*આ વર્ષે ભાદરવી પૂનમ મેળામાં કરવામાં આવેલ નવીન પહેલ*

*કાઉન્ટ ડાઉન શરૂ: આસ્થાના અવસર માટે અનન્ય આયોજનઃ અંબાજી ભાદરવી મેળો યોજવા પોલીસ અને વહીવટી તંત્ર બન્યું સજ્જ*

અંબાજી, રાકેશ શર્મા: યાત્રાધામ અંબાજીમાં તા. 23 થી 29 મી સપ્ટેમ્બર દરમિયાન ભાદરવી પૂનમનો મહામેળો યોજાનાર છે. આ મેળો શરૂ થવા આડે હવે ગણતરીના કલાકો બાકી રહ્યા છે ત્યારે મેળો યોજવા બનાસકાઠા જિલ્લા વહીવટી તંત્ર સજ્જ બન્યું છે. મેળાના સુચારુ આયોજન અને વહીવટીતંત્ર દ્વારા યાત્રાળુઓ માટે કરવામાં આવેલી વિવિધ વ્યવસ્થાઓની મિડીયાને માહિતી આપવા અંબાજી મંદિરના મીટીંગ હોલમાં શ્રી આરાસુરી અંબાજી માતા દેવસ્થાન ટ્રસ્ટના ચેરમેન કમ બનાસકાંઠા જિલ્લા કલેકટર વરૂણકુમાર બરનવાલના અધ્યક્ષસ્થાને પ્રેસ કોન્ફરન્સ યોજાઈ હતી. ત્યારબાદ કલેક્ટરશ્રીએ મિડીયાના મિત્રો સાથે અંબાજી ખાતે દિવાળી બા ભોજનાલય અને વિવિધ ડોમની મુલાકાત લઇ મેળાની વ્યવસ્થાઓનું પ્રત્યક્ષ નિરીક્ષણ કર્યુ હતું.
કલેકટર વરૂણકુમાર બરનવાલે પત્રકાર પરિષદને સંબોધતા જણાવ્યું કે, શ્રદ્ધાળુઓની આસ્થાને અનુરૂપ મેળાનું આયોજન કરવામાં આવ્યું છે. યાત્રાળુઓ, દર્શનાર્થીઓને કોઈપણ પ્રકારની મુશ્કેલી ન પડે એ પ્રકારનું આયોજન અને વ્યવસ્થા વહીવટીતંત્ર અને શ્રી આરાસુરી અંબાજી માતા દેવસ્થાન ટ્રસ્ટ દ્વારા કરવામાં આવી છે. તેમજ આ વર્ષે કેટલાક ખાસ આકર્ષણો અને સુવિધાઓથી મેળાને યાદગાર બનાવવા માટેનું આયોજન કરાયું છે. જેના માટે તંત્ર દ્વારા વિવિધ 29 જેટલી સમિતિઓ બનાવાઈ છે. જેના દ્વારા મેળામાં સેવા, સુવિધા, વિશ્રામ, સલામતી, ભોજન અને આરોગ્ય સહિતની વ્યવસ્થાઓ ગોઠવવામાં આવી છે. તેમજ સમગ્ર મેળા પર સીસીટીવી કેમેરાથી બાજ નજર રાખવામાં આવશે. યાત્રિકોને કોઇપણ પ્રકારની તકલીફ ન પડે તે માટે ગુજરાત પવિત્ર યાત્રાધામ વિકાસ બોર્ડ દ્વારા ૫ વિશાળ વોટરપ્રુફ ડોમમાં ૧૨૦૦ જેટલાં બેડની વ્યવસ્થા કરવામાં આવી છે. મેળા દરમિયાન સાંસ્કૃતિક કાર્યક્રમો પણ યોજાનાર છે. તેમણે કહ્યું કે, અંબાજી મંદિર ટ્રસ્ટ તરફથી માઇભક્તો માટે સુંદર વ્યવસ્થા કરવામાં આવી છે. પાર્કિગ સ્થળથી માઈભક્તો 51 શક્તિપીઠ સર્કલ સુધી આવી શકે તે માટે 150 જેટલી રિક્ષાની વિનામૂલ્યે વ્યવસ્થા કરાઇ છે. અંબાજી મંદિર ખાતે અને અલગ અલગ માર્ગ પર સુંદર રંગબેરંગી રોશની કરવામાં આવી છે. જયારે મીડિયા માટે અલાયદો કંટ્રોલ રૂમ પણ શરૂ કરાશે તથા અંબાજી મંદિરના દર્શન સોશિયલ મીડિયા દ્વારા લાઈવ પ્રસારણ પણ કરવામાં આવશે.
મેળામાં આવતા લોકોના આરોગ્યની જાળવણી માટે 25 જેટલા આરોગ્ય કેન્દ્રો કાર્યરત કરાયા છે. જેમાં નિષ્ણાંત તબીબો અને 256 જેટલાં આરોગ્ય કર્મીઓ પોતાની ફરજ બજાવશે. 11 જેટલી 108 એમ્બ્યુલન્સ વાન ઉપરાંત 6 અન્ય એમ્બ્યુલન્સ પણ તૈનાત રાખવામાં આવી છે. મેળા દરમિયાન સતત વીજ પુરવઠો જળવાય, પીવાના પાણી અને પાર્કિગની પુરતી વ્યવસ્થા કરાઇ છે. આ વખતે ૧૮૭ સંઘો અને સેવાકેમ્પોનું ઓનલાઇન રજીસ્ટ્રેશન થયું છે તથા ૧૯૮૦ પદયાત્રિક સંઘોનું પણ ઓનલાઇન રજીસ્ટ્રેશન થયું છે એમને વાહન પાસ આપવામાં આવ્યા છે.

*આ વર્ષે ભાદરવી પૂનમ મેળામાં કરવામાં આવેલ નવીન પહેલ*

કલેક્ટરએ કહ્યું કે, આ વર્ષે ભાદરવી પૂનમના મેળામાં કેટલીક નવીન પહેલ કરવામાં આવી છે. મેળાની વ્યવસ્થાઓને લગતા તમામ મહત્વપૂર્ણ સ્થળોને એક સાથે સંકલિત કરવામાં આવ્યા છે અને એક QR કોડ જનરેટ કરવામાં આવ્યો છે. ગુગલ મેપ્સ દ્વારા કોઈપણ વ્યક્તિ તેના ઇચ્છિત સ્થાન પર સીધા પહોંચવા માટે આ કોડને સ્કેન કરી શકે છે.
અંબાજી મંદિરની મોબાઇલ એપ લોન્ચ કરવામાં આવશે. જેમાં મંદિરમાં દર્શનનો સમય, મંદિરની તમામ સુવિધાઓ અને મંદિરના અપડેટ સરળતાથી મેળવી શકાશે. ગૂગલ પ્લે સ્ટોર પરથી આ એપ ડાઉનલોડ કરી શકાય છે.
“અંબાજી ઇ-મંદિર” વોટસએપ ચેટબોટ મંદિર દ્વારા ભક્તો માટે તમામ માહિતી, મંદિરની પ્રવૃત્તિઓ અને અપડેટ યુઝરને સીધા મોકલવામાં આવે છે. આ સેવા માટે વોટસએપ ચેટબોટનો નંબર 8799305151 પરથી આ સેવાનો લાભ મેળવી શકાશે.
ભાદરવી પૂનમના મેળા દરમિયાન મંદિર ટ્રસ્ટ અને વહીવટીતંત્ર પદયાત્રીઓ માઇભક્તો માટે અસંખ્ય વ્યવસ્થાઓ કરે છે, આ વખતે સ્થાનિક રિક્ષાવાળાને આ વ્યવસ્થાના ભાગ બનાવી રોજગારી ઊભી કરવાનો નવીન પ્રયાસ કરવામાં આવ્યો છે. તેમજ તમામ રીક્ષા ડ્રાઇવર માટે ડ્રેસકોડ નક્કી કરાયો છે. વધુમાં તમામ બાળકો, વૃદ્ધ યાત્રિકોને નો વ્હીકલ ઝોનમા નિશુલ્ક સર્વિસ પૂરી પાડવામાં આવશે.

*અંબાજીને હરિયાળું અને સ્વચ્છ બનાવવા પ્લાસ્ટિક ક્રશર મશીનનો ઉપયોગ*

આ વખતે મેળામાં પર્યાવરણની જાળવણી અને સ્વચ્છતાને પાયાના સિદ્ધાંત તરીકે ધ્યાને રાખી મંદિર ટ્રસ્ટ દ્વારા SBI ની મદદથી અંબાજીમાં 2 મુખ્ય સ્થળોએ પ્લાસ્ટિક ક્રશર મશીનો સ્થાપિત કરવામાં આવશે. આ મશીનમાં કોઈપણ પ્લાસ્ટિકને ડમ્પ કરી શકાય છે. પ્લાસ્ટિકને રિસાયકલ કરીને ફરીથી ઉપયોગમાં લેવામાં આવશે. અંબાજીને હરિયાળું અને સ્વચ્છ ગામ બનાવવાની દિશામાં આ એક મોટું પગલું છે.

*વર્ચ્યુઅલ રિયાલિટીથી મેળાના માહોલની અનુભૂતિ*

ભાદરવી મેળા દરમિયાન આવનારા તમામ ભક્તોને VR (વર્ચ્યુઅલ રિયાલિટી) ટેક્નોલોજી દ્વારા દર્શનનો અલૌકિક અનુભવ કરાવવામાં આવશે. અંબાજી મંદિરની આરતી, ગબ્બર આરતી અને 51 શક્તિપીઠ પરિક્રમાના એક અલૌકિક અને દિવ્ય દ્રશ્યો વર્ચ્યુઅલ રીયાલિટી તરીકે દર્શાવવામાં આવશે. તમામ ભકતો શક્તિદ્વારની સામેના પાર્કિંગમાં આ સુવિધાની અનુભૂતિ માણી શકશે.

