‘ બંગલાની શોભા ‘- લેખક : રવજી ગાબાણી.

વિઠ્ઠલભાઈ લોકનેતાની અમીટ છાપ છોડીને આ દુનિયાથી વિદાય થયા એને ત્રણ વરસ થઈ ગયા છે. એમના અવસાન સમયે ઘેર ઘેર માતમ છવાયું હતું. એમની અંતિમવિધિમાં હજારો માણસો ઉમટી પડ્યા હતા. ભીની આંખે સમગ્ર સૌરાષ્ટ્ર અને ગુજરાતે એમને વરસતા વરસાદમાં શ્રદ્ધાંજલિ આપી હતી.લોકોનું કહેવું છે કે વિઠ્ઠલભાઈની છાતીમાં હૃદયના બદલે પ્રેમ અને લાગણીનો મઘમઘતો બગીચો ધબકતો હતો.ગરીબ અને નાના માણસો એમને પોતાના બેલી માનતા હતા એના કેટલાક કારણો હતા.
એમની આ ભવ્ય છાપને ઉજાગર કરતી એક સત્ય ઘટના આજ આપની સામે મૂકું છું.ગરીબના હામી તરીકેની એમની આ વાત આપ વાંચશો એટલે આપને વિઠ્ઠલભાઈની કર્તવ્યપરાયણતા અને એમનો પ્રજાપ્રેમ સમજાય જશે.આ સત્ય ઘટનાના પાત્ર જસવંતભાઈ સાથે લાંબી વાત કર્યા પછી,પૂરી ખાતરી કરીને આ સત્ય ઘટનાનું આલેખન કર્યું છે. જે સુજ્ઞ વાચકોની જાણ સારુ…

મણકો -7 ‘ બંગલાની શોભા ‘

સૌરાષ્ટ્રના પેટાળમાં પાંગરેલા જામકંડોરણા નગરની આ વાત છે.નાના પણ સુખથી રહેતા આ નગરમાં અઢારે વરણ આનંદથી રહે છે.પરંપરાગત ખેતી અને પોતાના બાપદાદાના નાના મોટા ધંધા રોજગારથી પોતાનું પેટિયુ રળતી પ્રજા સુખ અને શાંતિથી રહે છે.યુવાન વિઠ્ઠલભાઈ રાજનીતિમાં આવ્યાને ઠીક ઠીક સમય થઈ ગયો છે.એમના આગમનથી વિસ્તારમાં ચાલતી નાની મોટી લુખ્ખાગીરીનો મૃત્યુઘંટ વાગી ચૂક્યો છે.પ્રજાલક્ષી કામોથી એમની લોકચાહના રાતદિવસ વધતી ચાલી છે.નાના મોટા સૌ કોઈ ભાત ભાતના પ્રશ્નો લઈને એમને આંગણે આવે છે.આવેલા સૌ પોતાના પ્રશ્નનું નિરાકરણ લઈને જાય છે. વિઠ્ઠલભાઈની કાર્યશૈલી જ એવી કે અઘરમાં અઘરા લાગતા પ્રશ્ન પણ ચપટીમાં ઉકલી જાય છે.
વિઠ્ઠલભાઈની એક બહુ મોટી ખાસિયત હતી. એ બધું જ જોઈ શકતા અને સહન કરી શકતા, પણ ગરીબનું દુઃખ નહોતા જોઈ શકતા.ગરીબને દુઃખી જોતા જ એમને તરત કીડિયું ચડે.
જામકંડોરણામાં હીરાભાઈ પિતાંબરભાઈ અમરેલિયાનો પરિવાર રહે.પેઢીઓથી બાલ દાઢી કરવાનો એમનો વ્યવસાય.કંડોરણાના પટેલ ચોકમાં રોડના કાંઠે આ પરિવારની નાનકડી દુકાન જેવી કેબિન.પરિવારની આવકનું એકમાત્ર સાધન એટલે બાલ દાઢીની આ પચાસ વર્ષ જૂની કેબિન.
હીરાભાઈ પોતે અને પોતાના બે સંતાનો જગદીશભાઈ અને જસવંતભાઈ નાનકડી એવી કેબિનમાં બાલ દાઢીનું કામ કરે અને પોતાનું ગુજરાન ચલાવે.વિઠ્ઠલભાઈ પોતે કાયમ અહીં બાલ દાઢી કરાવે.પછી તો વિઠ્ઠલભાઈ અને હીરાભાઈને સમય જતા મિત્રતા બંધાઈ ગયેલી.
ઘરાકી ખાસ ન રહેવાથી માંડમાંડ ઘર ચાલે એવી પરિસ્થિતિમાં હીરાભાઈ પોતાનું ગાડું ગબડાવતા હતા.એક બાજુ આવક ઓછી અને બીજી બાજુ ઘર અને વ્યવહાર ચલાવવાની કપરી જવાબદારીથી હીરાભાઈ ભારે આર્થિક સંકડામણ અનુભવે.
હીરાભાઈની આવી વિકટ પરિસ્થિતિ વિઠ્ઠલભાઈની નજરથી અજાણ રહે તો જ નવાઈ! એમની અનુભવી આંખોને ખ્યાલ આવી ગયેલો કે હીરાભાઈની સ્થિતિ સારી નથી.એટલે એક દિવસ બાલદાઢી કરાવતા જ એમણે વાત ઉચ્ચારી.
‘ હીરાભાઈ ! હમણા કંઈક મુંજવણમાં હો એવું મને લાગે છે. ‘
“હમમ…”
‘જે હોય એ કહો તો ખબર પડે.દુઃખ વહેંચવાથી ઘટે છે.જે હોય એ મને કહો. ‘
“દુકાન હાલતી નથી.આવક કરતા જાવક વધી જાય છે.ગુજરાન ચલાવવું કાઠું પડે છે.બાર સાંધુ ત્યાં તેર તૂટે છે.ભેગું નથી થતુ.બસ એ એક જ ચિંતાથી જીવ ઉચાટમાં રહે છે.”
‘ હમમ…’ વિઠ્ઠલભાઈએ ટૂંકાક્ષરી જવાબ આપ્યો.એમનું મગજ કંઈક જુદું વિચારી રહ્યું હતું.
“બે દીકરા અને એક બાપ એમ અમે ત્રણ મથીએ છીએ પણ પૂરું નથી પડતું.સાંજ પડતા તાવડી તેર વાના માંગતી ઊભી જ હોય.શું કરીએ ? ”
‘થઈ પડશે બધું.ઉપાદી બોવ નો કરવી.’
“હા, એ તો…હરિની ઇચ્છા હશે એમ થાશે.એમની મરજી હશે તો ગમે ત્યાંથી ગોઠવણ થાશે.”
થોડીવારમાં બાલદાઢી પૂરી થતા વિઠ્ઠલભાઈ પૈસા ચૂકવી વિદાય થયા.હીરાભાઈ અને એના બંને દીકરા ઘરાકની વાટ જોઈ બેસી રહ્યા.સાંજ સુધીમાં આવેલા એકલ દોકલ ઘરાકને નીપટાવીને ત્રણેય ઘેર ગયા.સાંજે જમી પરવારીને ત્રણેય ફળિયામાં બેઠા.ખાસ વકરો ન થતા કોઈના ચહેરા ઉપર નૂર નહોતું.એટલામાં વિઠ્ઠલભાઈનું આગમન થયું.અચાનક વિઠ્ઠલભાઈને આવેલા જોઇ ત્રણેય બાપદીકરો આવકારો આપતા ઊભા થઈ ગયા.
“આવો ! આવો ! વિઠ્ઠલભાઈ ! બેસો ! બેસો ! સબળ અત્યારે આવવું થયું! ચાપાણી પીશોને ? હીરાભાઇના શબ્દોમાં ઉમળકો સ્પષ્ટ ડોકાતો હતો.
‘બેસવું નથી હીરાભાઈ ! કાલથી તમારે છાત્રાલયમાં પટ્ટવાવાળા તરીકે નોકરીએ હાજર થવાનું છે.’
પરિવાર કાંઈ સમજે એ પહેલા આટલું બોલીને હીરાભાઈ વધું આગ્રહ કરે એ પહેલા વિઠ્ઠલભાઈ વિદાય થયા.થોડીવાર પછી અમરેલિયા પરિવારની આંખોમાં હર્ષના આંસુ તગતગી રહ્યાં હતા.
સવારે માતાજીને દીવાબત્તી કરી પગે લાગી હીરાભાઈએ નોકરી ચાલું કરી દીધી.નાના માણસ સાથે મોટા માણસે નિભાવેલી મિત્રતાથી હીરાભાઈનો પરિવાર ખુશખુશાલ હતો, પણ
વિઠ્ઠલભાઈને આટલી વાતથી હજી સંતોષ નહોતો.એમનું મન હજુ કંઈક વિચારી રહ્યું હતું.એ હવે સમયની રાહ જોઇ રહ્યા હતા.
સમય જતા જે જગ્યાએ હીરાભાઈની દુકાન હતી એની બાજુનું રોડ કાંઠાનું જૂનું મકાન વિઠ્ઠલભાઈએ બંગલો બનાવવા માટે ખરીદી લીધું.જૂનો કાટમાળ કાઢી પ્લોટની જગ્યા ખુલ્લી કરીને ટૂંક સમયમાં જ પ્લાન મુજબ વિઠ્ઠલભાઈએ અહીં આલિશાન બંગલો બનાવવાનું કામ આદરી દીધું.
રોડના કાંઠે આવેલી કેબિન જેવી દુકાન બંગલાની શોભામાં આડખીલી રૂપ સાબિત થઈ રહી હતી.હીરાભાઈ અને એમનો પરિવાર વિઠ્ઠલભાઈના મકાનના પાયા ખોદાણની વાતથી વાકેફ હતો.એટલે એમણે જાતે જ નક્કી કર્યું કે આપણે આ કેબિન અહીંથી હટાવી લેવી.આમેય પોતાની માલિકીની જગ્યા તો હતી જ નહીં.અને વિઠ્ઠલભાઈ આવડું મોટું મકાન બનાવતા હોય ત્યારે દ એ કહે એ પહેલા જ કેબિન હટાવી લેવી જોઈએ.એટલે ત્રણેય બાપદીકરાએ દુકાન(કેબિન) હટાવવાનું નક્કી કરી લીધું.
દુકાન હટાવવાની હીરાભાઈની વાતની વિઠ્ઠલભાઈને ખબર મળતા જ એમણે પટેલ ચોક તરફ પગ ઉપાડ્યા.જસવંત અને જગદીશ એમને આવકારો આપે એ પહેલા જ વિઠ્ઠલભાઈ બોલી ઊઠ્યા.
‘ભાઈ !જગદીશ ! કેબિન કે’ દિ હટાવવાના છો ?’
“બસ ! આજકાલમાં જ સાહેબ !”
‘કોના કહેવાથી હટાવવાનું નક્કી કર્યું છે? ‘
સાહેબ ! કોઈએ કીધું નથી, પણ આંયા હવે તમારો બંગલો બનવાનો છે ને ! તમને નડેને હવે ! આવડા મોટા બંગલા પાસે હવે અમારી જૂની કેબિન તમને નડતર રૂપ થશે.અને આ જગ્યા અમારી તો છે જ નહીં.ઠીક છે આટલા વરસ અમને અહીં કેબિન ચલાવવા મળી .હવે અમારે એને હટાવી લેવી જોઈએ.સાહેબ ! બંગલાની શોભા જોખમાય એવું અમારાથી ન કરાય.અને આમેય કેબિન ખાસ કંઈ ચાલતી પણ નથી.બીજે ક્યાંક નાની મોટી દુકાન લઈને ધંધો કરી લેશું.”વિઠ્ઠલભાઈ નાના માણસની ખાનદાની અને ખુમારીને થોડીવાર તાકી રહ્યા.પછી ઊંડો શ્વાસ લઈ બોલ્યા.
‘કાન ખોલીને સાંભળ જગદીશ ! આ દુકાન અહીં જ રહેશે.નાના અને ગરીબ માણસની દુકાન હટાવીને મારે મારા બંગલાની શોભા નથી વધારવી.કોઈના પેટ ઉપર પાટું મારવું સૌથી મોટું પાપ ગણાય.એ પાપ મારે નથી લેવાનું.કોઈને રોટલો આપવાનો હોય કે ઝૂંટવવાનો હોય! મને સમજાવ તું ! તમતમારે દુકાન ચલાવો અને સુખેથી રોટલો રળો.હું જીવીશ ત્યાં સુધી આ કેબિન કોઈ નહીં હટાવે.હવે આ કેબિન જ મારા બંગલાની શોભા બની રહેશે.’
“પણ…પણ…સાહેબ….! “જસવંત અને જગદીશ વધું બોલે એ પહેલા વિઠ્ઠલભાઈએ ત્યાંથી ચાલતી પકડી.
તે ‘ દિ રાતે વિઠ્ઠલભાઈને ઉંઘ ન આવી.
“આમેય દુકાન ખાસ કંઈ ચાલતી પણ નથી” જગદીશના આ શબ્દો એમના કાનના પડદા ઉપર પડઘાય રહ્યા હતા.એમના મને આખી રાત ઉધામા કર્યા.
થોડા દિવસ પછી વિઠ્ઠલભાઈએ કંડોરણા છાત્રાલયમાં જ એક દુકાન બનાવી નાંખી.એ સમયે છાત્રાલયમાં રહીને અંદાજે 4000 જેટલા વિદ્યાર્થીઓ અભ્યાસ કરતા હતા.આ 4000 વિદ્યાર્થીઓના બાલદાઢીનું કામ વિઠ્ઠલભાઈએ અમરેલિયા પરિવારને સોંપી દીધું.દસ રૂપિયામાં કપાતા વાળ આ પરિવાર પાંચ રૂપિયામાં ખુશીથી કાપી આપતો હતો.બંને તરફે ફાયદો જ ફાયદો.4000 ઘરાક સીધા જ મળતા અમરેલિયા પરિવારને ખૂબ જ આર્થિક લાભ થયો.સામા પક્ષે વિદ્યાર્થીઓને પણ પાંચ રૂપિયાની બચત થતા અને કેમ્પસમાં જ વાળ કપાવવાની સુવિધા મળતા તેઓ પણ ખુશ હતા.વિઠ્ઠલભાઈની હમદર્દી અને કોઠાસૂઝના કારણે એક પરિવાર નભી ગયો.
સમય જતા હીરાભાઈનું અવસાન થયું એટલે વિઠ્ઠલભાઈએ હીરાભાઈના નાના દીકરા જસવંતને એ જ જગ્યાએ પટ્ટવાળાની નોકરીએ રાખી પુનઃ પરિવારને સાચવી લીધો.વધું એકવખત પરિવારની વહારે આવેલા વિઠ્ઠલભાઈનો પ્રેમ અમરેલિયા પરિવારને ભીંજવી ગયો.ગદગદ પરિવાર વિઠ્ઠલભાઈના અવિરત પ્રેમ સામે નતમસ્તક બની ગયો.
આજે હીરાભાઈ નથી.વિઠ્ઠલભાઈએ પણ હમણા વિદાય લીધી છે.પણ, આવકના સાધન સમી હીરાભાઈની કેબિન વિઠ્ઠલભાઈના બંગલાની શોભા વધારતી આજે પણ એ જ જગ્યાએ અડીખમ ઊભી છે.હીરાભાઈનો મોટો દીકરો જગદીશ ત્યાં બાલદાઢીનું કામ કરી પોતાનું ગુજરાન ચલાવે છે.
વિઠ્ઠલભાઈએ આ દુનિયામાંથી વિદાય લીધી ત્યારે સમગ્ર અમરેલિયા પરિવાર એની આંખોમાં હતું એટલું પાણી વહાવી ચોધાર આંસુડે રડ્યો હતો. કારણ કે હિબકે ચડેલા આ પરિવારનો લાડખજાનો લૂંટાઈ ગયો હતો.આજે પણ આ પરિવારની આંખો વિઠ્ઠલભાઈનું નામ સાંભળતા જ ડબડબ થઈ જાય છે.
-રવજી ગાબાણી

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *