ભારત શબ્દ ખુદ અમૃત છે.
યશસ્વી વડાપ્રધાનને જન્મદિવસની આગોતરી વધાઇ:આપ સમજ,સમય અને સમત્વ ભારત અને વિશ્વ માટે નિરંતર આહૂત કરી રહ્યા છો.
કથા પંક્તિ:
અમિય મુરિમય ચૂરન ચારુ;
સમન સકલ ભવ રુજ પરિવારુ.
ગુરુપદરજ મૃદુ મંજુલ અંજન;
નયન અમિઅ દ્વગ દોષ બિભંજન.
મા ભારતીની સ્વતંત્રતા માટે સર્વોચ્ચ બલિદાન આપનારા વીરો પ્રતિ સમર્પણ ભાવ દ્રઢ કરવાના આશયથી આઝાદીના અમૃત મહોત્સવનાં સમાપન વેળાએ ઈન્ડિયાગેટ-ભારતદ્વારની નજીક મેજર ધ્યાનચંદ નેશનલ સ્ટેડિયમ-દિલ્હીથી રામકથાનાં પ્રારંભે વ્રજમંડળના સંતમહારાજ-મુકુટમણિ રમણરેતી મહારાજ,જૈનમુનિ લોકેશમુનિજી,બાબા રામદેવજી તેમજ ગાંધી શાંતિ પ્રતિષ્ઠાનનાં રજનીશજીનાં હસ્તે દીપ પ્રાગટ્ય બાદ લોકેશ મુનિજીએ પોતાનો ભાવ રાખ્યો અને જણાવ્યું કે બાપુ સનાતન સંસ્કૃતિ,સર્વધર્મ સમભાવની જ્યોત સતત જલાવી કોટિ-કોટિ લોકોને રસ્તો બતાવી રહ્યા છે.સનાતન જે શાશ્વત છે,જે સદા-સદા છે,પાછળ પણ નહીં આગળ પણ કંઈ નહીં અને એનો નાશ કરનાર કોઈ ધરતી ઉપર પેદા નથી થયું એવા ભાવ સાથે આશીર્વાદ આપ્યા.ગાંધીદર્શન સ્મૃતિના વાઈસ ચેરમેન ભારત સરકારના મંત્રી વિજય ગોયલે પણ પોતાનો ભાવ રજૂ કર્યો.આ રામકથાનાં મનોરથી રમાભાઈ બાજોરીયાજી પરિવાર,સુભોદયની સ્મૃતિ અને પ્રજ્ઞાબેન બાજોરીયાની હાજરીમાં કથા શરૂ થઈ બાપુએ કહ્યું કે આપણો દિવ્ય દેશ ભારતવર્ષ;જેની રાજધાનીમાં આપણે એક કથા અમૃત મહોત્સવની આહુતિ રૂપે આપવાનો મનોરથ હતો.ઇન્ડિયા ગેટ પાસે જ થાય એવી ઈચ્છા હતી અને આ બધાના આશીર્વાદથી કથા શરૂ થઈ.અમૃત શબ્દ લઈ અને બે કથાઓ પણ થયેલી છે.અસમંજસ હતી કે કયા વિષય પર કથા કરું!માનસ અમૃતયોગ,અમૃત મહોત્સવ,અમૃતવેળા..અનેક વિચાર પછી ગુરુ વંદનાની બે પંક્તિઓનો આશ્રય લઈ અને આ કથાનું નામ માનસ ભારત આપી રહ્યો છું.એ પણ યોગ, લગન,વાર અને તિથિ હોય એવું લાગે છે.માનસને વૈશ્વિક ગ્રંથ કહેવાય છે એને હું માનું છું,જાણું છું અને કહું છું.ભારત પણ વિશ્વથી ઓછું નથી.ભારત વૈશ્વિક વિચારધારા લઈને બેઠેલું છે.આથી જ ભારત મૈયા અને વંદે માતરમનાં નારા સાથે બાપુએ કહ્યું કે: ભારત શબ્દ અપને આપ અમૃત હૈ!જેમ એક અતુલ્ય ગ્રંથ મહાભારત છે એમ આ બીજો માનસ ભારત પણ છે.હવે તો ઇન્ડિયા ગેટનું નામ ભારત દ્વાર પણ કહી શકાય.રામચરિત માનસમાં ઘણી વખત અમૃત શબ્દનો પ્રયોગ થયો છે.સાધુની અંતઃકરણની પ્રવૃત્તિને જ પ્રમાણ માનીએ છીએ અન્ય અન્ય ગ્રંથોનું પણ સમર્થન મળે છે.
બાપુએ યશસ્વી વડાપ્રધાનને એડવાન્સમાં જન્મદિવસની વધાઈ આપી અને જણાવ્યું કે:આપ સમજ,સમય અને સમત્વ ભારત અને વિશ્વ માટે નિરંતર આહૂત કરી રહ્યા છો.જી-૨૦ ખુબ જ સફળ રહી એની વધાઈ સાથે સનાતન ધર્મ વિશે ચાલતા વિવિધ નિવેદનો પર આપ ખુબ સરસ બોલ્યા,સમય પર બોલવું જ જોઈએ એ માટે બાપુએ પોતાનો આનંદ વ્યક્ત કર્યો અને અભિનંદન આપ્યા.
ગ્રંથમાહાત્મ્યમાં કહ્યું કે દ્વેષમુક્ત જાગરણ જરૂરી છે પ્રથમ સોપાનમાં મંગલાચરણના સાત સાત શ્લોક પહેલા મંગળ આચરણ થાય પછી મંગલ ઉચ્ચારણ થાય એ જરૂરી છે.સાત પ્રકારના આચરણ જે કરે એનું એક એક ઉચ્ચારણ મંગળ અને અદભુત હોય છે.તુલસીજીએ માતૃશક્તિ અને ગણેશજીની વંદના કરી છે.
અમૃતકણિકાઓ:
અમૃત ક્યાં-ક્યાં છે?
એક તો આપણી જન્મભૂમિ એ સ્વયં અમૃત છે. ભારતભૂમિ,એમાં પણ રાજધાની.જનનીનું દૂધ અમૃત છે.જ્યાં આપણો જન્મ થયો એ ભૂમિનું દૂધ અમૃત છે.પ્રવાહી પવિત્ર પરંપરા અમૃત છે.ગાયનું દૂધ અમૃત છે.આપણા દેશમાં પંચામૃત પણ છે;જ્યાં ગાયનું દૂધ,ઘી,દહીં,મધ અને સાકર મેળવવામાં આવે છે.રામચરિત માનસમાં પરમાત્માનો અવતાર થયો,જો કે કાર્યકારણ સિદ્ધાંતથી બહાર છે, પરમાત્માનું અવતરણ પણ અમૃત અવતરણ છે. સંતરૂપી અમૃત પણ કહેવાય છે.ઋષિઓના વચન અમૃત છે-જે વચનામૃત છે.અમૃત સમાન વચન બોલે એ ઋષિ,ચૂપ રહી અને મૌનમાં અમૃત વહેંચે એ મુનિ છે.એક શ્રવણનું અમૃત છે.એક કથામૃત છે.એક નામામૃત છે.આ બધા જ ભારતમાં છે.ગંગાજળને પણ જગતગુરુ શંકરાચાર્યજી અમૃત કહે છે. કૈલાશમાં પણ કેટલા બધા અમૃત છે!ભગવાન શિવની ઉપર ચંદ્રમા અમૃત છે,ગંગામાં અમૃત છે. નિત્ય રામનામનું રટણ કરે છે એ અમૃત છે.એની આંખની અંદર નયનામૃત છે.ઘણા મહાપુરુષોની આંખ જોઈને દીવાના થઈ જવાય છે. પરમાત્માની કરુણા અમૃત છે.ભગવતગીતા પણ અમૃત છે જેને ગીતામૃતમ કહે છે.ગીતામાં પણ એક અમૃતની વાત આવી એ ધર્મ અમૃત છે એવું ભગવાન કૃષ્ણ કહે છે. સનાતન ધર્મ પ્યોર અમૃત છે.જો કે પ્યોર શબ્દ લગાવવાની પણ જરૂર નથી.