દિલ્‍હી હાઈકોર્ટે છૂટાછેડાનો આદેશ આપતા નિર્ણય સંભળાવ્‍યો કે, કોઈ વ્‍યક્‍તિને પોતાના માતા-પિતાને છોડીને પોતાના સાસરિયા વાળા સાથે ‘ઘર જમાઈ’ તરીકે રહેવા માટે મજબૂર કરવું એ ક્રૂરતા સમાન છે

પતિને માતા-પિતાનું ઘર છોડીને ‘ઘર જમાઈ’ બનીને રહેવા માટે મજબૂર કરવું એ ક્રૂરતા છેઃ દિલ્‍હી હાઈકોર્ટ

વૃદ્ધાવસ્‍થામાં પોતાના માતા-પિતાની સંભાળ રાખવી એ પુત્રની નૈતિક અને કાનૂની જવાબદારી

નવી દિલ્‍હી, : દિલ્‍હી હાઈકોર્ટે એક વ્‍યક્‍તિને છૂટાછેડાનો આદેશ આપતા નિર્ણય સંભળાવ્‍યો કે, કોઈ વ્‍યક્‍તિને પોતાના માતા-પિતાને છોડીને પોતાના સાસરિયા વાળા સાથે ‘ઘર જમાઈ’ તરીકે રહેવા માટે મજબૂર કરવું એ ક્રૂરતા સમાન છે. આ નિર્ણય તે વ્‍યક્‍તિની ડિવોર્સ અરજી શરૂઆતમાં ફેમિલી કોર્ટ દ્વારા ફગાવી દીધા બાદ આવ્‍યો છે. દિલ્‍હી હાઈકોર્ટના જજ સુરેશ કુમાર કૈત અને નીના બંસલ કૃષ્‍ણાની ખંડપીઠે ફેમિલી કોર્ટના આદેશને રદ કરી દીધો છે. તેમણે પોતાના આદેશમાં કહ્યું કે, પત્‍ની દ્વારા ક્રૂરતા અને પરિત્‍યાગના આધાર પર દંપતીના ડિવોર્સ પર મહોર લગાવી દીધી છે.
આ મામલે પીડિત પક્ષે પોતાની અરજીમાં જણાવ્‍યું કે, તેમના લગ્ન મે ૨૦૦૧માં થયા હતા. એક વર્ષની અંદર તેની પત્‍નીએ ગુજરાતમાં તેના સાસરિયાનું ઘર છોડી દીધું અને તે ગર્ભવતી થયા બાદ દિલ્‍હીમાં પોતાના માતાપિતાના ઘરે ચાલી ગઈ. આ વ્‍યક્‍તિએ કહ્યું કે, તેણે સમાધાન માટે ગંભીર પ્રયત્‍નો કર્યા પરંતુ તેની પત્‍ની અને તેના માતાપિતાએ ભાર મૂકીને કહ્યું કે, તે ગુજરાતથી દિલ્‍હી આવી જા અને તેમની સાથે ‘ઘર જમાઈ’ બનીને રહે. પરંતુ તેમણે તેમ કરવાનો ઈનકાર કરી દીધો કારણ કે, તેણે તેના વૃદ્ધ માતાપિતાની સંભાળ લેવાની હતી.
બીજી તરફ મહિલાએ દહેજ માટે ઉત્‍પીડનનો દાવો કર્યો હતો અને આરોપ મૂક્‍યો હતો કે, તે વ્‍યક્‍તિ શરાબી હતો અને તેણે મારી સાથે શારીરિક દુર્વ્‍યવહાર અને ક્રૂરતા કરી હતી. એટલા માટે માર્ચ ૨૦૦૨માં તેણે પતિનું ઘર છોડી દીધું હતું. હાઈકોર્ટે સુપ્રીમ કોર્ટના એક ચુકાદાનો હવાલો આપતા જણાવ્‍યું કે, પોતાના પુત્રને તેના પરિવારથી અલગ થવા માટે કહેવું એ ક્રૂરતા સમાન છે.

વધુ સમાચાર જોવા માટે નીચે આપેલા ફોટો પર ક્લિક કરો અને ગ્રુપમાં જોડાવો

દિલ્‍હી હાઈકોર્ટે પોતાના ચુકાદામાં કહ્યું હતું કે, ભારતમાં કોઈ પુત્ર લગ્ન પછી તેના પરિવારથી અલગ થઈ જાય તે વાંછનીય નથી અને વૃદ્ધાવસ્‍થામાં પોતાના માતા-પિતાની સંભાળ રાખવી તેની નૈતિક અને કાનૂની જવાબદારી છે. હાઈકોર્ટે જણાવ્‍યું કે, પત્‍નીના પરિવાર દ્વારા પતિને માતા-પિતાને છોડીને ‘ઘર જમાઈ’બનવા માટે આગ્રહ કરવો એ ક્રૂરતા સમાન છે.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *