કલ્યાણ માટે કોઈથી બીવે નહીં રહસ્યથી ભરપૂર એટલે જ કબીર.
બરસાનામાં માનસ રાધાષ્ટક પર થશે કથાગાન.
કબીરધામના આંગણે ચાલી રહેલી રામકથાના ચોથા દિવસે બાપુએ કહ્યું આપણે ત્યાં શબ્દત્રિકોણ,ત્રિપુટી ઘણી છે.અહીં આપણે શ્રદ્ધા,શ્રદ્ધેય અને શ્રાદ્ધ વિશે વાત કરીએ છીએ.શ્રાદ્ધ પક્ષ ચાલે છે કેન્દ્રમાં પુલ હોનારતના દિવંગતો જે આપણા માટે શ્રદ્ધેય છે.
આપણને આપણી શ્રદ્ધા મુકવાનું સલામત લોકર એ જ શ્રધેય.શ્રદ્ધાનો આપણે ત્યાં ખૂબ મોટો મહિમા થયો છે. ગીતા એમ કહે છે કે શ્રદ્ધા વગર જ્ઞાનની પ્રાપ્તિ સંભવ નથી.શ્રદ્ધાવાન લભતે જ્ઞાનમ.વિશ્વાસ જ ભક્તિને પ્રાપ્ત કરી શકે એવું રામચરિત માનસ કહે છે.શ્રદ્ધાના ઘણા પ્રકારો છે.રામચરિત માનસને કેન્દ્રમાં રાખીને,સંતો ગ્રંથોની કૃપાથી ઘણી શ્રદ્ધા વિશે વાત કરી શકાય.આપણે ત્યાં ઘણા જ ગ્રંથો છે કબીર સાહેબની પરંપરામાં અનેક પ્રકાશિત ગ્રંથો કે જેના ઉપર મહાપુરુષોએ પોતાના ભાષ્યો કર્યા છે.મને કબીર શબ્દ બ્રહ્મમાં જ બધું જ સમજાય ગયું.આ એક જ શબ્દની આસપાસ બધા ગ્રંથો રાસડા લે છે, કેન્દ્ર તો કબીર છે.
બાપુએ કહ્યું કે નવરાત્રિ ઉપર બરસાનામાં જે કથા કરવા જઈ રહ્યો છું ત્યાં નિંબાર્કાચાર્ય રચિત રાધાષ્ટક પર માનસ રાધાષ્ટક પર બોલવાની ઈચ્છા છે. રાધા અષ્ટક તો ઘણાએ લખ્યા પણ નિંબાર્કાચાર્યએ અલગ પ્રકારનું અષ્ટક રચ્યું છે.શબ્દો અને વિચારો પણ એ જ આપશે.કિશોરી તેરી ચરણન કી રજ-જે રજ શિવ બ્રહ્માદી પણ ચાહે છે.બધા જ મહાપુરુષો રજમાત્ર કૃપા કરે એવું આપણે ઇચ્છીએ કારણકે વધારે કૃપા આપણે પચાવી પણ નહીં શકીએ.પાંચ પાંડવોમાં ધનંજય! તું મારી વિભૂતિ છે એવું કૃષ્ણ કહે છે એ અર્જુન કૃષ્ણ કૃપા પચાવી શક્યો નથી. કરુણા કૃપાનો ઢગલો કર્યો ત્યાં આંખો અંજાઈ ગઈ અને કહે તું હતો એવો જ થઈ જા! એક રજ માત્ર કૃપા જ દે. તુલસી કબીર સાહેબને જોઉં ત્યારે પાંચ પાંચ બ્રહ્મ દેખાય છે.જેણે ક્યારેય કોઈનું અહિત નથી વિચાર્યું એ એક બ્રહ્મ છે.બી એટલે કોઈની બીક નથી,ર એટલે રહસ્યવાદી.વિદ્વાન થવા ગ્રંથની જરૂર પડે.પંડિત થવા માટે ગ્રંથ જરૂરી છે. ગ્રંથ મૂકીને આવશો તો પંડિત નહીં પ્રેમી બનશો.
પોથી પઢપઢ જગ મૂવા,પંડિત ભયા ન કોઈ;
ઢાઇ આખર પ્રેમ કા,પઢે સો પંડિત હોય.
સાહેબના પદો અને શબદો રહસ્યથી ભરપૂર છે એ સાહેબની કૃપા વગર ખૂલે નહીં.તે તને ઢાંકી રાખ્યો છે એને ખોલવામાં સમર્થ તું.તું જ તને ખોલી શકીશ. કબીર રહસ્યવાદી છે.જ્યારે એવો કોઈ વ્યક્તિ સમાજમાં દેખાય જે કોઈનું અકલ્યાણ ન કરે ત્યારે કબીરની ઝાંખી થાય છે, કોઈ હરતો ફરતો છતાંય કોઈથી ન ડરે એવો માણસ દેખાય તો કબીરની ઝાંખી થાય છે અને હરતો ફરતો રહસ્યથી ભરપૂર કોઈ દેખાય તો કબીરની ઝાંખી થાય છે.જગત કલ્યાણ માટે કોઈથી બીવે નહીં રહસ્યથી ભરપૂર એટલે જ કબીર.કબીરવડમાં પણ કથા કરવી છે ધુણો ધખાવો છે.૨૦૨૫ના માગશર મહિનામાં એવું થઈ શકે.મનુષ્ય મશીન થઈ શકશે, ભાવ અને વિવેક ક્યાંથી લાવશે!બાપુએ કહ્યું કે પાંચ પ્રકારના બ્રહ્મ: એક સ્વયં જે બ્રહ્મ છે.બીજું-બ્રહ્મ વિશે બોલાતા શબ્દો એ શબ્દબ્રહ્મ.ત્રીજો-ગ્રંથ પણ બ્રહ્મ છે.ચોથો રસ.બ્રહ્મ.જેટલા પંચકો છે એ રામચરિત માનસમાં દેખાય છે:પંચાંગ પંચતત્વ,પંચતીર્થ-માતા,પિતા,ઇષ્ટ ગ્રંથ,આચાર્ય અને સદગુરુ.ક્યારેક લાગે બુદ્ધપુરુષમાં આ બધું જ છે.બુદ્ધ પુરુષ માતા છે,એ જ બાપ છે, એ જ આપણો ગ્રંથ છે,આપણો આચાર્ય પણ એ જ છે.પંચપીર,પાંચ મૂર્તિઓની પણ બાપુએ વાત કરી.
સાધુ પદત્રાણ છે એ આપણને કાંટો લાગવા નથી દેતો.શ્રાદ્ધ પક્ષમાં કથા પ્રવાહમાં નરસિંહ મહેતાના પિતાના શ્રાદ્ધનો ખૂબ જ ભાવુક અને સજળ પ્રસંગ બાપુએ વર્ણવ્યો.
Box:
અમૃતબિંદુ:
રામચરિતમાનસની આઠ પ્રકારની શ્રદ્ધા:
રામાયણમાં આઠ પ્રકારની શ્રદ્ધાની વાત અલગ અલગ પંક્તિઓમાં મળે છે.એક-ભવાનીશંકરો વંદે શ્રદ્ધા વિશ્વાસ રુપિણૌ- અહીં શ્રદ્ધા દુર્ગા રૂપમાં છે.બે-સંત સભા ચહું દિસી અંવરાઇ શ્રદ્ધા રીતુ વસંત સમ ગાઈ- અહીં ઋતુના રૂપમાં શ્રદ્ધા છે.ત્રણ-જે શ્રદ્ધા સંબલ રહિત- અહીં શ્રદ્ધા એટલે ભાથુ,કોઈનો સંગ.ચાર-સચિવ સત્ય શ્રદ્ધા પ્રિય નારી- અહીં રાજાના મંત્રી રૂપે,સત્ય રૂપમાં શ્રદ્ધા બતાવી છે. પાંચ- શ્રદ્ધા ભક્તિ સમય- રામ જ્યારે વહેલા ઊઠે છે અહીં શ્રદ્ધાને ભક્તિના રૂપમાં દર્શાવી છે.છ-શ્રદ્ધા ક્ષમા મયત્રી દાયા- અહીં સાધુનું લક્ષણ શ્રદ્ધા બતાવી છે.સાત- શ્રદ્ધા બિનુ ધરમ ન હોઈ- એ પંક્તિમાં ધર્મના રૂપમાં શ્રદ્ધા છે.આઠ-સાત્વિક શ્રદ્ધા ધેનું સુહાઈ- અહીં ગાયના રૂપમાં શ્રદ્ધા મૂકેલી છે.રઘુપતિ અનુપાન શ્રદ્ધા મતિ મોરી- તુલસીજી અહી ઔષધ સાથે અનુપાનનાં રૂપમાં શ્રદ્ધાને મૂકે છે.એ શ્રદ્ધા દ્વારા આપણે શ્રદ્ધેયનું શ્રાદ્ધ કરવાનું છે.