સંજીવ રાજપૂત
અંબાજી
20 વર્ષથી રાજકોટથી ચાલતો ટ્રેડિશનલ ડ્રેસવાળો સંઘ અંબાજી પહોંચ્યો
માં અંબાના ધામ અંબાજી ખાતે ભાદરવી પૂનમનો ભક્તોના અવિરત પ્રવાહ સાથેનો મેળો માં અંબાના દર્શને રંગાયો છે ત્યારે વિવિધ અલગ સંદેશ, પહેરવેશ સાથેના શોળે શણગાર સજેલા સંઘો અંબાજી પહોંચી રહ્યા છે. તેવો જ છેલ્લા 20 વર્ષથી નિરંતર રાજકોટ થી પગપાળા અંબાજી આવતો રજવાડી સંઘ 425 કિલોમીટરનું અંતર કાપી 12માં દિવસે માં અંબાના ધામ પહોંચ્યો હતો. આ સંઘમાં 100 જેટલા મહિલાઓ અને પુરૂષો જોડાયેલા છે. સંઘની ખાસિયત છે કે આ સંઘમાં જોડાયેલ મહિલાઓ અને પુરૂષો દવારા રસ્તામાં તલવારબાજી અને લાકડીઓના વિવિધ કરતબો બતાવવામાં આવે છે જે દર્શકો માટે આકર્ષણનું કેન્દ્ર બની જાય છે. જેઓ દ્વારા મંદિરના ચાચર ચોકમાં પણ આ કરતબ રજૂ કરવામાં આવ્યું હતું અને માં અંબાના ગરબાની રમઝટ બોલાવી હતી અને ત્યાર બાદ મા અંબાને ધજા ચઢાવી હતી. આ સંઘની ખાસિયત છે કે આખો સંઘ વિવિધ રજવાડી ડ્રેસમાં સજ્જ બની અંબાજી આવતો હોય છે અને માંના આશીર્વાદ પ્રાપ્ત કરે છે.