*પીએમ મોદીની પ્રેરક ઉપસ્થિતિમાં ગાંધીનગરના ખાતે ‘RE-INVEST-2024’ સમિટ ઍન્ડ એક્ષ્પોનો શાનદાર પ્રારંભ*

*પીએમ મોદીની પ્રેરક ઉપસ્થિતિમાં ગાંધીનગરના ખાતે ‘RE-INVEST-2024’ સમિટ ઍન્ડ એક્ષ્પોનો શાનદાર પ્રારંભ*

ગાંધીનગર:  ચોથી ગ્લોબલ રિન્યૂએબલ એનર્જી ઇન્વેસ્ટર્સ મિટ અને એક્ષ્પોનો ગાંધીનગરના મહાત્મા મંદિર ખાતેથી શુભારંભ કરાવતા વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ ઊર્જાના ભવિષ્ય, ટેક્નોલૉજી અને પોલિસીનિર્માણના ચિંતન પર્વ તરીકે ગણાવતા જણાવ્યું હતું કે એકબીજાના અનુભવ આધારિત આ વિચારમંથન વૈશ્વિક માનવતાના કલ્યાણ માટે લાભદાયી બનશે.

આ પણ વાંચો: *અંબાજી મેળામાંથી એલસીબીએ ઝડપી ડુપ્લીલેટ ચલણી નોટ*

વડાપ્રધાનએ જણાવ્યું હતું કે, દેશમાં ૬૦ વર્ષ પછી જનતાએ કોઈ સરકારને સતત ત્રીજી વખત સત્તાનું સુકાન સોંપ્યું છે, એ જ દર્શાવે છે કે ૧૪૦ કરોડ દેશવાસીઓને સરકાર પર ભરોસો છે. કેન્દ્ર સરકારના છેલ્લાં ૧૦ વર્ષના સુશાસનમાં દેશના યુવાનો-મહિલાઓની આકાંક્ષાઓને જે પાંખો મળી છે, તેને નવી દિશાની ઉડાન માટે પ્રેરક બળ મળી રહેશે. દેશના ગરીબ, દલિત, શોષિત, પીડિત અને વંચિતોને ભરોસો છે કે તેમના ગરિમાપૂર્ણ જીવનનો પાયો બનશે.

વિશ્વની ત્રીજી સૌથી મોટી આર્થિક સત્તા બનવા તરફ અગ્રેસર થવા માટે સમગ્ર દેશ આજે સંકલ્પબદ્ધ થઈને કામ કરી રહ્યો છે. ત્યારે આજની ઈવેન્ટ ૨૦૪૭માં વિકસિત ભારતના નિર્માણની સ્વપ્નસિદ્ધી તરફના પ્રયાણનો મક્કમ નિર્ધાર છે, જે સરકારની ત્રીજી ટર્મના પ્રથમ ૧૦૦ દિવસના કાર્યકાળમાં પ્રતિબિંબિત થાય છે. જેમાં દેશના વિકાસ માટે મહત્ત્વપૂર્ણ એવા તમામ સેક્ટર્સ અને ફેક્ટર્સને પ્રધાન્ય આપવામાં આવ્યું છે, જે માત્ર ટ્રેલર સમાન છે.

વડાપ્રધાનએ આ તકે જણાવ્યું કે કેન્દ્ર સરકાર દેશના દરેક પરિવારને છત મળે એ માટે મક્કમ છે. જેના માટે કેન્દ્ર સરકારે ૭ કરોડ આવાસ નિર્માણનું લક્ષ્ય નિર્ધારિત કર્યું છે. જેમાંથી ગત ૧૦ વર્ષ દરમિયાન ચાર કરોડ આવાસોનું નિર્માણ કરવામાં આવ્યું છે. જ્યારે આ ત્રીજી ટર્મમાં વધુ ત્રણ કરોડ આવાસોનું નિર્માણ કરવામાં આવનાર છે.

આ પણ વાંચો: *ખાસ સમાચાર*

કેન્દ્ર સરકારના પ્રથમ ૧૦૦ દિવસમાં ૧૨ નવા ઇન્ડસ્ટ્રીયલ સિટી, ૮ હાઇસ્પીડ રોડ કોરિડોર, ૧૫થી વધુ સેમિ હાઇસ્પીડ મેડ ઇન ઇન્ડિયા વંદે ભારત ટ્રેન લૉન્ચ થઈ ચૂકી છે. તદુપરાંત, હાઈપરફોર્મન્સ બાયો મેન્યુફેક્ચરિંગને પ્રોત્સાહન આપવા માટે એક ટ્રિલિયન રૂપિયાનું રિસર્ચ ફંડ ફાળવવામાં આવ્યું છે તેમજ ગ્રીન એનર્જી ક્ષેત્રે ઑફશોર વિન્ડ માટેની યોજના અંતર્ગત રૂ. ૭,૦૦૦ કરોડનો ખર્ચ થશે. જ્યારે ૩૧ હજાર મેગાવૉટ હાઇડ્રોપાવર જનરેશન માટે રૂ. ૧૨,૦૦૦ કરોડથી વધુનો ખર્ચ થશે.

દેશની ડાયવર્સિટી, કેપેસિટી, સ્કેલ, પોટેન્શિયલ, પરફોર્મન્સ – આ તમામ બાબતોને યુનિક ગણાવી, વડાપ્રધાનએ ઇન્ડિયન સોલ્યુશન ફોર ગ્લોબલ એપ્લિકેશનનો મંત્ર આપતાં જણાવ્યું હતું, કે દુનિયા આ બાબતને બરાબર સમજે છે. આજે ભારતમાં ગ્લોબ ફિનટેક ફેસ્ટ, ગ્લોબલ સેમિકંડક્ટર સમિટ, સોલાર ફેસ્ટિવલ, સિવિલ એવિએશન મિટ, જેવા વૈશ્વિક આયોજનો થઈ રહ્યા છે.

વડાપ્રધાનએ ગૌરવ વ્યક્ત કરતાં જણાવ્યું હતું કે, આ જ ગુજરાતની ધરતી શ્વેત ક્રાંતિ, મધુ ક્રાંતિ બાદ સૌરક્રાંતિની પણ પ્રણેતા બની છે. ગુજરાતે જ દેશમાં સૌ પ્રથમ સોલાર પાવર પોલિસી બનાવવા અને ક્લાયમેટ ચેન્જના વિભાગો શરૂ કરવાની પહેલ કરી છે. આ મહાત્મા ગાંધીની એ ભૂમિ છે, જેમણે વર્ષો પહેલાં મિનિમમ કાર્બન ફૂટ પ્રિન્ટયુક્ત જીવનનું ઉદાહરણ આપી, સમગ્ર વિશ્વનું ધ્યાન પર્યાવરણ રક્ષા તરફ દોર્યું હતું, જ્યારે દુનિયામાં કોઈ ક્લાયમેટ ચેન્જની ચર્ચા પણ નહોતું કરતું.

‘ગ્રીન ફ્યુચર, નેટ ઝીરો’ એ શબ્દો ભારત માટે કોઈ ફેન્સી વર્ડ્ઝ નથી, પરંતુ તે ભારતની જરૂરિયાત છે, કમિટમેન્ટ છે. જે દર્શાવે છે કે ભારત સમગ્ર માનવજાતની ચિંતા કરે છે અને સમગ્ર વિશ્વને રાહ ચીંધતા જવાબદારીપૂર્વકના અનેક પગલાં પણ લીધાં છે. જેના માધ્યમથી આગામી સેંકડો વર્ષનો પાયો તૈયાર કરવામાં આવી રહ્યો છે.

તેમણે દૃઢતાપૂર્વક જણાવ્યું હતું કે ભારત ટોચ પર પહોંચવા માટેજ નહીં, પરંતુ ટોચ પર સતત ટકી રહેવા માટે પુરુષાર્થ કરી રહ્યો છે. આપણને ખબર છે કે આપણી પાસે ઓઇલ-ગેસના ભંડારો નથી, એટલે સોલાર, વિન્ડ, ન્યૂક્લિયર અને હાઇડ્રો પાવર પર ધ્યાન કેન્દ્રિત કરી, ઉજ્જવળ ભવિષ્યના નિર્માણનનો સંકલ્પ કર્યો છે. તેમણે એમ પણ ઉમેર્યું હતું કે જી-20 સમિટમાં ભારત જ એકમાત્ર એવો દેશ છે, જેણે પેરિસના ક્લાયમેટ કમિટમેન્ટને નિર્ધારિત સમયના નવ વર્ષ પહેલાં જ હાંસલ કરી, વિકસિત દેશો પણ ન કરી શકે, તેવી સિદ્ધી મેળવી છે.

વડાપ્રધાનએ વધુમાં જણાવ્યું હતું કે, વર્ષ ૨૦૩૦ સુધીમાં ભારતની રિન્યુએબલ એનર્જી કેપેસીટી ૫૦૦ ગીગાવોટ સુધી પહોંચાડવા માટે ગ્રીન ટ્રાન્ઝીશનને જન આંદોલન બનાવવામાં આવ્યું છે. સોલાર રૂફટોપ માટેની “પી.એમ સૂર્ય ઘર” એક યુનિક યોજના છે, જે ગ્રીન ટ્રાન્ઝીશનને પૂર્ણ કરવા માટેનું મહત્વપૂર્ણ માધ્યમ પૂરવાર થશે. પી.એમ સૂર્ય ઘર યોજના પર્યાવરણના જતનની સાથે પરિવારોના આર્થિક ભારણને ઘટાડશે અને દરેક ઘરને પાવર પ્રોડ્યુસર બનાવશે. અત્યાર સુધીમાં આ યોજના અંતર્ગત ૧.૩૦ કરોડ પરિવારોએ નોંધણી કરાવી છે. જે પૈકીના અંદાજે સવા ત્રણ લાખ ઘરોમાં સોલાર રૂફટોપ પેનલનું ઈંસ્ટોલેશન પૂર્ણ કરવામાં આવ્યું છે.

તેમણે ઉમેર્યું કે, એક નાના પરિવારને મહિનામાં આશરે ૨૫૦ યુનિટ વીજ વપરાશ થાય છે, તેની સામે સોલાર રૂફટોપ ઈંસ્ટોલેશન થવાથી આ પરિવારો મહીને ૧૦૦ યુનિટ વીજળી ઉત્પાદિત કરીને પાવર ગ્રીડને આપીને વાર્ષિક રૂ. ૨૫,૦૦૦ જેટલી બચત કરે છે. બચતના આ રૂ. ૨૫,૦૦૦ જો PPF એકાઉન્ટમાં જમા કરાવે તો, ૨૦ વર્ષ પછી આ રકમ આશરે ૧૦ થી ૧૨ લાખ જેટલી થશે, જે એક સામાન્ય પરિવારના બાળકોના ભણતર અને લગ્ન સહિતના પ્રસંગોમાં મદદરૂપ થશે.

પીએમ સૂર્ય ઘર યોજના માત્ર વીજળી ઉત્પાદન જ નહિ, પરંતુ પર્યાવરણના જતન અને રોજગારી માટેનું વિશેષ માધ્યમ બનશે. આ યોજનાથી આશરે ૨૦ લાખ જેટલી રોજગારીનું નિર્માણ થશે. આ યોજના અંતર્ગત દેશના ૩ લાખ યુવાનોને કૌશલ્યવાન બનાવવામાં આવશે. સાથે જ, પ્રતિ ૩ કિલોવોટ વીજળી પેદા કરવાથી ૫૦ થી ૬૦ ટન કાર્બન ડાયોક્સાઈડનું ઓમીશન ઘટશે. એટલે, પીએમ સૂર્ય ઘર યોજના સાથે જોડાનાર પ્રત્યેક પરિવાર ક્લાઈમેટ ચેન્જનો મુકાબલો કરવામાં પણ મોટો ફાળો આપશે, તેમ તેમણે ઉમેર્યું હતું.

૨૧મી સદીના ઇતિહાસમાં ભારતની સોલાર ક્રાંતિ સોનેરી અક્ષરે લખાશે, તેમ કહી વડાપ્રધાનએ જણાવ્યું હતું કે, ગુજરાતના મોઢેરા ગામમાં પ્રાચીન સૂર્ય મંદિર આવેલું છે. આ ગામ આજે ભારતના પ્રથમ “સોલાર વિલેજ” તરીકે પ્રસ્થાપિત થયું છે. મોઢેરાની તમામ વીજ જરૂરિયાતો સોલાર વીજળીથી જ પૂર્ણ થઇ રહી છે. આગામી સમયમાં ભારતના આવા અનેક ગામોને સોલાર વિલેજ તરીકે વિકસાવવામાં આવશે.

તેવી જ રીતે, સૂર્યવંશી ભગવાન શ્રી રામની જન્મભૂમિ અયોધ્યાને પણ દેશના સૌપ્રથમ મોર્ડન સોલાર સીટી તરીકે વિકસાવવામાં આવી રહ્યું છે. અયોધ્યામાં સ્ટ્રીટલાઈટથી લઈને ઘર સુધીની તમામ વીજ જરૂરિયાત સોલારથી જ પૂર્ણ કરવામાં આવશે. આગામી સમયમાં ભારતના ૧૭ શહેરોને સોલાર સીટી તરીકે વિકસાવવામાં આવશે. સાથે જ, દેશના ખેડૂતોને પણ સોલાર પાવર જનરેશન માટે સોલાર વોટરપંપ આપવામાં આવી રહ્યા છે.

ભારત આગામી સમયમાં ગ્રીન હાઈડ્રોજન ક્ષેત્રે ગ્લોબલ લીડર બનવા તરફ આગળ વધી રહ્યું છે, તેમ કહેતા વડાપ્રધાનશ્રીએ ઉમેર્યું હતું કે, ગ્રીન હાઈડ્રોજન ક્ષેત્રને વેગ આપવા ભારતે રૂ. ૨૦,૦૦૦ કરોડનું “ગ્રીન હાઈડ્રોજન મિશન” અમલમાં મૂક્યું છે. સાથે જ, ભારતમાં રિ-યુઝ અને રિ-સાઈકલ સાથે જોડાયેલી શ્રેષ્ઠ ટેકનોલોજી વિકસિત થાય તે માટે સ્ટાર્ટઅપ્સને પ્રોત્સાહન આપવામાં આવી રહ્યું છે. આ ઉપરાંત પર્યાવરણના જતન માટે ભારતે વિશ્વને “મિશન લાઈફ“નું વિઝન આપ્યું છે.

તેમણે ભારતની વિશેષ પહેલો અંગે વાત કરતા કહ્યું હતું કે, ભારતે “ઇન્ટરનેશનલ સોલાર અલાયન્સ”ની પહેલ કરીને અનેક દેશોને આ ક્ષેત્રે જોડાવાનું સરાહનીય કામ કર્યું છે. જી-૨૦ સમિટ દરમિયાન ગ્લોબલ બાયોફ્યુઅલ એલાયંસ પણ લોન્ચ કર્યું હતું. આગામી દશકના અંત સુધીમાં ભારતીય રેલ્વેને પણ નેટ ઝીરો બનાવવાનું લક્ષ્યાંક નિર્ધારિત કરવામાં આવ્યું છે. સાથે જ, વર્ષ ૨૦૨૫ સુધીમાં પેટ્રોલમાં પણ ૨૦ ટકા ઇથેનોલનું મિશ્રણ કરવામાં આવશે. પર્યાવરણના જતન માટે ભારતના નાગરિકોએ હજારો ગામોમાં અમૃત સરોવરોનું નિર્માણ કર્યું છે તેમજ પોતાની માતાના નામથી એક વૃક્ષનું વાવેતર કરીને “એક પેડ મા કે નામ” અભિયાનને પણ વેગ આપ્યો છે.

દેશમાં રિન્યુએબલ એનર્જીની માંગ સતત વધી રહી છે, ત્યારે વર્તમાન અને આગામી પેઢીના કલ્યાણ માટે વીજ જરૂરીયાતને પૂર્ણ કરવા ભારત સરકારે અનેકવિધ નવીન પહેલ-નીતિ તૈયાર કરી છે. એટલા માટે જ, રિન્યુએબલ એનર્જી ક્ષેત્રમાં રોકાણ અને ઇનોવેશન માટે ભારત શ્રેષ્ઠ વિકલ્પ છે, તેમ કહી વડાપ્રધાનએ સૌ રોકાણકારોને ભારતના રિન્યુએબલ એનર્જી ક્ષેત્રમાં રોકાણ કરવા આમંત્રિત કર્યા હતા.

મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલે પ્રાસંગિક વ્યક્તવ્યમાં જણાવ્યું હતું કે, વડાપ્રધાન નરેન્દ્રભાઈ મોદીના દિશાદર્શનમાં ગુજરાત રીન્યુએબલ એનર્જી સેક્ટરમાં લીડિંગ સ્ટેટ બન્યું છે.

વડાપ્રધાનએ ગ્રીન ક્લીન એનર્જી – હરિત ઊર્જા માટે જે નિર્ધાર કર્યો છે તેને સાકાર કરવામાં ગુજરાત રીન્યુએબલ એનર્જી પોલીસી તથા ગ્રીન હાઈડ્રોજન પોલીસી સાથે ગ્રીન ફ્યુચર માટે પ્રતિબદ્ધ છે તેમ તેમણે ઉમેર્યું હતું.

તેમણે કહ્યું કે વડાપ્રધાન એવા વિઝનરી નેતા છે જે હંમેશા સમય કરતાં પહેલાંનું વિચારે છે.આ સંદર્ભમાં મુખ્યમંત્રીએ વધુમાં ઉમેર્યું કે ગુજરાતમાં દેશના પહેલા ક્લાઇમેટ ચેન્જ ડિપાર્ટમેન્ટ અને ચારણકા સોલાર પાર્કની શરૂઆત શ્રી નરેન્દ્રભાઈ મોદીના આગવા વિઝનના પરિચાયક છે.

મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલે કહ્યું કે રાજ્યમાં ઇન્સ્ટોલ્ડ એનર્જી કેપેસિટીમાં રિન્યુએબલ એનર્જીનું યોગદાન 54% છે અને સોલાર રૂફટોપમાં ગુજરાત અગ્રેસર છે.

રાજ્યના ૧૬૦૦ કિલોમીટર લાંબા સમુદ્રી તટ પર ૩૨ થી ૩૫ ગીગાવોટ ઓફશોર વિન્ડ એનર્જી ઉત્પાદનની સંભાવનાઓનો ઉલ્લેખ કરતા ભૂપેન્દ્ર પટેલે જણાવ્યું કે વિભિન્ન ઇન્ફ્રાસ્ટ્રક્ચર અને લોજિસ્ટિક સુવિધાઓ તથા બિઝનેસ ફ્રેન્ડલી પોલીસીઝ સાથે ગુજરાત એનર્જી સેક્ટરમાં ઇન્વેસ્ટમેન્ટ માટે પ્રિફર્ડ ડેસ્ટિનેશન બન્યું છે.

મુખ્યમંત્રીએ ઉમેર્યું કે વડાપ્રધાનશ્રીનો ૨૦૭૦ સુધીમાં નેટ ઝીરો અને ૨૦૩૦ સુધીમાં ૧૦૦ ગીગાવોટની લક્ષ્ય પૂર્તિનો સંકલ્પ સાકાર કરવામાં ગુજરાત અગ્રેસર રહેવા પ્રતિબદ્ધ છે.

તેમણે દેશની આઝાદીના શતાબ્દી વર્ષ ૨૦૪૭ સુધીમાં એનર્જી સેક્ટરમાં આત્મનિર્ભરતા માટે એનર્જીને વધુ એફોર્ડેબલ, એક્સેસેબલ અને સ્કેલેબલ બનાવવા સૌને સાથે મળીને આગળ વધવા અનુરોધ કર્યો હતો.

ગ્રીન, સસ્ટેનેબલ અને ક્લીન ઉજવળ ભવિષ્યના નિર્માણ માટે રિન્યુએબલ એનર્જીનો વ્યાપ વધારવાના મંથન-ચિંતનની આ સમિટનું યજમાન બનવાની તક ગુજરાતને આપવા માટે મુખ્યમંત્રીએ વડાપ્રધાનનો અને કેન્દ્ર સરકારનો આભાર વ્યક્ત કર્યો હતો.

કેન્દ્રીય નવીન અને નવીનીકરણીય ઊર્જા મંત્રી પ્રલ્હાદ જોશીએ જણાવ્યુ હતું કે, વડાપ્રધાન નરેન્દ્રભાઈ મોદીએ રિન્યુએબલ એનર્જી માટેના તેમના વિઝનને વૈશ્વિક સ્તરે વિસ્તૃત કરીને ટકાઉ વિકાસ માટેનું નિર્ધાર કર્યો છે. વડાપ્રધાનશ્રીના નેતૃત્વમાં ભારતે તેના પુનઃપ્રાપ્ય ઊર્જા ક્ષેત્રના વિસ્તરણમાં નોંધપાત્ર પ્રગતિ કરી છે. ગ્રીડ-કનેક્ટેડ સોલાર પાવર પ્લાન્ટ્સ માટેના ટેરિફમાં ૭૬% ઘટાડો થયો છે સાથોસાથ આપણી સ્થાપિત રિન્યુએબલ એનર્જી ક્ષમતા વર્ષ- ૨૦૧૪માં ૭૫.૫૨ GW થી વધીને આજે ૨૦૭.૭ GWથી વધુ થઈ ગઈ છે, જે ૧૦ વર્ષોમાં ૧૭૫% નો વધારો સૂચવે છે.

તેમણે ઉમેર્યું હતું કે, આ સમયગાળા દરમિયાન, ભારતમાં કુલ રિન્યુએબલ એનર્જી જનરેશનમાં ૮૬%નો વધારો થયો છે, એટલે કે રિન્યુએબલ એનર્જી જનરેશન ૧૯૩.૫૦ બિલિયન યુનિટથી વધીને ૩૬૦ બિલિયન યુનિટ થયું છે. વડાપ્રધાન મોદીના નેતૃત્વ હેઠળ ભારતે ઇન્ટરનેશનલ સોલાર એલાયન્સની શરૂઆત કરી છે તેમજ વર્ષ- ૨૦૩૦ સુધીમાં રિન્યુએબલ એનર્જી માટેના લક્ષ્યાંકને વર્ષ ૨૦૨૧-૨૨માં જ હાંસલ કરવામાં આવ્યો છે.

વધુમાં મંત્રીએ ગર્વ અનુભવતા જણાવ્યું હતું કે, વર્ષ – ૨૦૩૦ સુધીમાં ૫૦૦ GW ના રિન્યુએબલ એનર્જીના લક્ષ્યાંકને રાજ્યો, કેન્દ્રશાસિત પ્રદેશો, વિકાસકર્તાઓ, ઉત્પાદકો અને નાણાકીય સંસ્થાઓ તરફથી વ્યાપક પ્રોત્સાહન મળ્યું છે. વર્ષ – ૨૦૩૦ સુધીમાં વિવિધ ઉત્પાદકો દ્વારા ૫૭૦ ગીગાવોટ રિન્યુએબલ એનર્જી ઉત્પાદિત કરવાનું આયોજન છે, તેમણે વધુમાં ઉમેર્યું હતું કે, ઉત્પાદકોએ સોલર મોડ્યુલમાં ૩૪૦ ગીગાવોટ, સોલાર સેલમાં ૨૪૦ ગીગાવોટ, વિન્ડ ટર્બાઈનમાં ૨૨ ગીગાવોટ તેમજ ઇલેક્ટ્રોલાઈઝર્સમાં ૧૦ ગીગાવોટની વધારાની ક્ષમતા પ્રતિબદ્ધ કરી છે અને નાણાકીય સંસ્થાઓએ ૩૮૬ બિલિયન ડોલર એટલે કે રૂ. ૩૨.૪૫ લાખ કરોડનું રોકાણ કરશે જેના થકી નયા ભારતના નિર્માણમાં વિકસિત ભારત ૨૦૪૭ના વિઝનનો પાયો નખાશે.

આ પ્રસંગે ગુજરાતના રાજ્યપાલ આચાર્ય દેવવ્રતજી, ડેનમાર્કના ઉદ્યોગ અને નાણાકીય બાબતોના મંત્રી માર્ટિન વોડસ્કોવ, જર્મનીના આર્થિક સલાહકાર-વિકાસ મંત્રી સ્વેન્જા શુલઝે, આંધ્રપ્રદેશના મુખ્યમંત્રી ચંદ્રબાબુ નાયડુ, મધ્યપ્રદેશના મુખ્યમંત્રી મોહન યાદવ, રાજસ્થાનના મુખ્યમંત્રી ભજનલાલ શર્મા, છત્તીસગઢના મુખ્યમંત્રી વિષ્ણુદેવ સાય, ગોવાના મુખ્યમંત્રી પ્રમોદ સાવંત તેમજ કેન્દ્રિય જળ શક્તિ મંત્રી સી. આર. પાટીલની વિશેષ ઉપસ્થિતિ રહી હતી.

આ સમિટમાં રાજ્યમંત્રી મંડળના સભ્યઓ, સાંસદઓ, ધારાસભ્યઓ, વિવિધ દેશો અને રાજ્યોમાંથી પધારેલા ડેલિગેટ્સ તેમજ કેન્દ્ર તથા ગુજરાત સરકારના ઉચ્ચ અધિકારીઓ, કર્મચારીઓ સહિત રિન્યુએબલ એનર્જી ક્ષેત્ર સાથે જોડાયેલા ઉદ્યોગપતિઓ અને નિષ્ણાંતો ઉપસ્થિત રહ્યા હતા.
***

One thought on “*પીએમ મોદીની પ્રેરક ઉપસ્થિતિમાં ગાંધીનગરના ખાતે ‘RE-INVEST-2024’ સમિટ ઍન્ડ એક્ષ્પોનો શાનદાર પ્રારંભ*

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *