સરદાર પટેલની રમૂજ. – આલેખનઃ રમેશ તન્ના

સરદાર વલ્લભભાઈ પટેલનું વ્યક્તિત્વ અનેક રીતે વિશિષ્ટ હતું.

સરદાર ઓછું બોલતા, પરંતુ જે બોલતા તે ઘણીવાર સોંસરવું ઊતરી જાય તેવું બોલતા. તેમની રમૂજી શૈલી પણ ઘણી જાણીતી છે. તેમની હાસ્યવૃત્તિ (સેન્સ ઓફ હ્યુમર) ઊંચા દરજ્જાની હતી.

કેટલાંક ઉદાહરણો જોઈએઃ

(1) વાત છે યરવડા જેલની. એ વખતે ગાંધીજી, સરદાર, મહાદેવભાઈ દેસાઈ વગેરે સાથે જેલમાં હતા.

એક વખત ગાંધીજીએ જમણા હાથે રેંટિયો કાંતવાનું શરૂ કર્યું. આમ તો ગાંધીજી ડાબોડી હતા, પરંતુ વધુ કામ થાય એ માટે જમણા હાથનો ઉપયોગ કરતા. (તેઓ જમણા હાથથી લખતા પણ ખરા.) એ જ રીતે તેમણે જમણા હાથે રેંટિયો કાંતવાનું શરૂ કર્યું. ધીમે ધીમે તેમનો આ પ્રયોગ ચાલતો હતો. સરદારે આ બાબતે કશીક રમૂજ કરી હશે. બીજા દિવસે સવારે ગાંધીજી રેંટિયો કાંતતા હતા ત્યાં સરદાર આવ્યા. સરદારને ગાંધીજીએ કહ્યું કે જો હવે મને જમણા હાથે કાંતતાં આવડી ગયું. તાર તૂટતા નથી.
સરદારે જે તાર તૂટી ગયા હોય તેનો ઢગલો થયો હોય એ ઢગલો બતાવીને ગાંધીજીને કહ્યું કે “આ ઢગલો જોઈને જ ખબર પડી જાય છે કે તમને બરાબર કાંતતાં આવડી ગયું છે.”

ગાંધીજીનું વ્યક્તિત્વ એવું હતું કે તેમની સાથે ભાગ્યે જ કોઈ મજાક-મશ્કરી કરી શકે. સરદાર પટેલ તેમાં અપવાદ હતા. તેઓ ગાંધીજીનું ખૂબ માન રાખતા, આદર પણ આપતા. જોકે મોકો આવે ત્યારે રમૂજ કરવાની તક જતી ન કરતા.

***

(2) ગાંધીજી નવજીવન ચલાવતા ત્યારે તેમાં વાચકોના પ્રશ્નોના જવાબ આપતા. વાચકો જાત-ભાતના સવાલો પૂછતા. એક વખત મહાદેવભાઈ આવા સવાલો ગાંધીજીને પૂછી પૂછીને તેના જવાબ લખતા હતા. તે વખતે સરદાર વલ્લભભાઈ પટેલ તેમની પાસે હતા. એક વાચકે એવો પ્રશ્ન પૂછ્યો કે મારી પત્ની દેખાવડી નથી, મને તે જોવી ગમતી નથી. હું શું કરું? ગાંધીજી કાંઈ જવાબ આપે તે પહેલા સરદારે જવાબ આપ્યો કે મહાદેવભાઈ, એને લખો કે તારી બે આંખો ફોડી નાખ. દેખવું પણ નહીં અને દાઝવું પણ નહીં.

અન્ય એક વાચકે એવો સવાલ પૂછ્યો કે જો હું ચાલું તો નાનાં-નાનાં સૂક્ષ્મ જીવાણું-જીવ મરી જાય. આ રીતે મારાથી હિંસા થઈ જાય. હું શું કરું? મારે તો અહિંસા પાળવી છે. સરદારે જવાબ આપ્યો કે તમારા પગ માથા પર લઈને ચાલો.

***

(3) આવા તો અનેક બનાવો છે. સરદાર નાના હતા ત્યારથી જ ટીખળી સ્વભાવના હતા. તેઓ આખાબોલા અને સાચાબોલા હતા. એક શિક્ષકે ભણાવવામાં અંચાઈ કરી. છોકરાઓને ભણાવવાને બદલે તેઓ બીજા શિક્ષક મિત્રો જોડે વાતો કરતા હતા. એ પછી તેઓ વિદ્યાર્થીઓને ધમકાવવા માંડ્યા. વિદ્યાર્થી વલ્લભભાઈ પટેલે તેમને મોઢા પર ચોખ્ખું કહી દીધું કે, તમે વિદ્યાર્થીઓનો વાંક ના કાઢો તમે પોતે વાતો કરતા હતા.

એ શિક્ષકથી આ સહન ન થયું. તેમણે વલ્લભભાઈ પટેલને દાઢમાં રાખ્યા. એક વખત સજારૂપે તેમને ૧૦૦ વખત પાડા લખી લાવવાનું કહ્યું. જોકે આ તો સરદાર હતા, ના જ લખી લાવ્યા. પેલા શિક્ષક તેમને દરરોજ પૂછે અને સરદાર જવાબ આપે કે નથી લાવ્યો. એક વખત પુનઃ શિક્ષકે સરદારને પૂછ્યું કે તમે પાડા લાવ્યા છો? સરદારે જવાબ આપ્યો કે સાહેબ તમારા કહેવા પ્રમાણે હું પાડા લઈને આવ્યો હતો, પરંતુ હું એક પાડો માથાભારે હતો. એણે એવી ધમાલ કરી કે બધા પાડા જતા રહ્યા. સરદારનો જવાબ સાંભળીને આખો વર્ગ હસી પડ્યો.

શિક્ષક સરદારને આચાર્ય પાસે લઈ ગયા. સરદારે એવી જોરદાર દલીલ કરી કે ઠપકો શિક્ષકને મળ્યો. (આમેય સરદારમાં વકીલના ગુણ પણ હતા જ ને!) સરદારે આચાર્યને કહ્યું કે સાહેબ સજા યોગ્ય થવી જોઈએ. મેટ્રિકમાં ભણતા હોઈએ અને પાડા લખીને લાવવાનું કહે એ કેટલું યોગ્ય કહેવાય? અમને કંઈ શીખવાનું મળે એવી સજા હોય તો વાંધો નહીં. આચાર્યએ સરદારની વાત સ્વીકારીને શિક્ષકને કહ્યું કે સજા કરવી હોય તો યોગ્ય કરવી જોઈએ.

****

(4) સરદાર ભણતા હતા ત્યારે તેમનામાં નેતૃત્વના ગુણો હતા. સુધરાઈની એક ચૂંટણીમાં તેમના મનગમતા શિક્ષક ઊભા રહ્યા હતા. તેની સામે ઊભેલા ઉમેદવારે એવી શેખી મારી હતી કે જો મારી સામેના ઉમેદવાર જીતી જશે તો હું મૂછમૂંડાવી દઈશ. સરદારે ખૂબ મહેનત કરી અને તેમના શિક્ષક જીતી ગયા. વિજય ઝૂલુસ નીકળ્યું તો સરદારે સૌથી પહેલા હજામને રાખ્યો હતો. તેઓ હારેલા ઉમેદવારના ઘર સુધી ગયા. દોઢ કલાક સુધી છોકરાઓ બૂમો પાડતા રહ્યા, પરંતુ મૂછવાળા દેસાઈ ઉમેદવારે બહાર આવવાનું ટાળ્યું હતું.

***

(5) વકીલ તરીકે સરદાર પટેલ ખૂબ જ ધારદાર, જોરદાર અને સફળ હતા. તેઓ એવી દલીલો કરતા કે ગમે તેવો અસીલ પણ સાચું બોલી જતો. તેમની સેન્સ ઓફ હ્યુમરનું શિખર જોઈ શકાય એવી એક વાત બની હતી. આ બનાવ બોરસદનો છે.
એક રેલવે પોલીસ ઈન્સ્પેક્ટરના ઉપરી અંગ્રેજ હતા. તેઓ એક યા બીજી રીતે પોલીસ ઈન્સ્પેક્ટરને હેરાન કરતા. તેમણે ઈન્સ્પેક્ટર પર રેલવે વેગનમાંથી બળતણનાં લાકડાં નોકર પાસે ચોરાવ્યાનો આરોપ મૂક્યો. લાકડાની કિંમત તો એક રૂપિયો થતી હતી, પણ સુપ્રિન્ટેન્ડન્ટે રજનું ગજ કરીને બંનેની ધરપકડ કરાવી. સુપ્રિન્ટેન્ડન્ટનો મોટો ભાઈ મુંબઈ રાજ્યનો ગૃહમંત્રી હતો, એટલે તેની લાગવગ કરીને આ નાની ચોરીને મોટું સ્વરૂપ આપીને સ્પેશિયલ મેજિસ્ટ્રેટની નિમણૂંક કરાવી. અમદાવાદથી સરકારી વકલીને આ કેસ ચલાવવા બોલાવવામાં આવ્યા.

ઈન્સ્પેક્ટરને પાક્કો ગુનેગાર ઠેરવવા માટે પેલા સુપ્રિન્ટેન્ડન્ટે તેને અગાઉ કોઈ કેસમાં સજા થયેલી હોય તો તેની તપાસ કરવા માંડી. વલ્લભભાઈને તેની ખબર પડી. તેમને એક તુક્કો સૂઝ્‌યો. તેમણે આરોપીને જ સુપ્રિન્ટેન્ડન્ટ પાસે મોકલ્યો. તેણે જઈને કહ્યું કે ૩૦ વર્ષ પહેલા મને નવ મહિનાની કેદ થયેલી અને બધો વખત એકાંત કોટડી (સોલિટરી કન્ફાઈનમેન્ટ)માં રાખવામાં આવેલો, પણ એ તો ૩૦ વર્ષ પહેલાની વાત છે એટલે આજે તેનું કઈ મહત્વ ન લેખાય. પેલાએ તો લાંબો વિચાર કર્યા વિના ચાર્જશીટમાં નોંધ કરી.

નીચલી અદાલતમાં કેસ ચાલ્યો ત્યારે વલ્લભભાઈ બિમાર હતા એટલે આરોપી તરફથી વિઠ્ઠલભાઈ પટેલ ઊભા રહ્યા. સરકારી વકીલ સાથે ઘણી દલીલબાજી થઈ. અંતે આરોપીને છ માસની સખત કેદની સજા થઈ.

વલ્લભભાઈએ અમદાવાદ સેશન્સ કોર્ટમાં અપીલ દાખલ કરાવી. કેસમાં સરકારી વકીલે દલીલ કરી કે આરોપીને અગાઉ નવ માસની સજા થયેલી છે. એ હકીકત પણ ધ્યાનમાં રાખવી જોઈએ. વલ્લભભાઈએ અગાઉ સજા થયાનો પુરાવો જોવા માગ્યો. તેમને પેલી નોંધ બતાવવામાં આવી. વલ્લભભાઈએ જજનું ધ્યાન દોરીને કહ્યું કે અારોપીને 30 વર્ષ પહેલાં નવ મહિનાની એકાંત કોટડીની સજા થઈ હતી અને ચાર્જશીટમાં લખ્યા મુજબ આરોપીની ઉંમર પણ 30 વર્ષની છે.

આખી અદાલત પણ ખડખડાટ હસી પડી. એ પછી તો વલ્લભભાઈ એમની વિનોદભરી-કટામય શૈલીથી દલીલોનો મારો ચલાવ્યો. માતાના ગર્ભમાં નવ મહિના બાળક રહ્યું હોય તેને સજા ના કહેવાય વગેરે વગેરે… તેમની દલીલો વગેરેથી આરોપી છૂટી ગયો, એટલું જ નહીં સુપ્રિન્ટેન્ડન્ટની સખત ટીકા થઈ અને તેમને રાજીનામું આપવાની ફરજ પણ પડી હતી.

*****

(બેરિસ્ટર તરીકે વલ્લભભાઈ બોરસદમાં એટલું જોરદાર કામ કરતા કે મોટાભાગના ગુનેગારો છૂટી જતા. છેવટે સરકારે કોર્ટ બોરસદથી ખસેડીને આણંદ લઈ જવાનું નક્કી કર્યું હતું. એટલું જ નહીં એમણે એમ કર્યું પણ હતું. કોઈ સફળ વકીલને કારણે કોર્ટનું સ્થળ બદલાયુ હોય તેવું વલ્લભભાઈના કેસમાં જ બન્યું હશે.)

*****

(6) સરદાર પટેલ નાયબ વડાપ્રધાન હતા ત્યારે ચરોતરથી કેટલાક લોકો તેમને મળવા ગયા. એક ખેડૂતે સરદારને માહિતી આપી કે મોટા છોકરાનું આ વર્ષે લગ્ન કર્યું.
સરદારે તરત જ પૂછ્યુઃ મોટો બળદ કેટલામાં કાઢ્યો?

(સરદાર જાણતા હતા કે આ ખેડૂતો અવસર આવે ત્યારે કશુંક વેંચીને જ અવસર કરતા હોય છે.)

***

(7) જમ્મુ અને કાશ્મીરમાં શેખ અબ્દુલ્લાની આણ પ્રવર્તતી હતી ત્યારની વાત છે. તેઓ ભારત સરકારની વાત માનવાને બદલે મનમાની કરતા હતા. તેઓ એમ પણ કહેતા હતા કે હું કાશ્મીરનો સિંહ છું.

એ વખતે સરદાર પટેલે તાત્કાલિક જરૂરી કાર્યવાહી કરી. એ પછી તેમણે શેખ અબ્દુલ્લાની ધરપકડ પણ કરી હતી. તેમને કેદ કરવામાં આવ્યા. એ પછી તેઓ એટલું જ બોલ્યા કે તમે સિંહ જ છો, જો કે પાંજરાના સિંહ છો.

તેમની સફળતામાં તેમની સેન્સ ઓફ હ્યુમરનું પણ મોટું પ્રદાન રહ્યું છે.

તુલસીપત્રઃ

એક વાર વડાપ્રધાન જવાહરલાલ નહેરૂએ મહાત્મા ગાંધીને ફરિયાદ કરી કે સાથી મંત્રીઓ મને ગાંઠતા નથી. હું શું કરું?

ગાંધીજીએ સરસ જવાબ આપ્યો કે તમે પણ સરદારની જેમ કેટલીક વાતોની ઉપેક્ષા કરવા માટે સેન્સ ઓફ હ્યુમરનો કેમ ઉપયોગ કરતા નથી?

(પૉઝિટિવ મીડિયા માટે આલેખનઃ રમેશ તન્ના, 9824034475)

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *