પ્રાપ્ત અખબારી અહેવાલો અનુસાર ગઈકાલે સિક્કિમ ખાતે જુદા જુદા જિલ્લાઓમાં વાદળ ફાટવાથી તિસતા નદીમાં ભારે પુર આવ્યું હતું. નદીના જળસ્તરમાં અચાનક ૧૫-૨૦ ફૂટનો વધારો થયો હતો અને તેને કારણે છેલ્લા અહેવાલો અનુસાર ૧૦૪ જેટલા લોકો ગુમ થયા છે. એમાં ૨૩ જેટલા ભારતીય લશ્કરના જવાનોનો પણ સમાવેશ થાય છે. અત્યાર સુધીમાં ૧૪ લોકોના શબ શોધી કાઢવામાં આવ્યા છે. પૂજ્ય મોરારીબાપુએ જે લોકો આ દુઃખદ ઘટનાનો ભોગ બન્યા છે તેમના પ્રત્યે સંવેદના વ્યક્ત કરી છે. સ્થાનિક પ્રશાસન દ્વારા જે લોકો ગુમ થયા છે તેમની શોધ ખોળ ચાલી રહી છે. મૃત્યુનો આંકડો વધે તેવી ભીતિ પણ સેવાઈ રહી છે. પૂજ્ય મોરારીબાપુએ તમામ મૃતકોના પરિવારજનોને રુપિયા પંદર હજાર લેખે સહાયતા રાશિ અર્પણ કરી છે. આ સહાય સ્થાનિક પ્રશાસન તેમજ રામકથાના શ્રોતાઓ દ્વારા પહોંચાડવામાં આવશે.