ઓશો તપોવન કાઠમંડુથી પ્રવાહિત રામકથાના બીજા દિવસે અનેક જિજ્ઞાસાઓ આવી.કોઈએ પૂછ્યું કે બાપુ કથા સાંભળતા-સાંભળતા શ્રવણ ન કરી શકીએ અને ધ્યાન લાગી જાય તો?બાપુએ કહ્યું કે કથા શ્રવણનું ફળ જ ધ્યાનમાં ડૂબી જવું એ છે. ધ્યાનની જ શું વાત કરીએ હું તો સૂઈ જવાની પણ છૂટ આપું છું!સહજતાથી જે થાય એ થવા દો-ઓશોએ પણ આવું જ કહ્યું છે.આપણને ધ્યાન નથી લાગી રહ્યું એટલે બોલ-બોલ કરી રહ્યા છીએ.ઔષધિની જરૂર કોને પડે છે?બીમારને,નાદુરસ્તને.જે તંદુરસ્ત હોય છે એને ઔષધિની જરૂર નથી.જેટલા પણ સાધન કરો એ ઔષધિ છે અને ઔષધી જ આપણે બીમાર છીએ એનું પ્રમાણ છે! રામચરિત માનસના છેલ્લા પ્રકરણમાં માનસિક રોગોનો સંવાદ છે.ધ્યાનથી, મૌનથી,નૃત્ય કરીને,રોતા-રોતા,શાંત રહીને કોઈ પણ રીતે આપણા મનોરોગનો ઈલાજ થઈ રહ્યો છે. હૃદય બદલી દેવું એ જ માનસ સન્યાસ છે.સાધુ,સંન્યાસી, મુની પ્રેમથી દીક્ષિત થાય છે?હા.સૌથી મોટી દીક્ષા જ પ્રેમદીક્ષા છે.પછી સાધુ,મુની,સન્યાસી કે અવતાર હોય.જ્યાં સુધી બીમાર છીએ આશ્રમની જરૂર પડશે.છેલ્લો આશ્રમ સન્યાસ આશ્રમ છે. તુલસીદાસજીએ આઠ પ્રકારના ઔષધની વાત કરી: નેમ,ધરમ,આચાર,તપ,જ્ઞાન,યજ્ઞ,વ્રત અને દાન.
જ્યાં સુધી બીમાર છીએ કોઈ નિયમ જરૂરી છે,ધર્મને પણ તુલસીએ ઔષધ કહ્યું છે.
આજે નાના-નાના ગ્રુપ સનાતનની મહાધારામાંથી મહાડોઝમાંથી પોતપોતાની નાની-નાની બોટલો ભરી અને પોતાના ક્લિનિકો ચલાવી રહ્યા છે! ઉત્તમ આચરણ પણ જરૂરી,તપ પણ ઔષધી,જ્ઞાન,યજ્ઞ, દાન પણ ઔષધી છે.પણ કોઈ વૈદ મળી જાય તો રોગ મટે.સદગુરુ વેદ બચન વિશ્વાસા.નિંદા કરવાથી આપણો અને સામેવાળાનો રોગ વધશે,નિદાનથી બંનેને ફાયદો થશે.
આ બીજ પંક્તિમાં કોઈક-કોઈક સંન્યાસી કહ્યા છે. સાધક એ છે જે જીભ બંધ રાખે,કાન ખુલ્લા રાખે.સાવધાની પૂર્વક કલ્યાણકારી ધર્મની ઉપાસના કરે એ સાધક છે. કલ્યાણકારી ધર્મમાં સાવધાની રાખે-ઊલટું વાંચતા એ સાધક છે. ત્રણ પ્રકારના જીવ બતાવ્યા છે:વિષયી,સાધક અને સિદ્ધ.આપણે સિદ્ધ ન બની શકીએ,વિષયી પણ ન રહીએ;સાધક બની રહીએ.જ્યારે મૌન પાકે ત્યારે સામેવાળું મૌન થઈ જાય છે, કારણ કે મૌન સંક્રામક છે. સિદ્ધતાના અહંકારથી પણ વિમુક્ત રહે એ સંન્યાસનું લક્ષણ છે.
કીર્તન વખતે ઓશો સન્યાસીઓ સાથે વ્યાસપીઠ પરથી ઉતરીને બાપુએ નૃત્ય કર્યું અને કથાપ્રવાહમાં નામ મહિમાનું સજળ આંખે સહજ ગાન કરવામાં આવ્યું.
અમૃતબિંદુઓ:
શ્રવણ શબ્દથી આવે છે ધ્યાન અશબ્દ હોય છે.
આપણે સહજતા ખોઈ બેઠેલા છીએ.પ્રસન્ન નથી.
ગુરુ પોતાની પ્રસન્નતા આપણને આપે છે.
પ્રાણીઓની હોસ્પિટલ હોય છે,ઝરણાની હોસ્પિટલ નથી હોતી.
જિંદગી રિયાઝનો મોકો નથી દેતી.
બહિરયાત્રા માટે આયોજન કરવું પડે,અંતરયાત્રાની યોજના એડવાન્સમાં થતી નથી.
વ્યાસપીઠ પાસે પ્રશ્ન લઈને નહીં પિપાસા લઈને આવો.