આજકાલ પત્રકારત્વનું બદલાતું સ્વરૂપ યુથ જનરેશનના ભવિષ્ય માટે ચિંતા જનક માનવામાં આવી રહ્યું છે. જનતાનો અવાજ બુલંદ કરનાર મીડિયા જગતને ભારતીય બંધારણમાં પોતાનો વિચાર પ્રગટ કરવાનો વિશેષાધિકાર આપવામાં આવ્યો છે. સ્વતંત્રતાના હક અંતર્ગત બંધારણમાં અનુચ્છેદ ૧૯,૨૦,૨૧,૨૧(ક) અને ૨૨ નો સમાવેશ કરવામાં આવ્યો છે. સામાન્ય જનતાને સીધી વાત કરવાનો કોઈ ખાસ અધિકાર નથી. પોતાનો પક્ષ રજૂ કરવો હોય તો ફરિયાદ કે અરજી જ કરી શકાય. ફરિયાદ કે અરજી સાચી હોય તો પણ પુરાવાના કાયદાને કારણે સામાન્ય માનવીનો બોલવાનો હક્ક છીનવાઈ જાય છે અને જો ભૂલથી બોલી દે તો માનહાનિની ફરિયાદનો ભોગ બનવું પડે છે. બોલવાની છૂટ ફક્ત આ દેશના નેતાઓ, વીઆઇપીઓ અને મીડિયાને મળેલી છે. ત્યારે સવાલ એ થાય છે કે જેને બોલવાની છૂટ મળી છે તે શું સાચું બોલી રહ્યાં છે ? મીડિયાના માધ્યમથી જે બોલાઈ રહ્યું છે અને અખબારોના માધ્યમથી જે લખાઈ રહ્યું છે તે આજની જનરેશન માટે ઘાતક પુરવાર થઈ રહ્યું છે. અભિવ્યક્તિની આઝાદી મળેલી હોવાથી વાણી સ્વતંત્રતાનો અધિકાર તો મળી જાય છે, પરંતુ નકારાત્મક વાતો અને નકારાત્મક સમાચાર આજના યુથને ગેરમાર્ગે દોરી રહ્યા છે. ઓસ્ટ્રેલિયા જેવા અનેક દેશમાં નકારાત્મક સમાચારો પ્રસિદ્ધ કરવા ઉપર પ્રતિબંધ છે. આવા દેશોમાં ખૂન, બળાત્કાર જેવી ઘટનાઓ પ્રસિદ્ધ કરવાની સખત મનાઈ છે. આવા દેશ માને છે કે નેગેટિવ ન્યૂઝ લોકોને વિચલીત કરે છે. આનો અર્થ એ થાય કે લોકશાહીમાં અભિવ્યક્તિની જે આઝાદી મળેલી છે એ એક મર્યાદામાં રહીને વ્યક્ત કરવી જોઈએ. અને દરેક પત્રકારોએ એ ના ભૂલવું જોઈએ કે દેશનું યુથ જનરેશન મીડિયાની માહિતીને ફોલો કરે છે. જે પ્રકારે પશ્ચિમી ફેશનના પોષાક પહેરી હીરો હિરોઇનોએ ફિલ્મો થકીઆ દેશના સાંસ્કૃતિક વેશ પરિધાનનું પરીવર્તન કરી નાંખ્યું એજ પ્રકારે વર્તમાનપત્રો અને ટીવી મિડિયાની સાથે હાલમાં ધૂમ મચાવી રહેલું સોશિયલ મીડિયા દેશની યુથ જનરેશનને નકારાત્મક સમાચારો પીરસી ગેરમાર્ગે દોરી રહ્યું છે. દરરોજ સવાર પડે એટલે જે દેશમાં રેડીઓ ઉપર ભક્તિની ધૂન સંભળાતી એ દેશમાં હવે ઈડિયટ બોક્ષની સાથે અખબારો ખૂન, બળાત્કાર, અપહરણ, ચોરી, લૂંટ, મોબ લીન્ચિંગ, ચેઇન સ્નેચિંગ જેવી ઘટનાઓ રજૂ કરી યુથ જનરેશનને કંઈ ધૂન સંભળાવી રહ્યા છે ? મારા મતે તો મિડિયા એ કેવા ન્યૂઝ રજૂ કરવા જોઈએ વિષય ઉપર એક ડીબેટ થવી જોઈએ. રાષ્ટ્રીય ન્યૂઝ એનલિસ્ટ પત્રકાર સુધિર ચૌધરીજી નકારાત્મક પત્રકારોને ડિઝાઇનર પત્રકારો એવું સંબોધન કરે છે. હું ડિઝાઈનરો ને એટલું ચોક્કસ કહીશ કે તમારી ડિઝાઇન બદલો.
https://rsf.org/en/2023-world-press-freedom-index-journalism-threatened-fake-content-industry