આજની પૉઝિટિવ સ્ટોરી
આ વર્ષ ગુજરાતી ભાષાના ટોચના હાસ્યલેખક અશોક દવેના લેખનનું સુવર્ણ જયંતિ વર્ષ છે. તેમણે ૧૯૬૯માં લખવાનો પ્રારંભ કર્યો હતો. એ વર્ષ હતું ગાંધીજીની જન્મ શતાબ્દિનું. ગાંધીજીની જેમ તેમણે પણ સતત કોમનમેનને ધ્યાનમાં રાખીને લખ્યું છે. અત્યંત સરળ ભાષા, બોલચાલનો રણકો, સાદી રજૂઆત અને કોમનમેનના જ વિષયો. આ બાબતો અશોક દવેની વિશેષતા રહી છે. અલબત્ત, અશોક દવેની આ સફળતા રાતોરાત ઉગેલી નથી. તેમણે તેના માટે સખત પુરૂષાર્થ કર્યો છે. ભલે શૂન્યની શોધ આર્યભટ્ટે કરી હતી, પરંતુ શૂન્યમાંથી સર્જન તો અનેક લોકોએ કર્યું છે. એમાંના એક આપણા આ દાદુ એટલે કે અશોક દવે.
તેમના જીવનની કેટલીક રસપ્રદ વાતો રસ પડે એવી છે અને પ્રેરક પણ છે. જો માણસ ધારે તો, આપમેળે અને આપબળે (કોઈ પણ સરકારી યોજના વિના) આગળ આવી શકે તેનું તેમની જિંદગીમાં ગંભીર બયાન છે.
અશોકભાઈનું વતન મોરબી, પરંતુ તેમનો જન્મ મોસાળ જામનગરમાં. મેષ (અ,લ,ઈ) રાશિ આવી હતી, દાદા તેમનું નામ ઈચ્છાશંકર રાખવા માગતા હતા, પરંતુ ભગવાનની બીજી કોઈ ઈચ્છા હતી. તે ગુજરાતી સાહિત્યને ઈચ્છાશંકર દવેને બદલે અશોક દવેની ભેટ આપવા માગતો હતો. ભગવાને નિમિત્ત અશોક દવેના મામાને બનાવ્યા. તેમના મામા હિન્દી ફિલ્મોના રસિક અને અભિનેતા અશોકકુમારના દિવાના. તેમણે ભાણિયાનું નામ અશોક રાખવાનું નક્કી કર્યું. મામાનું ઘર હતું તેની સામે એક મોટી હવેલી હતી. જેનું નામ હતું અશોક સદન. અભિનેતા અશોકકુમાર અને અશોક-સદનને કારણે અશોક નામ પાકું થયું.
અશોકભાઈના પિતાનું નામ ચંદુભાઈ અને માતાનું નામ જશુમતીબહેન. બાર વર્ષે તેમના ત્યાં પારણું બંધાયું હતું. અશોકભાઈ એકના એક. ખૂબ લાડકોડમાં ઉછર્યા. (જોકે સંઘર્ષ રાહ જોતો હતો.) પિતાની નોકરી એસ.ટી.માં. પિતાની વારંવાર બદલી થાય. અશોકભાઈને નાનપણમાં જ રાજકોટ, જામનગર, મોરબી, કલોલ, મહેસાણાનાં પાણી પીવા મળ્યાં. તેમના પિતા ઉત્તમ અભિનેતા પણ હતા. એકાંકી સ્પર્ધામાં ભાગ લેતા તો પ્રથમ નંબર લઈ આવતા. તેમની હાસ્યવૃત્તિ ઉત્તમ હતી. પુત્ર અશોકને તેમણે વારસામાં (પૈસાને બદલે) હાસ્યવૃત્તિ આપી છે.
અશોક દવે બીકોમ થયા. એ પછીનાં, પ્રારંભનાં વર્ષો ખૂબ સંઘર્ષનાં વર્ષો હતાં. તેમણે અમદાવાદમાં ફરી-ફરીને અગરબત્તી વેચી છે. કાલુપુર વિસ્તારમાં જ્યાં અલંકાર થિએટર હતું ત્યાં આજુબાજુની દુકાનોમાં કિશોર અશોક દવે અગરબત્તીનાં દોઢ-દોઢ રૂપિયાનાં પેકેટ વેચતા. ઘણા લોકો હડધૂત કરતા. જોકે નિયતિ જાણતી હતી કે અગરબત્તીની સુગંધ વેચતો આ છોકરો આગળ જતાં કરોડો લોકોને હાસ્યની સુગંધ આપશે.
અશોકભાઈએ પટાવાળા તરીકે પણ નોકરી કરી છે. નાનપણથી સ્વભાવ રમૂજી. મશ્કરીઓ કર્યા કરે. જોકે સંગમ ફિલ્મએ તેમને એક મોટો ધક્કો માર્યો. એ ફિલ્મમાં રાજકપુરનું પાત્ર રમૂજી હતું. ફિલ્મમાં અભિનેત્રી રાજકપુરને કહે છે કે સિર્ફ મશ્કરા હોના સબકુછ નહીં હૈં, જિંદગીમેં કુછ કરના પડતા હૈં, કુછ બનના પડતા હૈ. આ એક વાક્યએ તેમને પોતાની જિંદગી બદલી નાખવા માટે પ્રેરણા આપી.
કેવી રીતે બદલી તેમણે પોતાની જિંદગી ?
એકદમ જબરજસ્ત વાત છે.
જાણીએ.
***
અશોકભાઈ લઘુતા ગ્રંથિથી એટલા બધા પિડાતા હતા કે બરાબર ગુજરાતી બોલી શકતા નહોતા. આખાં વાક્યો બોલી શકતા નહીં. લોકોને એવું જ લાગતું હતું કે છોકરો તોતડાય છે. આ હદની લઘુતા તેઓ અનુભવતા હતા. સંગમ ફિલ્મના પેલા સંવાદે તેમને પડકાર આપ્યો. (કુછ કરના પડતા હૈં, કુછ બનના પડતા હેં.) તેમણે પોતાની જાતને બદલવાનો સંકલ્પ કર્યો. તેમણે દરરોજ અરીસાની સામે ગુજરાતી અને અંગ્રેજી ભાષા બોલવાનું ચાલું કર્યું. ખૂબ મહેનત કરી. અક્ષરો સાધારણ હતા તો ત્રણ દિવસ મહેનત કરીને મોતીના દાણા જેવા કરી નાખ્યા. કેલિગ્રાફી શીખ્યા. એટલા સુંદર અક્ષરો કર્યા કે એમ લાગે કે પ્રિટિંગ થયેલું છે.
જેમ જેમ લોકો અશોકભાઈને સ્વીકારતા ગયા તેમ તેમ તેમનો આત્મવિશ્વાસ વધતો ગયો.
તેમણે સંદેશ દૈનિક વર્તમાનપત્રમાં લખવાનો પ્રારંભ કર્યો. ‘કાજી દૂબલે ક્યોં ?’ એ નામની કોલમ લખતા હતા. એ જ અરસામાં પાકિસ્તાનના પ્રમુખ યાહ્યાખાનને લખેલો જાહેર પત્ર કોલેજમાં ખૂબ વખણાયો. (સમય પાકતાં) સંદેશમાંથી ગુજરાત સમાચારમાં ગયા. ત્યાં ‘શ્રી’ સામયિકમાં ‘અખિલ વિશ્વમાં એક તું સ્ત્રી ખરી’ એ કોલમ શરૂ કરી. એ પછી ‘બુધવારની બપોરે’ કોલમનો પ્રારંભ થયો. જોતજોતામાં અશોકભાઈ ખૂબ લોકપ્રિય થયા. તેમણે સર્જેલાં પાત્રો, કુંવરજી, જયંતિ જોખમ, પરવિણ ચડ્ડી, ધાંધલ-ધમાલ અને મસ્તાની લોકોને ગમ્યાં. તેમાંય જયંતિ જોખમ અને પરવિણ ચડ્ડી તો લોકોને પોતાના ઘર જેવા લાગવા માંડ્યા. એ પછી તેઓ પતિ માટે ગોરધન પાત્ર પણ લઈ આવ્યા. તેમનાં કેટલાંક વિધાનો તકિયા કલામ બની ગયાં. જેમ કે, પંખો ચાલું કરો, તારી ભલી થાય, બા ખીજાય, શું કિયો છો ? વગેરે.
અશોક દવેનું હાસ્ય બીજા હાસ્યકારો કરતા સાવ જ જુદું હતું. હાસ્ય-લેખક માટે રાજકારણ વિષય બારેમાસ લીલોછમ વિષય ગણાય. અશોકભાઈએ નક્કી કર્યું કે હું રાજકારણ વિષય પર લખીશ નહીં. પાણીમાં રહેવું અને મગર સાથે વેર જેવું કહેવાય. આમેય અશોકભાઈ ભારે હિંમતવાળા. પરંપરાઓને સહજ રીતે તોડે. તેમણે સમાજને પકડ્યો. સામાન્ય માણસને ધ્યાનમાં રાખીને તેઓ લખવા માંડ્યા. રોજબરોજની જિંદગીમાંથી વિષયો શોધીને બોલચાલની ભાષામાં લખવા માંડ્યા. લોકોને ખૂબ ગમ્યું.
ગાંધીજીના જન્મ શતાબ્દિના વર્ષમાં લખવાનો પ્રારંભ કરનારા અશોકભાઈએ જાણે-અજાણે ગાંધીજીની સામાન્ય માણસને ધ્યાનમાં રાખવાની વાતને અમલમાં મૂકી. તેઓ સામાન્ય માણસોના જીવનને હાસ્ય સાહિત્યમાં લઈ આવતા અને તેમને વાંચનારો વર્ગ પણ સામાન્ય લોકો. નવાઈ લાગે એવી બીજી વાત એ છે કે કોઈ હાસ્ય-લેખક રાજકારણ જેવા વિષયને બાદ કરીને હાસ્ય સર્જી શકે એવું બને જ નહીં. અહીં બન્યું. અશોકભાઈએ રાજકારણથી દૂર રહેવાનું નક્કી કર્યું અને છતાં હાસ્યલેખક તરીકે ખૂબ સફળ થયા. આ તેમની મોટી વિશેષતા અને સફળતા કહેવાય.
આપણા ત્યાં ધર્મ અને જ્ઞાતિની લાગણી તરત જ દૂભાઈ જતી હોય છે. આવી સંવેદનશીલ ભૂમિ ઉપર અશોકભાઈએ ખેડાણ કર્યું. તેમણે વિવિધ જ્ઞાતિઓ વિશે અભ્યાસ કરીને હાસ્યસભર લેખો લખ્યા. ઓળખપરેડ નામનું તેમનું એ પુસ્તક તેમની હિંમતનો મોટો દસ્તાવેજ છે. આવી હિંમત ભાગ્યે જ બીજા કોઈ લેખક કરી શકે. આ પુસ્તક વિવિધ જ્ઞાતિઓનો વાસ્તવિક અને લાક્ષણિક પરિચય મેળવવા માટે વાંચવા જેવું છે.
અશોકભાઈ વ્યક્તિ કે નાગરિક તરીકે પાકા રાષ્ટ્રવાદી. જરૂર પડે ત્યારે પોતાના લખાણોમાં અચૂક રાષ્ટ્રીયતા માત્ર ભાવપૂર્વક નહીં, પરંતુ ભારપૂર્વક રજૂ કરે. તેમનો દેશ-પ્રેમ તેમની કલમમાં પણ ઝળકે.
અશોકભાઈએ બીજું એક મહત્ત્વનું કાર્ય કર્યું તે લોકોને પ્રેક્ષકો બનાવ્યા. તેમણે લોકોને ફિલ્મ જોતાં અને ગીત-સંગીત માણતાં શીખવ્યું. કોલમો દ્વારા, પુસ્તકો દ્વારા અને સીધી રીતે વાતાવરણ રચીને પણ. તેમણે કેટલીક સાંગીતિક ક્લબોમાં ચાવીરૂપ જવાબદારી અદા કરીને, પછીથી પોતાની બે ક્લબો શરૂ કરી. ઓપેરા હાઉસ અને ફર્માઈસ ક્લબ. દિલ દઈને, ખૂબ જ મહેનત કરીને દૃષ્ટિપૂર્વક તેમણે આ કામ કર્યું. અમદાવાદીઓના ફિલ્મ-પ્રેમ અને ફિલ્મ અંગેની સમજણું સ્તર ઊભું કરવામાં અશોક દવેનું દાદુ પ્રદાન સ્વીકારવું જ પડે.
શૂન્યમાંથી સર્જન કરનારા, ખાઈમાંથી શિખર પર આવનારા અશોકભાઈ લાખો યુવાનોના આદર્શ બની શકે તેમ છે.
(પૉઝિટિવ મિડિયા માટે આલેખનઃ રમેશ તન્નાઃ 9824034475)