*પ્રસાદ વેન્ડિંગ મશીન: ડિજિટલ પેમેન્ટ દ્વારા પ્રસાદ મેળવવાની આધુનિક સુવિધા*

અંબાજી મંદિરના પ્રસાદની સતત વધતી જતી લોકપ્રિયતા અને માંગને ધ્યાનમાં રાખીને ટ્રસ્ટ દ્વારા મંદિર પરિસરની બહાર કેટલાક પ્રસાદ વેન્ડિંગ મશીનો સ્થાપિત કરવાનું અનોખું પગલું ભર્યું છે. તમામ ભક્તો ડિજિટલ પેમેન્ટ દ્વારા પ્રસાદ વેન્ડિંગ મશીનોથી સીધા જ પ્રસાદ ખરીદી શકે છે.
મંદિર ટ્રસ્ટ તરફથી ભેટ તરીકે, ભાદરવી પૂનમના મેળા દરમિયાન મંદિરના દર્શનાર્થે આવતા તમામ ભક્તોને મંદિરની વ્યવસ્થાની કેટલીક પ્રાથમિક માહિતી સાથે મા અંબાનો નાનો ફોટો આપવામાં આવશે. તે તમામ માઇભક્તો માટે મા અંબાના આશીર્વાદના પ્રતીક તરીકે કામ કરશે.

*ગબ્બર તળેટીએ હજારો પગરખા કેન્દ્ર બનાવવામાં આવ્યાં*

દર વર્ષે ગબ્બર પરિક્રમા માટે આવતા મોટા ભાગના ભક્તો ખુલ્લા પગે દર્શનાર્થે આવતા હોય છે. ગબ્બર ટોચ ઉપર પગારખાની વ્યવસ્થા સાથે ક્રાઉડ મેનેજમેન્ટ એક ગંભીર બાબત હોય છે, જેથી પગરખાની વ્યવસ્થાને એક મહત્વપૂર્ણ ગણીને આ વર્ષે ગબ્બર તળેટીએ હજારો પગરખા કેન્દ્ર બનાવવામાં આવ્યાં છે. સ્ટ્રક્ચરનું સંચાલન મંદિરના કર્મચારીઓ દ્વારા કરવામાં આવશે.

ઉપરાંત અંબાજી મંદિર ટ્રસ્ટ સત્તાવાર રીતે ભાદરવી પૂનમ આરતી અને ગરબા 23મી એટલે કે ભાદરવી સુદ આઠમના રોજ બહાર પાડી રહ્યું છે. તે અંબાજી મંદિર ટ્રસ્ટની આધિકારિક યુ ટ્યુબ ચેનલ પર અપલોડ કરવામાં આવશે.

*મેળાની સુરક્ષા માટે કુલ- 6500 પોલીસ જવાનો ખડેપગે ફરજ બજાવશેઃ ૪૦૦ જેટલાં સીસીટીવી કેમેરાથી પોલીસ બાજ નજર રાખશે*

ઇન્ચાર્જ પોલીસ અધિક્ષક તેજસ પટેલે મેળાની સુરક્ષા અને કાયદો તથા વ્યવસ્થાની માહિતી આપતા જણાવ્યું કે, યાત્રિકોની સઘન સુરક્ષા માટે મેળા દરમિયાન ચુસ્ત પોલીસ બંદોબસ્ત ગોઠવવામાં આવ્યો છે. તેમણે કહ્યું કે, અંબાજી ભાદરવી પૂનમ મહામેળામાં કુલ- 6500 પોલીસ જવાનો ફરજ બજાવશે. જેમાં 20 ડીવાયએસપી, 54 પીઆઇ, 150 પીએસઆઇ સહિત પોલીસ જવાનો જુદા જુદા પોલીસ પોઇન્ટ ઉપર ફરજ બજાવશે. આ સિવાય 7 બીડીએસની ટીમ, ક્યુઆરટી ટીમ ખડેપગે રહેશે. આ ઉપરાંત સમગ્ર અંબાજી ધામ પર ૪૦૦ જેટલાં સીસીટીવી કેમેરાથી પોલીસ બાજ નજર રાખશે તેમ તેમણે જણાવ્યું હતું.

પ્રેસ કોન્ફરન્સમાં જિલ્લા વિકાસ અધિકારી સ્વપ્નિલ ખરે, મદદનીશ કલેક્ટર સ્વપ્નિલ સિસલે, શ્રી આરાસુરી અંબાજી માતા દેવસ્થાન ટ્રસ્ટના વહીવટદાર સિદ્ધિ વર્મા, નાયબ માહિતી નિયામક અમિત ગઢવી સહિત પ્રિન્ટ અને ઇલેક્ટ્રોનિક્સ મીડિયાના પ્રતિનિધિશ્રીઓ ઉપસ્થિત રહ્યા હતા.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *