*આવતી કાલે ભારતીય સેનાના કોણાર્ક ગનર્સ દ્વારા સાયકલિંગ રેલીનું આયોજન કરાશે*
અમદાવાદ, રેજિમેન્ટ ઓફ આર્ટિલરીની દ્વિશતાબ્દી ઉજવણીના ભાગરૂપે, કોણાર્ક કોર દ્વારા આજે ગુજરાતના વિગોકોટ કિલ્લા ખાતેથી સાયકલ રેલીને ઝંડી બતાવીને રવાના કરવામાં આવશે. યુવાનોમાં સાહસની ભાવનાને પ્રોત્સાહન આપવા અને તેમનામાં અગ્નિપથ યોજના વિશે જાગૃતિ ફેલાવવા માટે આ રેલી 1200 કિલોમીટરનું અંતર કાપીને ગુજરાત તેમજ રાજસ્થાનના 52 સરહદી ગામોમાંથી પસાર થશે. આ રેલીમાં 42 સૈનિકો ભાગ લઈ રહ્યા છે. 16 ડિસેમ્બર 2023ના રોજ વિજય દિવસના અવસરે લોંગેવાલા યુદ્ધ સ્મારક ખાતે આ રેલી પૂર્ણ થશે.
લોકો સાથે સંપર્ક વધારવા અને યુવાનોને સશસ્ત્ર દળોમાં જોડાવા માટે પ્રોત્સાહિત કરવાના ઉદ્દેશથી આ રેલીનું આયોજન કરવામાં આવ્યું છે. યુવાનોને અગ્નિપથ યોજના વિશે શિક્ષિત કરવા માટે, સરહદી ગામોની મુલાકાત દરમિયાન વિવિધ પાસાઓની માહિતી આપવા માટે વાર્તાલાપ સત્રોનું આયોજન કરવામાં આવશે. રેલીમાં ભાગ લેનારા જવાનો રેલી દરમિયાન વિદ્યાર્થીઓ તેમજ યુવા પેઢીને સશસ્ત્ર દળોનો પ્રોફેશન તરીકે અપનાવવા અને ગર્વ સાથે રાષ્ટ્રની સેવા કરવા માટે પ્રેરિત કરશે. રેલીમાં ભાગ લેનારા જવાનો ભૂતપૂર્વ સૈનિકોને મળતા હકનો ઉલ્લેખ કરેલી પત્રિકાઓનું પણ વિતરણ કરશે અને વિવિધ સ્થળોએ વીર નારીઓને સન્માનિત કરીને તેમના બલિદાન પ્રત્યે કૃતજ્ઞતા વ્યક્ત કરશે.