ્યા હોવાથી વાતાવરણ ગુંજી ઉઠ્યુ હતું અને દરેકના હૃદયમાં જીવનભરની યાદગાર ક્ષણ છોડી હતી.