ભલાઈ કરીને ભુલી જવું કદાચ અઘરું છે.અપેક્ષા રહિત જીવવું કદાચ અઘરું છે.અને કૈંક અપજશ છતાંય સમાજ માટે સતત,અવિરત,નિતાંત જાતને ઘસ્યા કરવી.વાત તો અઘરી!ધોરણ પાંચ માં પગમાં થયેલી ઈજા અને ત્યારબાદ આવેલા ઓપરેશને અભ્યાસ પર જાણે સાંકળ જડી દીધી.પરંતુ શાળાના પ્રેમાળ શિક્ષિકા સવિતાબેનના સહયોગથી આગળ અભ્યાસ તો ધપી શક્યો પણ માત્ર ધોરણ સાત સુધી જ!પણ વિધાત્રી જાણે જીવનના અભ્યાસમાં પૂર્ણ અંકો સાથે પાસ કરાવવા માંગતી હોય એમ ત્યારપછીના જીવનના સંઘર્ષોએ જાણે કોઠાસુઝથી આગળ ધપવાની હિંમત આપી.કોરોના કાળ વખતે પોતાની જાત કે પરિવારની પણ પરવાહ કર્યા વગર દોઢ મહિનો એકધારા ઉજાગરા અને પોતાના આપબળે તથા સ્વ-ખર્ચે સતત સેવા કરી જાણનારા કોઠા ડહાપણ ધરાવનાર મૂળ ગામ સરગાસણ (જિ.ગાંધીનગર) નિવાસી જયેશભાઈ વશરામભાઈ પ્રજાપતિ કે,જેમના કાજ શબ્દો કાયમ ઓછા જ ઓછા ઠરશે.ફક્ત કોરોના કાળે જ નહિ પરંતુ સમાજ માટે સેવાકીય યજ્ઞમાં પોતાની જાત પૂર્ણપણે ધરી દેનાર મનેખના આ તો રોજના કાર્યો છે.પુરુષ દેહ છતાંય મીણ સમાન હૈયું ધરાવનાર,અન્યના દુ:ખને ક્ષણિકે ય જોઈ ન શકનાર ભલા મનેખ જગતમાં આવા કપરાં કાળમાં હજુય છે અને સદા હજો આ વાતનો દિલાસો સદાય ઈશ્વર માનવજાતને બક્ષતી રહે.વ્યવસાયિક રીતે કન્સ્ટ્રક્શન સાથે જોડાયેલા માણસ.સાઈડ પર પોતાના મજૂર વર્ગને પૂરતો ન્યાય મળે તથા નાનામાં નાના મનેખ પર પણ અસીમ દયા રાખી જાણવી એ જ તેઓની વિશેષતા.એ દયા જે આજે લગભગ મરી પરવારી છે-મનેખ હૈયાથી.(જૂજ અપવાદોને બાદ કરતાં).પોતાની સાઈડ પર કુળદેવી ભગવતી સધી આઈના સ્થાપન વખતે અમુક અજુગતા બનાવો બની જતા અન્ય અંધશ્રદ્ધામાં ન ભરમાતા “એ દેવી મારે તોય ભલે ને તારે તોય ભલે”-એવા શબ્દો ભણનાર મનેખની આસ્થા અને શ્રદ્ધાના શિખરો કેટલા ઉત્તુંગ હશે!!માટે જ વિશ્વાસ ફક્ત મૂકવામાં આવે છે,પણ શ્રદ્ધા તો દેવી જેમ સ્થાપિત થાય છે.એ કદી ડગે નહિ,ઊઠે નહિ,ને પૂર્ણ પણ ન થાય.એ બસ વહેતી રહે છે ભાગીરથી સમાન.એમ છતાંય આ તમામનો જશ સ્વયં ન લેતા એમના માતાપિતા,એમના ધર્મપત્ની એક શક્તિ તરીકે જેમનો ફાળો શિરોધાર્ય કહી શકાય.મોટાભાઈ અલ્પેશભાઈ તથા નાનાભાઈ જીતુભાઈ અને સમસ્ત પરિવાર તથા મિત્રોને આપી જાણે છે.પરિવાર ભાવના જાણે અખંડ.આજે સંયુક્ત કુટુંબની વિભાવના અને ભાવના નહિવત જ જોવા મળે છે.જૂજ અભ્યાસ રહ્યા છતાંય દરેક પ્રકારના સાહિત્યનો જબ્બર શોખ.(વિશેષ આધ્યાત્મ).ઉત્સાહી એટલા કે,કોઈ પોતાના અંગત વ્યક્તિઓને ય ન સાંભળે એટલી તલ્લીનતાથી જાણ કે ઓળખ વગરના મનેખ સુદ્ધાંને ય એવી રીતે સાંભળે જાણે એક બાળક દરેક ક્ષણે જિજ્ઞાસાવત્ થઈને કોઈ મોટેરાઓની વાતના કોયડા ઉકેલવાની જદ્દોજહદ ન કરતું હોય!!!અદ્દલ એ જ તલ્લીન ગંભીરતાથી સામેના મનેખની વાતોને,પીડાને,દુ:ખોને ઉકેલવાના યથા પ્રયત્નો કરી જાણે.’મિત્ર’ હોવો સારું,પણ ‘મિત્રો’ હોવા કદાચ એથીય સારું હશે ખરું ને! તેઓના બહોળા મિત્રવર્તુળ સાથે સાથે મિત્ર તરીકે તેઓના મોલ ક્યારેય થઈ શકે એમ જ નથી આ વાત અતિશયોક્તિ પણ દાવા સાથે કહી શકું.સાર સ્વરૂપે એટલું જ કે,ડિગ્રીઓની ડિગ્રીઓ છતાંય આજે હ્રદયમાં વ્યાપેલી કઠોરતા કરતાં થોડા પણ માનવતાના યુગાદિ સુધીના અખંડ ભણતર લાખો ગણા ખપના!લાવણ્યમયી લાગણી,નિશ્છળતા,દયા ને કરુણાસભર અંતરનો નાનો પણ ભીતરેથી નખશીખ પવિત્ર જલધિ સમાન મીઠો આશરો પામીને આ ધરાના ઉદરને ય શાતા વળશે,ને વળતી રહે.શબ્દો ઓછા પડે છે-એક શબ્દ પણ ને હજારો શબ્દો પણ.વિરમું.એક ભલા માનુષની ગાથા.હૈયા ઉકલત તથા અન્યના હૈયા ઠારણહાર માનુષની ગાથા.
અસ્તુ.