BREAKING NEWS
બાળકો રિક્ષામાંથી સીધા બહાર રોડ ઉપર કાદવમાં પડ્યા હતા. તેના કારણે બે બાળકોને ઇજાઓ થઈ હતી. છેલ્લા એક વર્ષથી રંગોલીનગર રોડ બનેલો ન હોવાથી ઉબડખાબડ અને ગટરના પાણીના કારણે કાદવ કીચડ થઈ ગયું હતું. ખરાબ રોડ ઉપરથી વાહન ચાલકો પસાર થતા હતા. તે દરમિયાન બપોરના સમયે સ્કૂલ રિક્ષાચાલક રિક્ષા લઈને પસાર થયો ત્યારે પાણી ભરેલા ખાડાના કારણે રિક્ષા પલટી ગઈ હતી અને બાળકો ઇજાગ્રસ્ત થયા હતા. બાળકો કાદવ કીચડવાળા થઈ ગયા હતા અને રોવા લાગ્યા હતા. વાલીઓને જાણ થતા ત્યાં પહોંચી ગયા હતા.
કોર્પોરેટર દ્વારા કાર્યવાહી કરવા અધિકારીઓને સૂચના અપાઈ હતી :
લાંભા વોર્ડના ભાજપના કોર્પોરેટર ચાંદની પટેલે જણાવ્યું હતું કે, રંગોલીનગર હાઈફાઈ ચાર રસ્તા પાસે પાણીનું નેટવર્ક નાખવાની કામગીરી ચાલી રહી હતી. જેના કારણે રોડ ખોદવામાં આવ્યો હતો અને હમણાં જ કામગીરી પૂર્ણ થઈ છે. મોતીપુરા પંપીંગ સ્ટેશનનું બ્રેકડાઉન છેલ્લા કેટલાય સમયથી છે. જેના કારણે ગટરો બેક મારવાની સમસ્યા છે. આજે સવારે જ રંગોલીનગર રોડ પર મેં રાઉન્ડ લીધો હતો. આ સમસ્યા અંગે જાણ થઈ હતી. એક ફ્લેટવાળા દ્વારા ભોયરામાં જે પાણી ભરાયેલું હતું જેને બહાર કાઢવા માટે થઈ ફાઈટર મૂકી પાણી બહાર રોડ ઉપર ફેંકવામાં આવ્યું હતું. જેના કારણે આ જગ્યા ઉપર વધુ કાદવ કીચડ થઈ ગયો હતો. આ મામલે કાર્યવાહી કરવા માટે થઈ અને અધિકારીઓને સૂચના આપી છે.
વાલીઓ તાત્કાલિક ઘટનાસ્થળે પહોંચ્યા :
આજે સવારે નારોલ હાઇફાઇ ચાર રસ્તા નજીક રંગોલીનગર રોડ ઉપર કાદવ કિચડવાળા ભરેલા પાણીમાંથી એક રિક્ષા પસાર થઈ હતી. ઉબડખાબડ રોડ અને પાણી ભરાયેલું હોવાના કારણે ત્યાં એક ખાડામાં ટાયર ફસાઈ જતા રિક્ષા પલટી ગઈ હતી. રિક્ષામાં અંદાજે પાંચથી વધુ સ્કૂલના વિદ્યાર્થીઓ અને વિદ્યાર્થીનીઓ હતા જેવો બહાર પટકાયા હતા. તેઓને નાની-મોટી ઇજાઓ થઈ હતી. રિક્ષા પલટી જતા બાળકોએ બૂમાબૂબ કરી હતી. એક બાળકીને પગમાં પણ ઈજા થઈ હતી. જેના કારણે તે ખૂબ જ રડવા લાગી હતી. ઘટનાની જાણ સ્કૂલના વિદ્યાર્થીઓના વાલીઓને થતા તેઓ તાત્કાલિક રંગોલીનગર ખાતે પહોંચ્યા હતા અને પોતાના બાળકોને લઈ ગયા હતા. વાલીઓ અને સ્થાનિક લોકોમાં રોષ જોવા મળ્યો હતો કે, છેલ્લા કેટલાય સમયથી આ રોડ ઉપર કામગીરી ચાલી રહી છે. મ્યુનિસિપલ કોર્પોરેશન તંત્ર દ્વારા આ રોડ ઉપર ક્યારે ધ્યાન આપવામાં આવ્યું નથી. જેના કારણે હેરાન પરેશાન થઈ રહ્યા છીએ.
વિપક્ષના નેતા શહેજાદખાન પઠાણે જણાવ્યું રોડની હાલત ખૂબ જ ખરાબ :
આ અંગે વિપક્ષના નેતા શહેજાદખાન પઠાણે જણાવ્યું હતું કે, ભાજપના સત્તાધીશો અમદાવાદ શહેરને સ્માર્ટ સિટીના સ્માર્ટ રોડ અને વ્હાઇટ ટોપિંગ રોડ બનાવવાની વાત કરે છે, પરંતુ વાસ્તવિકતા કંઈક અલગ જ છે. આજે નારોલ વિસ્તારમાં હાઈફાઈ ચાર રસ્તા પાસે તૂટેલા અને કાદવ કીચડવાળા રોડમાં એક સ્કૂલ રિક્ષા પલટી થતા બાળકોને નાની મોટી ઇજા અને કાદવ કીચડવાળા થયા હતા. ગત વર્ષે પડેલા વરસાદમાં નારોલ હાઇફાઇ ચાર રસ્તા ઉપર પાણી ભરાયા હતા અને મ્યુનિસિપલ કોર્પોરેશનના ભાજપના સત્તાધીશો સ્ટેન્ડિંગ કમિટીના ચેરમેન સહિતના નેતાઓ અધિકારીઓએ આ વિસ્તારમાં રાઉન્ડ લીધો હતો. એક વર્ષ બાદ પણ આ રોડ બનાવવામાં આવ્યો નથી. નેતાઓ અને અધિકારીઓ માત્ર ફોટોસેશન માટે જ જાય છે. આજે પણ આ જ પરિસ્થિતિમાં રોડ જોવા મળે છે. જેથી કહી શકાય કે અમદાવાદ શહેરમાં રોડની હાલત ખૂબ જ ખરાબ છે.