ઘંટાકર્ણ મહાવીર મંદિર, મહુડીમાં કરોડોની ઉચાપતનો મામલો,

મહુડી: ઘંટાકર્ણ મહાવીર મંદિરમાં કરોડોની ઉચાપતનો મામલો, હાઇકોર્ટે શું કહ્યું?
અરજદારની પીઆઈએલ પ્રાથમિક સુનાવણીના તબક્કે જ હાઈકોર્ટે નકારી

સુપ્રસિધ્ધ યાત્રાધામ મહુડી સ્થિત ઘંટાકર્ણ મહાવીર મંદિરમાંથી 130 કિલો સોનું ગાયબ થવા ઉપરાંત, કરોડો રૂપિયાની ખુદ કાર્યકારી ટ્રસ્ટીઓ સહિતના લોકો દ્વારા ઉચાપતના ગંભીર આક્ષેપો કરતી જાહેરહિતની રિટ અરજી ગુજરાત હાઈકોર્ટે આજે ફગાવી દીધી હતી. ચીફ જસ્ટિસ સુનિતા અગ્રવાલ અને જસ્ટિસ પ્રણવ ત્રિવેદીની ખંડપીઠે અરજદારપક્ષને આ કેસમાં કોઇપણ પ્રકારની રાહત આપવાનો કે કેસની સુનાવણી કે દરમ્યાનગીરી કરવાનો સાફ ઈન્કાર કરી દીધો હતો.

હાઈકોર્ટે અરજદારપક્ષને જણાવ્યું હતું કે, ‘આ ચેરિટી કમિશનરની મેટર છે, એટલે તમે ત્યાં જાઓ.’ એમ કહી અરજદારને આ મુદ્દાઓ ચેરિટી કમિશનર સમક્ષ જ ઉઠાવવા અને રજૂઆત કરવા નિર્દેશ કરી પીઆઈએલનો નિકાલ કર્યો હતો. અરજદારપક્ષ તરફથી હાઈકોર્ટનું ધ્યાન દોરાયું હતું કે, ચેરિટી કમિશનર સમક્ષ આ જ મુદ્દાઓ પર અલગ-અલગ ત્રણ અરજીઓ પેન્ડીંગ છે પરંતુ ત્યાં કોઈ નિર્ણય નહી આવતાં અરજદાર હાઇકોર્ટમાં આવ્યા છે, તેથી હાઈકોર્ટે જણાવ્યું કે, જો આ કેસો ચેરિટી કમિશનર સમક્ષ પેન્ડીંગ હોય તો ચેરિટી કમિશનર કચેરીને સમાંતર હાઇકોર્ટ આ જ મુદ્દાઓ પર સાથે સુનાવણી ના કરી શકે. પોલીસમાં પણ તમે ફરિયાદો આપેલી છે અને જો પોલીસ તપાસ ના કરતી હોય તો તે માટે કાયદામાં અન્ય પણ વૈકલ્પિક જોગવાઈઓ ઉપલબ્ધ છે, તમારે તેનો સહારો લેવો જોઈએ. હાઇકોર્ટે અરજદારને કોઈપણ રાહત આપવાનો ઈન્કાર કરી દીધો હતો અને પીઆઇએલનો નિકાલ કરી દીધો હતો.

અરજદાર દ્વારા માંગ કરાઈ કે, હાલની મેનેજમેન્ટ કમીટી અને તેના સભ્યો વિરૂધ્ધ કરોડોની નાણાંકીય ઉચાપત અને ગેરરીતિઓના ગંભીર આરોપો હોઈ રાજય સરકાર દ્વારા એક વિશેષ કમીટી રચાવી જોઈએ અને ચેરિટી કમિશનરે પણ સમગ્ર મામલાની તપાસ કરવી જોઈએ.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *